ઇંગ્લેન્ડમાં ચાને ઉકાળતા નથી અને આપણે કડક ચાની શોખીન પ્રજા છીએ, માટે ડબલ તડકા મારીને ઉકાળીએ છીએ! ચીનમાં ગ્રીન ટી વધારે પીવામાં આવે છે, જ્યારે ઇટાલીમાં લોકો લેમન જ્યૂસ નાખીને ચા પીવાનું પસંદ કરે છે
આનન-ફાનન -પાર્થ દવે
શિયાળાની કડકડતી ઠંડીમય સવારે એક હાથમાં ગુલઝારની નવલકથા ‘દો લોગ’ હોય અને બીજા હાથમાં ગરમાગરમ કડક, મીઠી, આદું-મસાલાવાળી ચાનો કપ હોય!
આહાહા! બીજું શું જોઈએ?! ચાની ચુસ્કી અને ગુલઝારના શબ્દો! સ્વાદ અને શ્રવણ: બેઉ ઈન્દ્રિયોનો જલસો! દુનિયામાં પાણી પછી કદાચ સૌથી વધારે કોઈ પીણું પીવાતું હોય તો તે ચા છે! કચ્છમાં (મારા સીખે) ઘણા તેને ‘ચાય’ કહે છે! ઓળખીતા કે અજાણ્યા કોઈપણ મહેમાન ઘરે આવે, આપણે તેને ચા-પાણીની પૃચ્છા પહેલા કરીએ છીએ. ઇવન, વધારાના પૈસા અર્થાત નાનીમોટી લાંચ-રુશવત જે-તે વ્યક્તિને જે-તે વ્યક્તિ દ્વારા અપાતી હોય તેને પણ ‘ચા-પાણી’ કહે છે! વધારે ચા પીવાથી શરીરને નુકશાન થાય છે, પણ આપણે ક્યાં ચા શરીર માટે પીએ જ છીએ? આપણે તો મગજને ‘કીક’ લાગે એ વાસ્તે ચા ગટગટાવીએ છીએ! ઑફિસોમાં કર્મચારીઓ મગજ ખૂલ્લું રહે ને કામ બરાબર થાય એ માટે ચા પીતા હોય છે અને ઘણા તો કોઈ કામ ન હોવાથી ચાના કપ ઠપકારતા હોય છે!
…તો તમે ચાનો કપ હાથમાં લઈ લેજો. કેમ કે, આજે આપણે ચાય પે ચર્ચા નહીં, બલ્કે ચા ઉપર જ ચર્ચા કરવાના છીએ! આવતી કાલે (૧૫મી ડિસેમ્બરે) ‘ઇન્ટરનેશનલ ટી ડે’ છે. કહેવામાં આવે છે કે ચીનના શેન-નુંગ નામના સમ્રાટે ચાની શોધ કરી હતી અને આજે ચા આપણા દેશનું બિનસત્તાવાર ‘રાષ્ટ્રીય પીણું’ બની ગઈ છે!
મજાની વાત એ છે કે ભારતમાં બ્રિટિશરો ચા લાવ્યા હતા અને તે અગાઉ આપણા દેશમાંથી કોઇએ પણ આ પીણાનો સ્વાદ સુધ્ધાં નહીં માણ્યો હોવાનો ઈતિહાસમાં ઉલ્લેેખ છે. ચાના સ્વાદ જેવો જ તેનો ઈતિહાસ આલેખાયેલો છે! જુદો જુદો! કેટલાક સંશોધનકારોનું એમ પણ માનવું છે કે ભારતમાં જે-તે પ્રદેશની પરપંરાગત શૈલી અનુસાર ચા પીવામાં આવતી હતી. જેમકે, કચ્છમાં ગોળના ઉકાળેલા પાણીમાં ચાની પત્તી નાખેલું પાણી પીવામાં આવતું હોવાનો ઈતિહાસમાં ઉલ્લેખ છે. એવી કિંવદંતી છે કે રામાયણના યુદ્ધમાં લક્ષ્મણ મૂર્છિત થયા ત્યારે હનુમાનજી જે સંજીવની નામની જડીબુટ્ટી લાવ્યા તે હકીકતમાં તો એક પ્રકારે ચાની જ ઔષધી હતી!
તમને ક્યારેક કોઈ જગ્યાએ કે પછી ટ્રેન કે પ્લેનમાં તો ટી-બેગવાળી ચા પીવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું જ હશે! તે સદભાગ્ય પાછળનું કારણ ખબર છે? વર્ષો પહેલાની વાત છે! ન્યુ યોર્કમાં થોમસ સલીવાન નામની એક વ્યક્તિ થઈ ગઈ, એ ચા વેચતી હતી. થોમસભાઈ ચાને ભેજ ન લાગે તે માટે પતરાના ડબ્બાઓમાં ચા વેચતો, પણ તે મોંઘું પડતું હતું, માટે તેણે રેશમની સીવેલી નાની પોટલીઓમાં ચા વેચવાનું શરૂ કર્યું. તેનો વિચાર એવો હતો કે પોટલી કાપીને ચાની ભૂકી કપમાં નાખવાની ને પછી ચાની ચુસ્કી મારવાની, પરંતુ તેના ગ્રાહકો પોટલી જ ગરમ પાણીમાં ડૂબાડવા લાગ્યા! આમ કરવાથી થોમસભાઈની ચાનો ભુકો સાફ કરવાની કે વાસણ ધોવાની માથાકૂટ આપોઆપ દૂર થઈ ગઈ અને અનાયાસે ટી-બેગનો આવિષ્કાર થઈ ગયો! બાદમાં થોમસે પોટલી બનાવવા માટે રેશમને બદલે તેનાથી સસ્તા પાતળા ગોઝનો ઉપયોગ કરવા માંડ્યો. ૨૦મી સદીના આરંભે જ્યારે ઈન્ફલ્યૂએન્ઝા અથવા ફ્લૂનો ઉપદ્રવ વધી ગયો ત્યારે આ ટી-બેગ વધુ વેચાઈ અને લોકપ્રિય થઈ. કારણ કે, ટી-બેગ દ્વારા ચેપ ફેલાવાનો ડર બહુ ઓછો હતો… આ છે ‘ટી-બેગ આવ્યા’ પાછળનું કારણ!
ભારત ઉપરાંત ચીન, જાપાન, બાંગલાદેશ, પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં પણ ચા ખૂબ જ લોકપ્રિય છે. સદીઓ અગાઉ બૌદ્ધ ધર્મના પ્રચાર માટે કેટલાક બૌદ્ધ ભિક્ષુઓ જાપાન ગયા હતા અને જાપાનમાં તેમણે ચાનું ચલણ શરૂ કરાવ્યું હતું. બૌદ્ધ ભિક્ષુઓએ જાપાનની પ્રજાને સમજાવ્યું કે ભગવાન બુદ્ધ સ્વયં એમની ૭ વર્ષની તપસ્યાના પાંચમા વર્ષે જાગૃત રહેવા માટે એક ચાના વૃક્ષનાં પાંદડાં ચાવી ગયા હતા!
ચીનમાં વર્ષે સૌથી વધુ ૧૭ લાખ મેટ્રિક ટન ચાનું ઉત્પાદન થાય છે. ચાના ઉત્પાદન મામલે ભારત ૧૦ લાખ મેટ્રિક ટન સાથે બીજા ક્રમે છે. અત્યારે આખી દુનિયામાં કહી શકાય કે ભારતથી ચા એક્સપોર્ટ થાય છે. કેમ કે ચાના છોડને આસામ અને કુર્ગ (તમિલનાડુ)નું હવામાન ૧૭મી સદીથી જ સારી રીતે ફાવી ગયું છે! આજે પણ તમે સાઉથમાં કેરળ, તમિલનાડુ કે આસામ ફરવા જાઓ ત્યારે તમને ચાના બગીચાઓ બતાવવામાં આવે છે અને ચા કઈ રીતે બને તેની પ્રક્રિયા સમજાવવામાં આવે છે.
આખી દુનિયામાં ઉત્પન્ન થતી ચામાં ૩૨ ટકા ભારતની ચા છે. આપણે ત્યાં કેટલીક ગુજરાતી ભોજન આપતી હોટેલમાં જઇએ તો ત્યાં સૌથી પહેલા સ્ટાર્ટરમાં જલજીરા કે જ્યૂસ કે શરબત આપવામાં આવતું હોય છે. એ રીતે ચીનમાં કોઈ હોટેલમાં ભોજન માટે જવાનું થાય ત્યારે ત્યાં તમારું સ્વાગત ચાથી કરવામાં આવે છે! ભલે આપણે એમ માનતા હોઈએ કે ચા પીવાથી ભૂખ મરી જાય, પરંતુ ચીનાઓનો આ પાછળ તર્ક એવો છે કે ચા પીવાથી પાચનશક્તિમાં વધારો થાય છે. આ ઉપરાંત ચીનમાં લોકો બીમાર પડે ત્યારે ચા પીવાનું પ્રમાણ વધારી દેતા હોય છે. જેની પાછળ તેમનું એમ માનવું છે કે ચામાં રોગપ્રતિકારક શક્તિના તત્ત્વો છે! (ચાના આશિકો, જરા ગૌર ફરમાવજો!)
અલગ-અલગ દેશમાં અલગ પ્રકારે ચા પીવામાં આવે છે. જેમકે, ઇંગ્લેન્ડમાં ચાને ઉકાળતા નથી અને આપણે કડક ચાની શોખીન પ્રજા છીએ, માટે ડબલ તડકા મારીને ઉકાળીએ છીએ! ચીનમાં ગ્રીન ટી વધારે પીવામાં આવે છે જ્યારે ઇટાલીમાં લોકો લેમન જ્યૂસ નાખીને ચા પીવાનું પસંદ કરે છે. ચાના પ્રકારો જોઈએ તો બ્લેક ટી, ગ્રીન ટી, વ્હાઈટ ટી, હર્બલ ટી, ઓલોંગ ટી છે. આમ તો આ તમામ ચા એક ઝાડમાંથી જ બનાવવામાં આવે છે, પરંતુ તેની પ્રોસેસ જુદી હોય છે. બોટનીની ભાષામાં કહીએ તો ‘કેમેલીઆ સીનેસીસ’ નામના છોડના પાંદડાને જુદી જુદી રીતે પ્રોસેસ કરીને વિવિધ જાતની ચા બનાવવામાં આવે છે.
ગુજરાતમાં બાર ગાઉએ બોલી બદલાય તેમ ચા બનાવવાની રીત પણ બદલાય છે. સૌરાષ્ટ્રમાં લાલ રંગની કડક-બાસુંદીની નાની બહેન લાગે તેવી ગળી-મીઠી, ડાયાબિટીસને આમંત્રણ આપતી ચા વધુ પસંદ કરવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં ચાની સોડમને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. આપણે ત્યાં ગુજરાતમાં કેટલાક શહેરની ચાની કિટલી ખૂબ જ લોકપ્રિય છે, જ્યાં મિત્રો, કલિગ્સ સાથે બેસીને વાતોનો પટારો ખોલતા હોય છે. કિટલીએ કે કેફેમાં ચા પીતા પીતા એક વાત સમજાઈ છે કે, ચા એટલી મહત્ત્વની નથી, તે કોની સાથે પી રહ્યા છીએ તે મહત્ત્વનું છે.