ભારતના આ ઝંડાવાળા ચાચા ૬૦ વર્ષથી તિરંગો સીવે છે

વીક એન્ડ

ફોકસ -નિધિ ભટ્ટ

દિલ્હીની સદર બજારમાં આવેલી એક નાનકડી દુકાનમાં સિલાઈ મશીન સાથે ૭૧ વર્ષના વયસ્ક ગૃહસ્થને તમે જુઓ તો ચોક્કસ સલામ કરજો. ભલે તમે પ્રત્યક્ષ રીતે તેમની પાસેથી કંઈ જ ખરીદ્યું નહીં હોય, પરંતુ બની શકે કે તમારા સ્કૂલ, કોલેજના દિવસોમાં કે પછી તમારી સોસાયટીમાં તમે તિંરગો લહેરાવ્યો હોય અને તે કદાચ આ સફેદ દાઢીવાળા ચાચાનો હોય. આ ચાચા એટલે ફ્લેગ અંકલ – ઝંડાવાળા ચાચા અબ્દુલ ગફાર. તેમણે જીવનનાં ૭૧ વર્ષમાંથી ૬૦ વર્ષ માત્ર તિરંગો સીવવામાં જ લગાડ્યાં છે. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સમયે સૌ કોઈ તિરંગાના રંગે રંગાયેલા છે ત્યારે ગફાર ચાચાએ તો એક જ દિવસમાં દોઢ લાખ તિરંગા બનાવવાનો રેકોર્ડ બનાવી નાખ્યો છે. ગફાર ચાચાએ બનાવેલા તિરંગાએ કટોકટી, વાજપેયી સરકાર, અણ્ણા હઝારે આંદોલન વગેરે જેવાં ઘણાં રાષ્ટ્રીય કાર્યક્રમો અને ઘટનાઓ જોયાં છે. તેમની દુકાનને અડીને ચાર ઓરડી છે જે તિરંગાથી ભરેલી પડી છે. ઝંડાવાળા તરીકે જાણીતા ગફાર ચાચા છેલ્લાં ૬૦ વર્ષથી આ કામ સાથે જોડાયેલા છે.
કટોકટી સમયે ૧૯૭૫માં અને તેનાં દસ વર્ષ બાદ તિરંગાની બહુ માગ હતી, પરંતુ હાલમાં જે માગ અમે જોઈ રહ્યા છીએ તે અગાઉ ક્યારેય જોઈ નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ દેશવાસીઓને ૧૩થી ૧૫ ઓગસ્ટ દરમિયાન પોતાના ઘરમાં રાષ્ટ્રધ્વજ લહેરાવાનો અનુરોધ કર્યો છે. દેશનાં ૨૦ કરોડ ઘરમાં તિરંગો લહેરાય તેમ છે ત્યારે સ્વાભાવિક રીતે આવી માગ ક્યારેય જોવા મળી નહીં હોય.
ગફાર ચાચા કહે છે કે સામાન્ય રીતે ૧૫મી ઓગસ્ટ નજીક આવે ત્યારે અમે દિવસદીઠ ૪,૦૦૦થી ૫,૦૦૦ તિરંગા બનાવીએ છીએ, પરંતુ હાલમાં અમે દિવસના એકથી દોઢ લાખ તિરંગા બનાવી રહ્યા છીએ. તિરંગાની માગ એટલી છે કે તમામ કારીગરો દિવસ-રાત પાળીમાં કામ કરે છે.
ગફારના ભાઈ અબ્દુલ કહે છે કે તેમને લગભગ ૫૦૦ ફોનકોલ્સ દિવસના આવે છે. છ ભાઈઓમાં ગફાર સૌથી નાના છે અને પોતાના પારિવારિક ધંધાને સાચવી રાખ્યો છે.
ગફાર કહે છે કે અમે લગભગ દિવસના બે લાખ તિરંગા બનાવવા તરફ જઈ રહ્યા છીએ. નફા-નુકસાનને ધ્યાનમાં ન રાખતાં તમામ લોકો કામ કરી રહ્યા છે. જોકે આટલા મોટા પ્રમાણમાં તિરંગા બનતા હોવાથી લોકોને ઘણી રોજગારી મળી હોવાનું તેમણે જણાવ્યું હતું.
તેમના કહેવા અનુસાર એકલી તેમની દુકાનમાં ૬૦૦ જેટલા કારીગરો કામ કરી રહ્યા છે, જેમાંથી મોટા ભાગની મહિલાઓ છે. તેમને દિવસે ૮૦૦થી ૧,૦૦૦ રૂપિયા મળી રહ્યા છે.
ગફાર ચાચાના સંપ્રદાય કે ધર્મ-જાત વિશે વાત કરવી જ નથી. દેશનો દરેક મહેનત કરતો નાગરિક પોતાની રાષ્ટ્રભક્તિ આપોઆપ પુરવાર કરે છે. તિરંગા સાથે આપણા સૌની લાગણી જોડાયેલી છે. તિરંગામાં ભગવો અને લીલો રંગ સરખેસરખા પ્રમાણમાં છે અને તે જ તેની સુંદરતા છે. આપણે નાહકના એક રંગ પાછળ તેની સુંદરતાને ઝાંખી કરવાના પ્રયત્નોમાં જોડાઈ જઈએ છીએ. બન્ને સાથે સફેદ રંગ ભાઈચારાનો છે અને તે જો ઝાંખો પડશે તો તિરંગા અને તિરંગાને લહેરાવવા માટે જેટલાં વીર-વીરાંગનાઓએ બલિદાન આપ્યાં છે તે તમામના આત્માને દુ:ખ પહોંચશે, આથી જેમ ગફાર ચાચા કહે છે કે હું કામ દેશ માટે કરું છું અને તેનો મને આનંદ છે. તો આપણે પણ આઝાદીના અમૃત મહોત્સવે તિરંગો લહેરાવીએ અને ગાઈએ ‘વિજયી વિશ્ર્વ તિરંગા પ્યારા… ઝંડા ઊંચા રહે હમારા…’

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.