થિરુનેલ્લી, વાયનાડ અને કેરળ!

ઉત્સવ

રંગ છલકે -ક્ધિનર આચાર્ય

ભારે હૈયે અમે કૂર્ગને બાય બાય કર્યું અને મનોમન બોલ્યા: ફિર મિલેંગે. અહીંની હવાની ખુશ્બૂ અને તેમાં રહેલું કોઈ તત્ત્વ મને હિમાલયની યાદ અપાવતું હતું. હિમાલય જેવાં દૃશ્યો મેં સ્વિટ્ઝરલેન્ડ અને ઓસ્ટ્રિયામાં પણ નિહાળ્યાં છે. આંખો ઠારે તેવાં અદ્ભુત દૃશ્યો, પરંતુ મનને ટાઢક આપે તેવું વાતાવરણ વત્તા સુંદરતાનું સંમિશ્રણ હિમાલય પછી થોડા અંશે મને કૂર્ગમાં અનુભવવા મળ્યું. એટલે જ કૂર્ગ છોડવું આસાન નથી. મને કોઈ છોકરી ત્યાં મળી નહોતી છતાં પેલી પંક્તિઓ યાદ આવી ગઈ: પરદેસિયોં સે ના અંખિયા મિલાના, પરદેસિયોં કો હૈ એક દિન જાના…’ અમે પરદેસી નાછૂટકે કૂર્ગથી વિદાય થયા.
વિદાયની વેળાએ મને સમજાયું કે કેટલાંક વિદેશી યુવક-યુવતીઓ શા માટે અલ્લડ, મસ્તફકીરની માફક ભમતાં હોય છે. જે જગ્યા ન ગમે ત્યાં એકાદ દિવસ જ રોકાય અને જો સ્થળ શાંતિવાળું, ઘોંઘાટથી દૂર હોય તો ત્યાં મહિનો-બે મહિના પણ ધામા નાખે. પર્યટનની મજા પ્લાન્ડ ટૂર બગાડી નાખે છે. કોઈ જગ્યા બહુ ગમી ગઈ અને ત્યાં તમારે વધુ બે દિવસ રોકાવું હોય તો બુકિંગ કેન્સલથી લઈને નવું બુકિંગ, રિફન્ડ જેવી સેંકડો જફાઓ હોય. મારું ચાલે તો આવવા-જવાની ટિકિટ સિવાય કશું જ પ્રિ-પ્લાન્ડ ન રાખું. પડશે તેવા દેવાશે. ક્યાંક મોજ આવી ગઈ તો ચાર દિવસ પડ્યા રહીશું, ન આવી તો ચાલતી પકડવાની.
કૂર્ગથી અમારું પ્રયાણ હતું કેરળમાં આવેલા થિરુનેલ્લી તરફ. કૂર્ગથી લગભગ ૮૫ કિલોમીટર દૂર આવેલું આ નાનકડું ગામડું – નાનકડો વિસ્તાર પણ કોફી પ્લાન્ટેશનથી છલોછલ છે. થિરુનેલ્લી કેરળના વાયનાડ ડિસ્ટ્રિક્ટમાં સ્થિત છે. આપણે સૌ વાયનાડને રાહુલ ગાંધીના મતક્ષેત્ર તરીકે જ જાણીએ છીએ, પરંતુ ત્યાં બીજી અનેક સારી બાબતો છે. આખો જિલ્લો જ સુંદર. ખળખળ વહેતાં ઝરણાં, ગાઢ જંગલ, વન્ય સંપદા, તળાવ અને બીજું ઘણુંબધું. વાયનાડ એટલે કર્ણાટક-કેરળનો સરહદી જિલ્લો.
કર્ણાટકમાંથી જેવા તમે વાયનાડમાં પ્રવેશ કરો ત્યાં આખું ચિત્ર બદલાઈ જાય. અહીં ઈસુના ઓટલા દર પચાસ મીટરે તમને દેખાય. આપણે ત્યાં બાપા સીતારામના ઓટલા હોય છે – એવા જ. દર પચાસ-સો મીટરે એકાદ મઝાર કે હુસેનનો ઓટલો જોવા મળે. જ્યાં જુઓ ત્યાં છાલિયા ટોપી. રાહુલ ગાંધી અહીંથી શા માટે લડ્યા, શા માટે જીત્યા એ આપણને તરત સમજાઈ જાય.
થિરુનેલ્લીમાં પણ અમારો મુકામ હતો એક કોફી એસ્ટેટ મધ્યે. જોકે, આ કોફી એસ્ટેટ કૂર્ગના પેલા વિશાળ એસ્ટેટ જેવું નહોતું. નાનું – છ એકરમાં હતું, પરંતુ માલિકનો પરિવાર ભારે માયાળુ. આપણે એક વસ્તુ માગીએ તો એ આપવા માટે આખો પરિવાર દોડવા માંડે. આ આખો વિસ્તાર જંગલનો છે, વચ્ચે વચ્ચે કોફી એસ્ટેટ હોય. જંગલી પ્રાણીઓની અવરજવર ઘણી, પરંતુ ખાસ રંજાડ નહીં. અમારા કોટેજની પાછળની તરફથી રોજ રાત્રે જોરદાર અવાજ આવે. બે દિવસ પછી માલિક સાબુને અમે પૂછ્યું તો ખ્યાલ આવ્યો કે રોજ રાત્રે અહીં હાથી ફણસ ખાવા આવે છે!
થિરુનેલ્લી નામનું એક નાનું એવું ગામ છે. તેના પરથી જ આ આખો વિસ્તાર થિરુનેલ્લીથી ઓળખાય છે અને ગામનું નામ પાછું થિરુનેલ્લી નામના એક સુખ્યાત મંદિર પરથી આવ્યું છે. વિષ્ણુને સમર્પિત આ મંદિર અત્યંત પૌરાણિક છે અને અહીં શ્રદ્ધાળુઓનો પ્રવાહ નિરંતર રહે છે. થિરુનેલ્લી મંદિર કેરળની બ્રહ્મગિરિ હિલ્સ પર સ્થિત છે. કહેવાય છે કે રાજા ભાસ્કર રવિ વર્માએ ઈસવી સન ૯૬૨ આસપાસ આ મંદિરનો ર્જીણોદ્ધાર કરાવ્યો હતો. કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ સ્વયં ભગવાન બ્રહ્માએ કરાવ્યું હતું. હિન્દુ ધર્મનાં મત્સ્ય પુરાણ, સ્કંદ પુરાણ, નરસિંહ પુરાણ અને પદ્મ પુરાણમાં પણ તેનો ઉલ્લેખ છે.
થિરુનેલ્લી મંદિર અને વાયનાડનાં અન્ય સ્થળો વિશે વધુ વાતો આવતા અંકમાં. (ક્રમશ:)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.