પ્રાસંગિક -અમીષા રાવલ
૧૮ વર્ષની રૈના જૈસવાલને એના માતાપિતાએ તેની બર્થ ડે પર ગિફ્ટમાં સ્માર્ટ ફોન આપ્યો. આ બર્થ ડે ગિફ્ટથી ખુશખુશાલ થયેલી રૈનાનો દિવસ-રાતનો ઘણો સમય મોબાઈલ ફોન સાથે જ વીતવા માંડ્યો. સોશિયલ મિડિયા, એપ્સ, યુટ્યુબ આ બધાના વર્ચ્યુલ જગતમાં જ તે પડીપાથરી રહેવાં માંડી. આવા જ એક ડિજિટલ પ્લેટફોર્મ પર રૈનાની એક યુવાન સાથે વર્ચ્યુઅલ દોસ્તી થઈ. આ યુવક સાથે ચેટ કરવામાં તેને મજા આવવા માંડી. જેને તે ક્યારેય મળી નહોતી કે જેને વ્યક્તિગત રીતે જાણતી પણ નહોતી તેના સ્ટાઇલિશ ફોટાઓ અને મીઠી મીઠી વાતોથી રૈના તેના પ્રેમમાં પડી ગઈ. સવારે ઉઠતાંની સાથે શરૂ થતી મેસેજોની આપ-લે છેક અડધી રાતના ઢગલા-બંધ મેસેજો પછી જ વિરામ લેતી અને એ પણ માત્ર ૩-૪ ક્લાક માટે!
શરૂઆતમાં મા-બાપને લાગ્યું કે રૈનાને સોશયલ મીડિયાનો ક્રેઝ હશે, જે થોડા સમયમાં ઓછો થઈ જશે, પણ આ પાગલપન દિવસે-દિવસે વધતું જ જતું હતું. હવે તે એક મિનિટ માટે પણ ફોન છોડતી નહોતી. જેવો નોટીફિકેશનનો સાઉન્ડ આવે એટલે એ જ ક્ષણે એણે ફોન ખોલી રિપ્લાય આપવો જ પડે! જમતાં જમતાં પણ ચેટિંગ ચાલુ જ હોય. નહીં કોઈ સાથે હસવા બોલવાનું, નહીં કોઈ મિત્રો સાથે આઉટિંગ કે નહીં કોઈ રમત ગમત; એની દુનિયા માત્ર ને માત્ર એક ફોન પૂરતી સીમિત થઈ ગઈ.
એકવાર તો અડધી રાતે એ છોકરી પેલા યુવકને મળવા જતી રહી. ઘરમાં ખબર પડતા ઘરમાં ખૂબ ધમાલ ચાલી. પરિવારે રૈના પર નિયંત્રણો મૂકયાં, તો રૈનાએ આત્મહત્યા કરી લઈશ એવી ધમકીઓ આપી અને બધાને ચૂપ કરી દીધા. રૈનાની જિંદગી વેડફાઇ રહી હતી. રૈનાનો પરિવાર પરેશાન થઈ ગયો. રૈનાને એની મિત્ર દ્વારા પૂછાવ્યું કે ક્યાંક પેલો એને બ્લેકમેઈલ તો નથી કરતો ને? રૈનાનો પરિવાર એને સમજાવવા માગતો હતો કે પેલાના ઈરાદા સારા નથી જ! પણ રૈના એને છોડવા તૈયાર જ નહોતી. આખરે રૈનાની માતા એને લઈને લંડન જતી રહી કે રૈના આ બધું ભૂલી જાય, પણ રૈના લંડન જઈને પણ પેલા યુવકને ભૂલી શકતી નહોતી. તે ડિપ્રેસનમાં જતી રહી. કલાકો સુધી છતને તાકતી રહેતી. આખરે એક સાઇકોલોજિસ્ટની મદદથી તે હવે નોર્મલ જીવન જીવી રહી છે, પણ આ સ્માર્ટ ફોનનાં ચક્કરમાં રૈનાએ એની જિંદગીનાં મહત્ત્વનાં ૩-૪ વર્ષો ગુમાવી દીધાં અને સાથે પરિવારે પણ એટલું જ દર્દ ભોગવવું પડ્યું. રૈનાના માતાપિતા કહે છે કે મુગ્ધાવસ્થામાં પ્રવેશેલાં બાળકો એ વાત સમજી શકતાં નથી કે સ્માર્ટ ફોનમાં જે દેખાય છે, એ બધું જ સત્ય નથી હોતું.
રૈના જેવાં અનેક યુવક યુવતીઓ આ જ રીતે જિંદગીનો અમૂલ્ય સમય બરબાદ કરી રહ્યાં છે. એક અંદાજ પ્રમાણે આજે લગભગ દરેક વ્યક્તિ ૩.૫થી ૪.૫ ક્લાક એના સ્માર્ટ ફોનનો ઉપયોગ કરી રહી છે, જેમાં જાણ્યે અજાણ્યે માણસ ફોનના એડિક્શન તરફ દોરાતો જાય છે. આંખ ખરાબ થવી, ગરદનનો દુખાવો, ઊંઘનો અભાવ, માનસિક તનાવ, એકાગ્રતાનો અભાવ… આ બધા તો પ્રથમ તબક્કાનાં પરિણામો છે, પણ સૌથી ખતરનાક તો સાઇબર ક્રાઇમ છે, જે સંપૂર્ણત: સ્માર્ટ ફોનની જ દેન છે.
સ્માર્ટ ફોનના વ્યસની કંઈ માત્ર ટીનએજર કે યુવાનો જ નથી. આ બીમારી દરેક ઉંમર, વર્ગ, જાતિ અને જ્ઞાતિમાં પ્રવેશી ચૂકી છે. પાંસઠ વર્ષની વયના રમેશભાઈ પણ આના રવાડે ચડી ગયા હતા. રમેશભાઈની પત્ની ખૂબ ધાર્મિક છે. તે આખો દિવસ પૂજાપાઠમાં વ્યસ્ત હોય છે. નિવૃત્ત થયેલા રમેશભાઈ આખો દિવસ સ્માર્ટફોન મચડતાં રહે છે અને સોશયલ મીડિયા પર પડ્યા પાથર્યા રહે છે. આ દરમિયાન તેમની ફેસબુક પર એક જર્મન યુવતી સાથે વર્ચ્યુઅલ મુલાકાત થઈ. આ વિદેશી ગોરી છોકરી પોતાની સાથે ચેટિંગ કરી રહી છે એનાથી રમેશભાઈ તો ફુલાઈ ગયા. ધીમે ધીમે એ છોકરી આ ભાઈના ખૂબ વખાણ કરવા લાગી. આ ભાઈ પણ રાત્રે ૨-૩ વાગ્યા સુધી કરે, મીઠી-મીઠી વાતો! હવે ભાઈને લત પડી ગઈ. હવે પેલી છોકરીએ જ સામેથી કહ્યું, હું તમારા જેટલા સારા માણસને મળવા માંગુ છું. હું તમારા વિના નહીં રહી શકું. મારે ઈન્ડિયા આવવું જ છે. કાશ મારી પાસે એટલા પૈસા હોત અને આ ભાઈ પીગળી ગયા. પોતાના ઘડપણની સેવિંગ માટે મૂકેલી ફિક્સ ડિપોઝિટ તોડીને તેણે પાંચ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા. એ પછી ૨-૩ દિવસ તો પેલા બેને ખૂબ ચેટિંગ કર્યું, ચોથા દિવસથી તે અને એની સાથે રમેશભાઈના પાંચ લાખ રૂપિયા સુદ્ધાં ગાયબ થઈ ગયા!
આપણને ખબર પણ નથી હોતી કે વોટ્સએપ, ઇનસ્ટા, ફેસબુક… આ બધું જે આપણે મજા ખાતર વાપરીએ છીએ એના દ્વારા જ સ્ટોકર્સ આપણી માહિતીઓ મેળવતા હોય છે. એ સિવાય પણ સોશયલ મીડિયા ઘણી રીતે આપણને નુકશાન કરે છે. ઇનસ્ટા પર મૂકવામાં આવેલા ફિલ્ટર કરેલા ફોટાઓ સ્ત્રીના ઈર્ષ્યા ભાવને ઉદ્દીપન કરે છે અને પુરુષોની વાસનાઓને ઉત્તેજિત કરે છે. ઘણી વાર બીજાની યુરોપ ટૂર જેવી પોસ્ટના લીધે સામાન્ય વ્યક્તિમાં હીનભાવ કે પિયર પ્રેશર અનુભવાય છે. મોબાઇલની સૌથી વધુ અસર આપણી મેન્ટલ હેલ્થ પર થઈ રહી છે. વારંવાર આવતાં નોટિફિકેશનથી હ્યુમન બ્રેઇન ખૂબ પરેશાન થતું રહે છે. જેની સીધી અસર એકાગ્રતા પર પડે છે.
એમ.બી.એનો અભ્યાસ કરતી કાવ્યાને ‘ફોમો’ની બીમારી હતી, જે સાયકોલોજિસ્ટની મદદથી દૂર કરવામાં આવી. ‘ફોમો’ મતલબ કે ફિયર ઓફ મિસિંગ આઉટ. દેશી ગુજરાતી ભાષામાં કહે તો તે લઈ ગયા અને હું રહી ગઈ. કાવ્યા કહે છે કે જેવું નોટિફિકેશન બીપ થાય કે તરત જ મારા મિત્રોને હું રિપ્લાય કરી દેતી. મને લાગતું કે જો હું રિપ્લાય નહીં કરું અને મારા મિત્રો મને ગ્રૂપમાંથી બહાર કાઢી મૂકશે તો? કાવ્યાનો આ ડર ભ્રામક હતો, જે સાયકોલોજિસ્ટના કાઉન્સેલિંગ દ્વારા દૂર કરવામાં આવ્યો. કાવ્યા સતત ફોન પર એક્ટિવ રહેતી. તેને સમજાવવામાં આવ્યું કે પહેલાં તેણે પોતાની પ્રાથમિકતાને સમજીને એને મહત્ત્વ આપવું જોઈએ. અર્જન્ટ ન હોય તો પણ મેસેજનો તાત્કાલિક રિપ્લાય આપવો એ તમારી અસલામતીને છતી કરે છે.
સ્માર્ટ ફોન સૌથી વધારે તો વ્યક્તિની સર્જનશીલતા પર અસર કરે છે. ‘ઇન્ટરસ્ટેલર’ અને ‘ડાર્ક નાઈટ’ જેવી શ્રેષ્ઠ હોલીવૂડ ફિલ્મો આપનારા ડિરેકટર ક્રિસ્ટોફર નોલન કહે છે, “જ્યારે હું આ ફિલ્ડમાં આવ્યો ત્યારે બહુ ઓછા લોકો પાસે સ્માર્ટ ફોન હતા. મારી પાસે પણ સ્માર્ટ ફોન નહોતો અને મને લાગે છે કે
હું ખરેખર બહુ લકી હતો. આજે પણ હું મારી સાથે સ્માર્ટ ફોન રાખતો નથી, કારણ એના નહિ હોવાથી હું સારી રીતે વિચારી શકું છુ.
આપણી આસપાસના ઘણા લોકો હવે અમુક એપ્સના ઉપયોગથી કામનાં સમયે સ્માર્ટ ફોનનો ઉપયોગ નિયંત્રિત રાખે છે. એંજિનિયરિંગનો અભ્યાસ કરીને, મુંબઈમાં પોતાની કંપની ચલાવનાર યુવાન કવન દોશી આ દિશામાં ખુબ જાગૃત છે. કવન કામના સમય દરમિયાન ‘એપ લોક’થી સ્માર્ટ ફોનના ઉપયોગને નિયંત્રિત રાખે છે. તેનો નિયમ છે કે રાતે ૯ પછી ઘરમાં બધાનો ફોન બંધ અને માત્ર ફેમિલીને ટાઈમ આપવાનો કે પછી સાથે બેસીને ટીવી જોવું કે બુક્સ વાંચવાની! આ નિયમ શરૂઆતમાં બધાને અઘરો લાગ્યો, પણ હવે આખું ફેમિલી એ નિયમને એન્જોય કરે છે. બધાને રાતે ફેમિલી ટાઈમ અને પોતાની જાત માટે પણ સમય મળી રહે છે. એના ઘરમાં બાળકો નાનપણથી બુક વાંચવાની ટેવ કેળવી રહ્યાં છે.
તમને બધાને જાણીને આશ્ર્ચર્ય થશે કે માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે પણ ૧૪ વર્ષની વય સુધી એમના બાળકોને સ્માર્ટ ફોન અડવા પણ નથી દીધો. જ્યારે ઘણી સ્ત્રીઓ એમના સાવ નાના બાળકોને સ્માર્ટ ફોન જોતાં જોતાં જ જમાડતી હોય છે!