મુંબઈઃ લંડનથી બેંગ્લોર આવી રહેલી એક ફ્લાઈટમાં પ્રવાસીને એક નહીં પણ બે વખત હાર્ટ એટેકનો હુમલો આવતા ફ્લાઈટમાં જ પ્રવાસ કરી રહેલાં ભારતીય ડોક્ટર તેના માટે ભગવાન થઈને આવ્યા હતા.
લંડનથી બેંગલુરુ આવી રહેલી ફ્લાઈટમાં 10 કલાકની મુસાફરી દરમિયાન આ ઘટના બની હતી. આ જ ફ્લાઈટમાં ભારતીય મૂળના ડોક્ટર ડો. વિશ્વરાજ વેમલા પણ પ્રવાસ કરી રહ્યા હતા. ડો. ડો. વેમલા યુનિવર્સિટી હોસ્પિટલ્સ બર્મિંગહેમ ખાતે કન્સલ્ટન્ટ હિપેટોલોજિસ્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે.
43 વર્ષીય પ્રવાસી અચાનક બેભાન થઈ જતાં ફ્લાઈટ એટેન્ડન્ટે મદદ માગી હતી. ચાલુ ફ્લાઈટમાં પ્રવાસીને હાર્ટ એટેક આવ્યો હતો અને તે સીટની વચ્ચેની જગ્યામાં ઢળી પડ્યો હતોઆ દરમિયાન ડો. વિશ્વરાજ વેમુલા મદદ કરવા દોડી આવ્યા. લગભગ એક કલાક સુધી છાતી પર પંપ કરીને પ્રવાસીના બંધ પડી ગયેલાં શ્વાસ અને પલ્સને ફરી શરુ કરવાનો પ્રયાસ કર્યો હતો.
વિમાનમાં દર્દીની મેડિકલ કન્ડિશન પર વોચ રાખી શકાય એવી કોઈ સિસ્ટન ન હોવાને કારણે વધુ મુશ્કેલી પડી રહી હતી. દરમિયાન પેશન્ટ ડો. વેમલા સાથે વાત કરતો હતો અને તેને અચાનક બીજો હાર્ટ એટેક આવ્યો. આ વખતે તેને રિવાઈવ કરવામાં ડોક્ટરને ખાસી મહેનત કરવી પડી હતી. પ્રવાસી પણ ભારતીય મૂળનો હતો અને લગભગ બે કલાક સુધી તેનું બ્લડ પ્રેશર નોર્મલ ન હતું તથા પલ્સ રેટ પણ અનિયમિત હતા.
દર્દીની ગંભીર સ્થિતિ જોઈને ડો. વેમલા અને પાઈલટે પાકિસ્તાનમાં આવેલા સૌથી નજીકના એરપોર્ટ પર ઉતરવાની પરવાનગી માંગી, પરંતુ આ માંગણી રિજેક્ટ કરી દેવાઈ હતી. પેશન્ટે પોતાનો જીવ બચાવવા માટે ડો. વેમલાનો આભાર માન્યો હતો.