Homeપુરુષસ્ક્રીન ટાઈમ ઓછો કરવા આટલું કરી શકાય

સ્ક્રીન ટાઈમ ઓછો કરવા આટલું કરી શકાય

મેલ મેટર્સ -અંકિત દેસાઈ

સ્ક્રિન ટાઈમ શું કામ ઓછો કરવો જોઈએ એ વિશે આપણી વાત ચાલતી હતી. સ્ક્રિન ટાઈમ ઓછો કરવા માટે લોકો નોટિફિકેશન્સ ઑફ કરતા હોય કે એપ્સ ડિલિટ કરતા હોય છે એ વિશે પણ આપણે જોયેલું. સાથોસાથ આપણે એમ પણ ચર્ચા કરેલી કે નોટિફિકેશન્સ ઑફ કરવાથી કે પછી એપ્સ ડિલિટ કરવાથી લેશમાત્ર ફરક નથી પડતો કારણ કે મૂળત: આપણું મન જ સોશિયલ મીડિયા તરફ આકર્ષિત થતું રહેતું હોય ત્યાં એપ્સ ન હોય તો ય આપણે કોઈને કોઈ બહાને એ રિઈન્સ્ટોલ કરી લઈએ છીએ અને પછી ફરીથી કલાકો સુધી મોબાઈલમાં મચેલા રહીએ છીએ અને આપણો સમય બરબાદ કરતા રહીએ છીએ. તો પછી સ્ક્રિન ટાઈમ ઓછો કરવા આપણે કરવું શું? આ માટે અમે એક સાયકોલૉજી એક્સપર્ટ સાથે જ વાત કરી. તો તેમણે જણાવ્યું કે મોબાઈલ અથવા સોશિયલ મીડિયા કે ગેમિંગનું ઘેલું હોવું એ શુદ્ધ અર્થમાં એડિક્શન છે. અને આ એડિક્શનનું કારણ માત્ર એક જ છે કે અત્યંત વધુ પ્રમાણમાં મોબાઈલ કે સોશિયલ મીડિયા યુઝ કરતા લોકોનું રિઅલ વર્લ્ડ સાથેનું કનેક્શન અત્યંત ઓછું થઈ ગયું હોય છે. મોટાભાગના કિસ્સામાં લોકોને એ વાતનો અહેસાસ પણ હોય છે અને તેમને એની ગિલ્ટ પણ હોય છે. પણ તેઓ સોશિયલ મીડિયા, ગેમિંગ કે પછી મોબાઈલના વપરાશ પાછળ ખેંચાતા જ રહેતા હોય છે અને તેઓ રોજ સવારે નક્કી કરે કે આજે કામમાં કે રિઅલ વર્લ્ડમાં ધ્યાન પરોવવું છતાં તેઓ દિવસને અંતે કશું કરી શકતા નથી.
આ માટે સાયકોલૉજીના એક્સપર્ટનું કહેવું છે કે મોબાઈલ એડિક્ટેડ લોકો ક્યારેય એક ઝાટકે કશું બંધ કરી શકતા નથી. એવું કરવાની જરૂર પણ નથી. એટલે તેમણે તબક્કાવાર આ દિશામાં કામ કરવું. આ માટે શરૂઆતમાં તેઓ એ ફિગર આઉટ કરી શકે કે ઘરની કે રોજિંદા જીવનની એવી કેટલી પ્રવૃત્તિઓ છે, જે પ્રવૃત્તિઓમાં એક સમયે તેઓ ઈન્વોલ્વ હતા, પરંતુ પાછલા વર્ષોમાં – ખાસ તો મોબાઈલ આવ્યા પછી તેમણે એ પ્રવૃત્તિઓ બંધ કે ઓછી કરી હોય. એ પ્રવૃત્તિઓમાં ઘરમાં કૂંડામાં રખાયેલા છોડને પાણી સીંચવાથી લઈ લોટ દળાવવા કે પછી દૂકાનોમાંથી ઘરની નાની નાની વસ્તુઓ લાવવા જેવી બાબતો હોઈ શકે. એ તમામ પ્રવૃત્તિઓમાં કામ સીવાયના સમયમાં ઈન્વોલ્વ થાઓ. વળી, એ સમય દરમિયાન ફોટોઝ ક્લિક કરવાનો કે મોબાઈલ સાથે રાખવાનો મોહ સંપૂર્ણ ટાળો.
જેથી તમે અમુક મિનિટ્સ માટે કે કલાક માટે મોબાઈલથી દૂર રહેશો અને રિઅલ વર્લ્ડની નાનીનાની બાબતોનો આનંદ મેળવશો. જે આનંદ જ તમને તમારી સોશિયલ મીડિયા વધુ વાપરવાની ગિલ્ટથી દૂર કરશે. આ ઉપરાંત એક્સપર્ટ એમ પણ સલાહ આપે છે કે જમતી વખતે કે વોશરૂમમાં મોબાઈલ લઈ જવાનું ટાળો. જમતી વખતે વોશરૂમમાં મોબાઈલનો વપરાશ આપણને ઘણી રીતે નુકસાનકારક છે. આ બંને ક્રિયાઓમાં જમતી વખતે આપણું આપણા પરિવાર સાથે હોવું કે પછી વોશરૂમમાં આપણું આપણી જાત સાથે હોવું અત્યંત આવશ્યક છે. આ બંને ક્રિયાઓ વખતે આપણે મોબાઈલ વાપરતી વખતે લોસ્ટ હોઈએ છીએ, જેને કારણે આપણા મન પર અત્યંત ઘેરી અસરો થતી હોય છે, પરંતુ જો આપણે એ બંને સમય દરમિયાન મોબાઈલ દૂર રાખીશું તો આપણે સાયકોલૉજીકલી ઘણું ગેઈન કરી શકીશું. એ ઉપરાંત એક્સપર્ટ આપણને કહે છે કે આપણે પરિવાર સાથે એક જ છત નીચે રહેવા છતાં જોઈએ એટલો સમય સ્પેન્ડ કરતા નથી હોતા. પરંતુ મોબાઈલને બળપૂર્વક દૂર રાખવો અને રોજ ઓછામાં ઓછો અડધો કલાક કે એક કલાક પરિવાર સાથે કે સ્વજનો સાથે વીતાવવો. એ સમયે ટીવી પર ફિલ્મ કે સિરીઝ પણ જોઈ શકાય, પરંતુ ત્યારે મોબાઈલમાં શું ચાલે છે કે ત્યાં શું નોટિફિકેશન આવ્યા હશે એ વિશે ચિંતા ન કરવી. આવું કરવાથી પણ આપણી અંદર એક ફિલગુડ ફેક્ટર ઊભું કરશે અને આપણું ધ્યાન વર્ચ્યુઅલ વર્લ્ડથી દૂર જશે. આ ઉપરાંત પણ અન્ય કેટલી બાબતો વિશે એક્સપર્ટે જણાવ્યું છે. એ વિશે આવતે અઠવાડિયે વાત કરીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -