Homeવાદ પ્રતિવાદજેમાં અલ્લાહના રસૂલનું મુકદ્શ વજૂદ સમાયેલ છે તે ખજૂર વિશે જાણવા જેવી...

જેમાં અલ્લાહના રસૂલનું મુકદ્શ વજૂદ સમાયેલ છે તે ખજૂર વિશે જાણવા જેવી વાતો

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

આરોગ્ય ઉપરાંત ધાર્મિક દૃષ્ટિએ ઈસ્લામમાં ખજૂરના મહત્ત્વને ઘણું ઊંચું આંકવામાં આવ્યું છે. પાક પરવરદિગારે આલમે (સૃષ્ટિના સર્જકે) ઈન્સાનને પ્રકૃતિ દ્વારા અસંખ્ય તૌફા – ભેટો દ્વારા સન્માનિત કર્યા છે.
ફૂલો આંખોને ઠંડક પહોંચાડે છે, તો ફળો ઈન્સાનને સંતોષ આપે છે. રબતઆલાએ ઉમ્મત (પ્રજા; અનુયાયીઓ)ને જે ભેટો આપી છે, તેમાં બે શ્રેષ્ઠ ભેટોમાં આબે ઝમઝમનું પાણી અને મદીના શરીફની બરકતી જમીન ઉપર પેદા થતી ખજૂરોનું મહત્ત્વ અનોખું આંકવામાં આવ્યું છે.
આમ તો દુનિયાનાં ઘણાં સ્થળોએ ખજૂરનાં ઝાડો છે અને તેમાં પેદા થતી અનેક રંગોવાળી ખજૂરો અનેરો સ્વાદ ધરાવતી હોય છે; પરંતુ મદીના શરીફની ખજૂરોની શાન (ભવ્યતા) નિરાળી છે. એ જમીન પર ઊપજતી મધ મીઠી સ્વાદિષ્ટ ખજૂરોની લિજજત અને આકર્ષક દેખાવ અન્ય ખજૂરોમાં જોવા મળતો નથી. કુદરતનો આ પણ એક મોજીજો (કરામત, ચમત્કાર) છે. ખજૂરના અંદરના માવા સાથે ઉપરની છાલ એક થઈ જઈ જે સ્વાદ ઉત્પન્ન કરે છે, તે અનેરો હોય છે. અલ્લાહે આ ખજૂરોમાં શીફા (તંદુરસ્તી) ભારોભાર આપી છે.
* જૂનાં અને દુર્લભ પુસ્તકોમાં ખજૂરની એકસો ત્રીસથી વધુ જાતોનું વર્ણન કરવામાં આાવેલ છે.
* અજવહ, સયહાની અને બરની નામક ખજૂર વિશે હદીસો (કથનો, વર્ણનો)માં ઉલ્લેખ જોવા મળે છે.
* અજવહ નામક ખજૂર મદીનાની જૂનામાં જૂની ખજૂર હોઈ, હઝરત ઈબ્ને ઉમર રદ્યિલ્લાહો તઆલા અન્હો (પયગંબર હઝરત મુહમ્મદ સાહેબના સહાબી અર્થાત સાથી – સંગાથીઓ માટે વપરાતો આ શબ્દ છે. જેનો ભાવાનુવાદ છે, અલ્લાહ આપના પર રાજી અને ખુશ રહે)થી રિવાયત (અક્ષરશ કથન, પરંપરા) છે કે અજવહ ખજૂર બધી બીમારીઓ માટે શીફા (સ્વાસ્થયવર્ધક) છે. જે શખસ સવારના સમયે અજવહ ખજૂરના સાત દાણા ખાઈ લે તો તે દિવસ દરમિયાન તેને ન જાદુ અસર પહોંચાડી શકશે, ન તો કોઈ ઝેર નુકસાન કરી શકશે.
* સવારે નરણેકોઠે – ખાલી પેટે ખાવામાં આવેલા અજવહ ખજૂર તિર્યાકનું કામ આપે છે.
* છેલ્લા બે હજાર વર્ષોથી દીને ઈસ્લામના આગમન પૂર્વે અજવહ ખજૂર પોતાની ખાસ વિશિષ્ટતા અને ગુણોને લીધે મકબુલ (લોકપ્રિય અને સ્વીકૃત) મશહૂર છે.
* અજવહ ખજૂરના ઝાડ માત્ર મદીનામાં જ ઉગાડવામાં આવે છે.
* મદીના શરીફની બહાર જયારે પણ તેને ઉગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે તેમાં અસફળતા જ મળવા પામેલ છે.
* આ ખજૂર પાકતા પહેલાં ઘેરા લાલ રંગની હોય છે. પાકી ગયા પછી એનો રંગ કાળો થઈ જાય છે.
* ઠળિયો નાનો અને તેનો અનેરો સ્વાદ પોતાની આગવી મીઠાશ ધરાવે છે.
* શરૂમાં કહ્યું તેમ રબતઆલાએ એમાં શીફા અર્થાત તંદુરસ્તી માટેના સર્વગુણ આપ્યા હોઈને આરોગ્યની દૃષ્ટિએ તે બેનમૂન (જેનો જોટો જડે નહીં) છે.
* જુલાઈ મહિનાના અંત ભાગમાં મદીના શરીફમાં ખજૂરો પાકવા લાગે છે અને બે મહિના સુધી ઉતારો ચાલુ રહે છે, અને એ મૌસમ લીલી ખજૂરોની હોય છે. આ ઋતુમાં મદીનામાં વરસાદ પડતો નથી.
* એક રિવાયત (અક્ષરશ કથન, વાક્ય)માં છે કે, પયગંબર હઝરત મુહમ્મદ (સલ.)ની મુબારક પધરામણી મદીના શરીફ (શરીફ એટલે પવિત્ર, પાક)માં થઈ, તે પહેલાં જુલાઈ મહિનામાં ત્યાં ઘણો વરસાદ પડતો હતો તેથી ખજૂરોની ફસલ બરબાદ થઈ જતી હતી. મદીનાના લોકોએ આપ હુઝૂરે અનવર (સલ.)ને અરજ ગુજારી (વિનંતી કરી) કે આ સીઝનમાં વરસાદ ન પડે તો ઘણું બહેતર (ઉત્તમ) કાર્ય લેખાશે.
* આપ અલ્લાહના રસૂલે (સલ.) દુઆ કરી જે બારગાહે ઈલાહીમાં કબૂલ થઈ.
* પરિણામે જૂન, જુલાઈ, ઑગસ્ટ મહિનામાં મદીના શરીફમાં વરસાદનું આગમન થતું નથી.
– વ્હાલા અભ્યાસુ વાચક બિરાદરો! દીને ઈસ્લામમાં આરોગ્ય ઉપરાંત મઝહબી દૃષ્ટિએ ખજૂરનું અનોખું મહત્ત્વ આંકવામાં આવ્યું છે.
મદીનાની લા’જવાબ સ્વાદિષ્ટ – પૌષ્ટિક ખજૂરમાં રસૂલે કરીમ સલ્લલ્લાહો અલયહે વસલ્લમના મુકદ્શ વજૂદ (‘મુકદ્શ’ એટલે પાક – પવિત્ર અને ‘વજૂદ’ એટલે અસ્તિત્વ) અને આપની દુઆઓની બરકતો બેસુમાર સમાયેલી છે.
જાણવા જેવું:
એક અભ્યાસ અનુસાર ખજૂરના ત્રણ પ્રકાર ગણવામાં આવે છે: ૧. નરમ, ૨. અર્ધસૂકી અને ૩. સંપૂર્ણ સૂકી.
* જ્યાં સૂકી આબોહવા છે, તેવા પ્રદેશોમાં સૂકી અથવા અર્ધસૂકી ખજૂરો મળે છે. તેવી ખજૂરો ઝાડ પર જ પાકીને સુકાઈ જાય છે અથવા પાકી ગયા બાદ તેને ઉતારી લીધા પછી સૂકવી દેવામાં આવે છે.
* નરમ પ્રકૃતિવાળી ખજૂર વહેલી પાકી જાય છે અને અર્ધસૂકી પ્રકૃતિવાળી ખજૂર મોડેથી પાકે છે.
* મદીના શરીફમાં ઘણા પ્રકારના સ્વાદ અને રંગોવાળી ખજૂરો પ્રાપ્ત છે, પરંતુ તે પૈકી અજવહ (જેને સામાન્ય બોલીમાં અજવાહ કહે છે), અંબર, ખુદરી, સુફરી, કલમી, સુગઈ, બરની, સુબા, અયદી, સકરી નામક ખજૂરો માત્ર લહેઝત (સ્વાદ) જ ધરાવતી નથી, પણ આરોગ્યપ્રદ છે.
– કબીર સી. લાલાણી
* * *
આજનો બોધ
– તે દિવસ પર ગમગીન થાઓ જે ગુજરી ગયું અને તેમાં કોઈપણ નેકી (પ્રમાણિકતા) ન કરી.
– ખરાબ છે તે વ્યક્તિ જે પોતે તો મરી જાય પણ તેનો ગુનાહ જીવતો રહે.
– હઝરત અબુબક સિદ્દીકી (રદ્દિ. અન્હો)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular