પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા સત્યબ્રત મુખરજીનું 91 વર્ષની વયે નિધન થયું છે. તેમણે બાલીગંજ (કલકત્તા) ના વૃદ્ધાશ્રમમાં અંતિમ શ્વાસ લીધા હતા. સત્યવ્રત મુખરજી અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન કેન્દ્રીય રાજ્ય પ્રધાન હતા. મુખરજી ભારતના ભૂતપૂર્વ એડિશનલ સોલિસિટર જનરલ (ASG) પણ હતા. સત્યવ્રત મુખરજીનો જન્મ 8 મે 1932ના રોજ સિલ્હેટ, આસામ (હાલ બાંગ્લાદેશ)માં થયો હતો. તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવ્યું હતું. ત્યારબાદ, મુખરજીએ ધ ઓનરેબલ સોસાયટી ઓફ લિંકન્સ ઇનમાંથી બાર-એટ-લો કર્યું હતું અને લંડનમાં રીજન્ટ સ્ટ્રીટ પોલીટેકનિકમાં વધુ અભ્યાસ કર્યો હતો. તેમણે 1999માં કૃષ્ણનગર લોકસભા મતવિસ્તારથી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. મુખરજી ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા. તેમના લોકસભા કાર્યકાળ દરમિયાન, તેમણે સપ્ટેમ્બર 2000 થી જૂન 2002 સુધી રસાયણ અને ખાતર રાજ્ય પ્રધાન તરીકે અને બાદમાં જુલાઈ 2002 થી ઓક્ટોબર 2003 સુધી વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન તરીકે સેવા આપી હતી. સત્યબ્રત મુખરજી 87 વર્ષની ઉંમર સુધી નિયમિત રીતે હાઈકોર્ટમાં જતા હતા. તેઓ પાર્ટીની ગતિવિધિઓ પર નજર રાખતા હતા, પરંતુ તેમની વધતી ઉંમરને કારણે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી દરેક વસ્તુથી દૂર થઈ ગયા હતા. મુખરજી છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. તેમને સારવાર માટે ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજ્યના વિપક્ષના નેતા સુભેન્દુ અધિકારીએ દિગ્ગજ નેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.