જાણીના એક્ટર, મોડલ અને કાસ્ટિંગ ડિરેક્ટર આદિત્યસિંહ રાજપૂતનું રહસ્યમયી સંજોગોમાં મૃત્યુ થયું હતું. સોમવારે બપોરે અંધેરી ખાતેના ઘરના બાથરૂમમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. બિલ્ડિંગનો વોચમેન અને તેના મિત્રો તેને હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. અંધેરી ખાતેની ઈમારતમાં 11મા માળે 32 વર્ષીય એક્ટર રહેતો હતો અને તેના મૃત્યુ માટે ડ્રગ્સનો ઓવરડોઝ કારણભૂત હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે.
આદિત્યસિંહની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સારી એવી ઓળખાણ હતી અને ઘણા બધા લોકો સાથે તેનું સારું કનેક્શન હતું. આદિત્યએ પોતાના કરિયરની શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી અને તેણે અનેક ટીવી શોઝ અને ફિલ્મોમાં કામ કર્યું હતું. એક્ટિંગ ઉપરાંત આદિત્ય પોતાની એક બ્રાન્ડ પણ શરૂ કરી હતી અને આ બ્રાન્ડ હેઠળ તે એક કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કરતો હતો. તેણે ઘણા બધા એક્ટર-એક્ટ્રેસને ઈન્ડસ્ટ્રીમાં લોન્ચ કર્યા હતા.
એક્ટરના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફરી વળી હતી અને લોકો હજી પણ આ વાત પર વિશ્વાસ નથી કરી શકતા કે ગઈકાલ સુધી પાર્ટી કરતો, હસતો-રમતો આદિત્ય આજે આ દુનિયામાં નથી રહ્યો. દિલ્હીમાં રહેનારા આદિત્યનું મોડેલિંગ કરિયર ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું, તેણે ક્રાંતિવીર, મૈંને ગાંધી કો નહીં મારા જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું અને આ સિવાય 300થી વધુ જાહેરાતોમાં કામ કરી ચૂક્યો હતો. રિયાલિટી ટીવી શો સ્પ્લિટ્સ વિલામાં પણ તેણે ભાગ લીધો હતો.