બે વિશાળ શિલાની ગોઠવણ ભીમસેને કરી હોવાથી આ પુલ ‘ભીમપુલ’ તરીકે ઓળખાય છે

ધર્મતેજ

સપ્ત બદરી, સપ્ત પ્રયાગ

જીવનનું અમૃત -ભાણદેવ

(ગયા અંકથી ચાલુ)
ભગવાન વ્યાસજીએ આ શરત સ્વીકારી અને સામી પોતાની શરત મૂકી: “ગણપતિજીએ પ્રત્યેક શ્ર્લોક સમજી-સમજીને જ લખવાનો રહેશે. સમજયા વિના તેમણે કશું જ લખવું નહીં.
ગણપતિજીએ પણ ભગવાન વ્યાસજીની આ શરત મંજૂર રાખી.
ભગવાન વ્યાસજી ધારાની જેમ શ્ર્લોકો રચીને બોલતા રહે છે અને ગણપતિજી સમજી-સમજીને લખતા રહે છે. વચ્ચે વચ્ચે ભગવાન વ્યાસજી કૂટપ્રશ્ર્ન જેવો રહસ્યપૂર્ણ શ્ર્લોક રચીને લખાવે છે. શરત પ્રમાણે આ શ્ર્લોકનો અર્થ સમજીને લખવાનું છે. ગણપતિજી આ કઠિન શ્ર્લોકનું અર્થ સમજવા માટે વિચાર કરે છે. તેમાં થોડો સમય લાગે છે અને તેટલા સમયમાં વ્યાસજી બીજા અનેક શ્ર્લોકો રચી દે છે અને આમ ગ્રંથરચનાનો અખંડ ક્રમ ચાલે છે.
ભગવાન વ્યાસની એક પ્રાચીન મૂર્તિ તો આ ગુફામાં છે જ, હવે નવી મૂર્તિ પણ મુકાઇ છે. શુક્રદેવજીની મૂર્તિ પણ મૂકવામાં આવી છે. પૂજારીજીનું નિવાસસ્થાન બાજુમાં જ છે. પૂજારીજી સાથે નિરાંતે સારો સત્સંગ થયો અને અમે જ્ઞાનવારિધિ ભગવાન વ્યાસજીને પ્રણામ કરીને આગળ ચાલ્યા.
હવે અમારે ભીમપુલ જવું છે. ફરીથી માનાગામના વાંકાંચૂકાં મકાનો વચ્ચેથી પસાર થતી વાંકીચૂકી પગદંડી પરથી પસાર થતા અમે આગળ ચાલ્યા. આ ભીમપુલ શું છે? સરસ્વતી નદી પર બે વિશાળ શિલાઓ દ્વારા કુદરતીરીતે જ બની ગયેલો આ પુલ છે. લોકમાન્યતા એવી છે કે આ શિલાઓની ગોઠવણ ભીમસેને કરી હતી, તેથી આ ‘ભીમપુલ’ કહેવાય છે. પહેલાં તો માત્ર શિલાઓ જ હતી અને શિલાઓ જ પુલ તરીકે કામ આપતી અને આ શિલાઓ પર ચાલીને યાત્રીઓ સરસ્વતી નદી પાર કરી શકતા. હવે આ કુદરતી પુલને થોડો મઠારવામાં આવ્યો છે.
અમે ભીલપુલ પહોંચ્યા. આ ભીમપુલની નીચેથી પ્રચંડ અવાજ કરતી સરસ્વતી નદી વહી રહી છે. અહીં શિલાઓનું જાણે એક અરણ્ય છે અને આ શિલાઓ વચ્ચેથી સરસ્વતી પ્રચંડ અવાજ કરતી વહે છે. ભીમપુલ પર ઊભા રહીને આ સરસ્વતીના ઉછાળા જોયા જ કરો-કલાકો સુધી જોયા જ કરો. કંટાળો આવે જ નહીં. સરસ્વતીનો આ વેગ, આ નાદ અને આ જળરાશિ-આ બધું પ્રથમ દૃષ્ટિએ લૌકિક હોવા છતાં આમાં કોઇક સ્વરૂપે અલૌકિકતાનું તત્ત્વ હોય તેમ લાગ્યા જ કરે છે.
આ સરસ્વતી નદીનો ઉદ્ગમ કયાંથી થાય છે?
ભીમપુલ પર ઊભા રહીને જમણી બાજુએ જોઇએ તો જોઇ શકાય છે કે પથ્થરોની મોટી શિલાઓને તોડીને બે પ્રચંડ ધારાઓ બહાર નીકળે છે. આ જ સરસ્વતી નદીનું ઉદ્ગમસ્થાન ગણાય છે. આ જળ તો છેક તિબેટ તરફથી આવે છે, પરંતુ પ્રગટ અહીં થાય છે. સામાન્યત: હિમાલયમાં કાળમીંઢ પથ્થરની શિલાઓ કે શિખરો ઓછાં જોવા મળે છે. અહીં સરસ્વતીના પ્રાગટય સ્થાને આખો વિસ્તાર જાણે કાળમીંઢ પથ્થરોનો બનેલો છે. આ સરસ્વતીનું પ્રાગટયસ્થાન ઘણું ભયંકર લાગે છે અને સાથેસાથે સુંદર પણ લાગે છે. ભયંકર અને સુંદર બંને એકસાથે? હા, બંને એકસાથે! ભયંકર પણ સુંદર હોઇ શકે અને સુંદર પણ ભયંકર હોઇ શકે. ન સમજાય તો અહીં આવીને આ ભીમપુલ પર ઊભા રહીને સરસ્વતીના આ પ્રાગટયસ્થાનનાં મનભર દર્શન કરો, સમજાઇ જશે. (ક્રમશ:)

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.