સામાન્ય જનતાને તો ઘર માટે ફાંફાં મારવા જ પડે છે, પરંતુ કેબિનેટમાં પ્રધાન હોવા છતાં પણ જો તમને મહિનાથી નિવાસસ્થાન ન મળે તો શું કરવું. ગુજરાતમાં આવું જ બન્યુ છે. ભુપેન્દ્ર પટેલ સરકારે બીજી વાર શપથ લીધા તેને આજે પાક્કો એક મહિનો થયો, પણ અમુક પ્રધાનોને ફાળવાયેલા બંગલા ન મળ્યા હોવાથી સરકારી સર્કિટ હાઉસમાં રહેવાની ફરજ પડી છે. વળી, આ બંગલા ન મળ્યાનું એક કારણ એ પણ હોય છે કે તેમની પહેલા અહીં રહેતા પ્રધાને આ બંગલો ખાલી નથી કર્યો અથવા સામાન ખસેડ્યો નથી. આવા ચાર પ્રધાન છે, જેમાં ભાનુબેન બાબરીયા, પ્રફુલ પાનસેરીયા, કુવરજી હળપતિ અને ભીખુસિહનો સમાવેશ થાય છે.
આ ચારેય પ્રધાનોએ ગાંધીનગર સર્કિટ હાઉસમાં જ રહેવાની ફરજ પડી રહી છે, તેવું જાણવા મળ્યું હતું. ગાંધીનગર સર્કિટ હાઉસ ની બાજુમાં જ પ્રધાનમંડળ વિસ્તાર છે. જોકે હવે પ્રધાનમંડળમાં નથી તેવા પ્રધાનોએ હજુ બંગલાનો કબજો છોડ્યો નથી તેના કારણે ચારે ચાર મંત્રીઓ દ્વારા ગાંધીનગર સર્કિટ હાઉસમાં રહેવાની ફરજ પડી છે.
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર રચાયા બાદ હવે ૧૬ પ્રધાન સહિત ૨૩ પદાધિકારીઓને બંગલા મળ્યા છે. જેમાં મંદિરવાળો બંગલો મહિલા પ્રધાનને મળ્યો છે. જ્યારે સરકારમાં પ્રમોશન આપતો નંબર-૨૩ ખાલી રખાયો છે.
રૂપાણી સરકારના ૧૦ પ્રધાન રહ્યા તે બંગલાની ફાળવણી કરાઈ નથી. એવી પણ ચર્ચા છે કે નવા પ્રધાન સરકારમાં આવી શકે છે. આથી વહીવટી વિભાગે સાવચેતી રાખી છે. રાજ્યમાં નવી સરકારના 16 પ્રધાન અને વિધાનસભામાં ઉપાધ્યક્ષ, મુખ્ય દંડક, દંડક એમ કુલ ૨૩ પદાધિકારીઓને મંગળવાર સાંજે માર્ગ મકાન વિભાગે
બંગલાની ફાળવણી કરાઈ હતી.