Homeલાડકીનજીવા રોકાણમાં પેપર ડૉલ બનાવીને સફળ બિઝનેસ વુમન બની આ દિવ્યાંગ દીકરી

નજીવા રોકાણમાં પેપર ડૉલ બનાવીને સફળ બિઝનેસ વુમન બની આ દિવ્યાંગ દીકરી

સાંપ્રત-પ્રથમેશ મહેતા

કહેવાય છે કે જયારે જીવનમાં કોઈ એક દરવાજો બંધ થઇ જાય ત્યારે ઈશ્ર્વર કોઈ બીજો દરવાજો અચૂક ખુલ્લો કરે છે. આ વાત દિવ્યાંગ વ્યક્તિઓને સચોટપણે લાગુ પડે છે. શરીરના કોઈ એકાદ અંગના વિક્ષિપ્ત હોવા છતાં તેમને ઈશ્ર્વરે કોઈ એવી કળા આપી હોય છે, જેને સથવારે તેઓ પણ અન્ય સામાન્ય વ્યક્તિની જેમ સફળતા મેળવી શકે છે.
જો તમારામાં કળા હોય અને મહેનત કરવાની તૈયારી હોય તો તમે સફળતા મેળવવા તમને કોણ રોકી શકે?
૨૩ વર્ષની રાધિકા જેએ, સોશિયલ
મીડિયા દ્વારા બિઝનેસ ચલાવે છે અને તે આત્મનિર્ભર છે. જ્યારે તે પાંચ વર્ષની
હતી, ત્યારે તેને હાડકાંની ગંભીર બીમારી હોવાનું નિદાન થયું હતું અને શારીરિક મજબૂરીઓને કારણે તેણે અભ્યાસ પડતો મૂકવો પડ્યો હતો. એટલું જ નહીં તેની હાલત એવી થઈ ગઈ હતી કે તે એકલી ઘરની બહાર પણ નીકળી શકતી નહોતી.
જો કે, રાધિકા ભલે તેનો અભ્યાસ ચૂકી ગઈ હોય, પરંતુ તેના શોખ અને કલા પ્રત્યેનો તેનો જુસ્સો ઓછો થયો નહોતો. વર્ષ ૨૦૧૬માં પોતાના શોખમાંથી પ્રથમ કમાણી કર્યા બાદ જ તેને સમજાયું કે તેની કલાને વ્યવસાય બનાવી શકાય છે.
વધારે રોકાણ કર્યા વિના, તે ટીવી શોમાંથી હસ્તકલા શીખી અને જૂના અખબારોમાંથી વોલ હેંગિંગ બનાવ્યું, જેના માટે તેને પડોશીઓ અને મિત્રો તરફથી પ્રારંભિક ઓર્ડર મળ્યા. બાદમાં રાધિકાના ભાઈના મિત્રએ તેને આફ્રિકન ઢીંગલી બતાવી.
તે ઢીંગલી જોઈને રાધિકાને લાગ્યું કે તેની સર્જનાત્મકતા બતાવવા અને આત્મનિર્ભર બનવાનો આ એક સારો રસ્તો છે. પછી શું,
તેણે જૂના અખબારોમાંથી ઢીંગલી બનાવવાનું
શરૂ કર્યું. પરંપરાગત આફ્રિકન ઢીંગલીઓથી વિપરીત, તેના ચહેરા ઉપર આંખો, નાક
અથવા કાન જેવા ભાગો હોતા નથી, ન તો તેમને કોઈ મુદ્રા અથવા અભિવ્યક્તિ કરવાની જરૂર
હોય છે.
ખૂબ જ ઓછા સંસાધનોથી બનેલી, આ ઢીંગલીને લોકોએ સોશિયલ મીડિયા પર એટલી પસંદ કરી કે તે તેમનો ઑનલાઇન વ્યવસાય
બની ગયો.
માત્ર બિઝનેસ જ નહીં, રાધિકાએ આ કળાથી જીવનની અનેક મુશ્કેલીઓને પણ પાછળ છોડીને એક નવી ઓળખ ઊભી કરી છે.
તેના વિશે વાત કરતાં રાધિકા કહે છે, “મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે હું ક્યારેય આત્મનિર્ભર બની શકીશ. બાળપણથી જ હું ઘરની બહાર જવા માટે પણ મારા પરિવાર પર નિર્ભર હતી. આજે પણ મારા વ્યવસાયમાં મને મારા માતા-પિતા અને ભાઈનો પૂરો સહયોગ મળે છે. પરંતુ હું મારા ઉત્પાદનો દ્વારા લોકો સુધી પહોંચવામાં સક્ષમ છું, તે મારા માટે મોટી વાત છે.
આત્મનિર્ભર રાધિકા કહે છે કે ૫ વર્ષની ઉંમર સુધી બધું બરાબર હતું, પરંતુ પછી તેની તબિયત સતત બગડતી ગઈ. તેણે શાળાએ જવાનું બંધ કરી દીધું, ત્યારબાદ તે ઘરે જ રહી. રાધિકાના પિતા શાળામાં ક્લાર્ક તરીકે કામ કરે છે અને તેની માતા ગૃહિણી છે.
રાધિકાના પગનું પણ અનેકવાર ઓપરેશન કરવામાં આવ્યું હતું, પરંતુ પરિસ્થિતિમાં બહુ સુધારો થયો નહોતો. બીમારીને કારણે તે ખૂબ જ માનસિક તણાવમાં પણ હતી.
રાધિકાના મોટા ભાઈ રાજમોહન કહે છે, “૨૦૧૬માં અમે ફરી એકવાર રાધિકાને
હોમ સ્કૂલિંગ દ્વારા ભણાવવાનું શરૂ કર્યું. તે
ખૂબ જ મહેનતુ છે. મોટા થયા પછી ભણવું
અને પરીક્ષા પાસ કરવી એ સહેલું કામ
નહોતું, પણ તેણે સખત મહેનતથી આ શક્ય બનાવ્યું.
એવું નથી કે રાધિકાના પરિવારે સામાન્ય શાળામાં એડમિશન મેળવવાનો પ્રયાસ કર્યો નહોતો. પરંતુ ઘણી જગ્યાએ તેની વિકલાંગતાને કારણે તેને પ્રવેશ આપવામાં આવ્યો નહીં. ઘરની આર્થિક સ્થિતિ એવી નહોતી કે રાધિકાને સ્પેશિયલ સ્કૂલમાં મૂકવામાં આવે.
પરંતુ રાજમોહન ગર્વથી કહે છે કે આજે રાધિકા સંપૂર્ણપણે આત્મનિર્ભર છે અને પ્રેરક વક્તા તરીકે ઘણી શાળાઓ અને સંસ્થાઓમાં જાય છે. તેમજ ઘણી જગ્યાએ તેને વર્કશોપ માટે બોલાવવામાં આવે છે.
લૉકડાઉન દરમિયાન રાધિકા લોકોને અખબારોમાંથી ઢીંગલી કેવી રીતે બનાવવી તે ઓનલાઈન શીખવતી હતી.
આત્મનિર્ભર રાધિકા પહેલેથી જ પેઇન્ટિંગ અને ક્રાફ્ટમાં નિષ્ણાત હતી. ઘરમાં ટીવી જોવું એ તેનું શ્રેષ્ઠ મનોરંજન હતું. તેણે ટીવી પર આર્ટ એન્ડ ક્રાફ્ટ શો જોઈને વેસ્ટ પ્રોડક્ટ્સમાંથી ઘણી સારી વસ્તુઓ બનાવતા શીખ્યું. તેણે વિચાર્યું કે આ બધી વસ્તુઓ ઘરે સરળતાથી ઉપલબ્ધ છે, તો શા માટે તેમાંથી અલગ-અલગ પ્રોડક્ટ્સ ન બનાવીએ.
તેણે આ કળા પર એટલી સારી રીતે કામ કર્યું કે કોઈ માની જ ન શકે કે તેની કૃતિઓ નકામી સામગ્રીથી બનેલી છે. ત્યારે તેના ભાઈએ સોશિયલ મીડિયા પર તેની પ્રોડક્ટ્સનું પ્રમોશન કરવાનું
શરૂ કર્યું.
આ પ્રોડક્ટ્સ જોવામાં એટલી આકર્ષક હતી કે લોકો તેને રિટર્ન ગિફ્ટ અથવા ઘરની સજાવટ માટે ઓર્ડર આપવા લાગ્યા. એક વર્ષમાં તેને નિયમિત ઓર્ડર મળવા લાગ્યા. રાધિકાએ ૨૦૧૭ થી અત્યાર સુધીમાં ૨૫૦૦ થી વધુ ઓર્ડર પૂરા કર્યા છે.
તેમને માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ ઘણા ઓર્ડર મળે છે. તેણે જણાવ્યું કે તેને દર મહિને ૩૦ થી ૪૦ ઓર્ડર મળે છે. જ્યારે આ આંકડો ક્યારેક ૨૦૦ સુધી પણ પહોંચી
જાય છે.
હાલમાં તે એકલી કામ કરે છે, જેમાં તેનો આખો પરિવાર તેને સપોર્ટ કરે છે. તેના દ્વારા બનાવેલ ઉત્પાદનો ચાર અલગ-અલગ તબક્કામાં તૈયાર કરવામાં આવે છે. તે આ માટે જૂના અખબારો, એક્રેલિક પેઇન્ટ અને ગુંદરનો ઉપયોગ કરે છે. તે સામાન્ય રીતે ઢીંગલી બનાવવામાં ૪ થી ૫ કલાક લે છે. જો કે, જ્યારે તે નવી ડિઝાઇન પર કામ કરે છે, ત્યારે ક્યારેક તેને ૧ થી ૨ દિવસની જરૂર પડે છે.
અખબારોમાંથી આફ્રિકન ડોલ્સ બનાવવા ઉપરાંત રાધિકા હવે ભારતીય પરંપરાગત પોશાકમાં પણ ઢીંગલી બનાવી રહી છે.
આ ઉપરાંત, તે અખબારોમાંથી દીવાલની ચીમની, બાઇક, સાઇકલ અને પેન-સ્ટેન્ડ પણ બનાવે છે. કેટલીકવાર તે ગ્રાહકોની માંગ અનુસાર ઉત્પાદનો પણ બનાવે છે.
આ રીતે તે દર મહિને લગભગ રૂા. ૧૦,૦૦૦ આરામથી કમાય છે. સાથે, તે ટૂંક સમયમાં ઓનલાઈન શોપિંગ સાઇટ્સ પર તેના ઉત્પાદનો વેચવા જઈ રહી છે અને તેની મદદ માટે કેટલાક લોકોને નોકરી પર રાખવાનું પણ વિચારી રહી છે.
રાધિકાએ જે રીતે જીવનની દરેક મુશ્કેલીને હરાવીને પોતાની ઓળખ બનાવી છે અને આત્મનિર્ભર બની છે, તે વખાણવા લાયક છે. રાજ્યના મુખ્યમંત્રી સહિત અનેક સંસ્થાઓ તરફથી તેને અનેક એવૉર્ડ પણ મળ્યા છે. એક સફળ બિઝનેસવુમન બનીને તેણે સાબિત કર્યું કે પ્રતિભાની સામે કોઈપણ મજબૂરી કે નબળાઈ નાની છે. ઉ

RELATED ARTICLES

Most Popular