મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા
યજુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે ‘સૌ પ્રથમા સંસ્કૃતિ: વિશ્ર્વવારા.’ અર્થાત્ આપણી દેવ સંસ્કૃતિનો વિશ્ર્વમાં સૌ પ્રથમ ઉદય ભારતમાં થયો છે.આથી જ ભારતીય સંસ્કૃતિ કહેવામાં આવે છે.એનો ઉદ્ભવ હિમાલયની તળેટીમાં થયો છે.જેને બ્રહ્મવર્ત,ઉત્તરાખંડ અથવા ઉતરાંચલ કહેવામાં આવે છે.અહીંથી આ સંસ્કૃતિનો સંદેશ આપણા ઋષિમુનિઓ દ્વારા પૂરાં વિશ્ર્વમાં લઈ જવામાં આવ્યો.જેથી આ વિશ્વ સંસ્કૃતિ બની.આથી જ આધ્યાત્મિક રૂપથી આપણો દેશ ભારત જગતગુરુ કહેવાયો.
પ્રાચીન સમયમાં આપણા દરેક કાર્યોની શરૂઆત સંસ્કારથી થતી હતી.એ સમયે સંસ્કારોની સંખ્યા લગભગ ૪૦ જેટલી હતી.જેમ જેમ સમય પસાર થતો ગયો,લોકોની વ્યસ્તતા વધવા લાગી,તેમ તેમ કેટલાક સંસ્કાર આપોઆપ લુપ્ત થતા ગયા.ગૌતમ સ્મૃતિમાં ૪૦ પ્રકારના સંસ્કારોનો ઉલ્લેખ જોવા મળે છે.મહર્ષિ અંગીરાએ તેનો સૂચિતાર્થ ૨૫ સંસ્કારોમાં કર્યો છે.વ્યાસ સ્મૃતિમાં ૧૬ સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે.આપણા ધર્મશાસ્ત્રમાં પણ ૧૬ સંસ્કારની વ્યાખ્યા કરવામાં આવી છે.એ પ્રમાણે પહેલો ગર્ભાધાન સંસ્કાર અને છેલ્લો મૃત્યુ પછીનો અંતિમ સંસ્કાર છે.ગર્ભાધાન પછી પુંસવન,સીમંતોન્નયન,જાત કર્મ અને નામકરણ.આ બધા સંસ્કાર નવા જન્મેલા બાળકને દેવી જગત સાથે સંબંધ જોડવા માટે કરાવવામાં આવે છે.બાળકની તીવ્રતા વધે અને બ્રહ્માજીની સૃષ્ટિથી તે સાચી રીતે પરિચિત થઈને લાંબા સમય સુધી ધર્મ અને મર્યાદાની રક્ષા કરતો કરતો આ લોકમાં આનંદ કરે,એ આ સંસ્કારનો મુખ્ય ઉદ્દેશ છે.
યજ્ઞોપવિત પછી બાળકોને વેદોના અધ્યયન તેમજ વિશિષ્ટ જ્ઞાનથી પરિચિત થવા માટે યોગ્ય આચાર્યો પાસે ગુરુકુળમાં મોકલવામાં આવતા. વેદારંભ પહેલા આચાર્ય પોતાના શિષ્યોને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાનું તેમ જ સંયમિત જીવન જીવવાની પ્રતિજ્ઞા લેવડાવતા.શિષ્યોની આવી પરીક્ષા લીધા પછી જ વેદાધ્યાયન કરાવવામાં આવતું.અસંયમિત જીવવાવાળા વેદાધ્યયન કરવા માટે લાયક ગણવામાં આવતા નહીં.આપણા ચારેય વેદ જ્ઞાનના અખૂટ ભંડાર છે.
સોળ સંસ્કાર અને વેદોનો અભ્યાસ જેવી બાબતો ભારતીય સંસ્કૃતિની ધરોહર છે.વર્તમાન પેઢીમાં આ સંસ્કારનું સિંચન કેમ થાય એ બાબતે સૌ કોઈ ચિંતિત છે,ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થયેલ નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં અભ્યાસની સાથે સાથે નીતિ મૂલ્યો પણ વિદ્યાર્થીઓ ભણે,એવી બાબતોનો સમાવેશ કરવા શિક્ષણ વિભાગ વિચારી રહ્યું છે.ધોરણ ૬ થી ૧૨ ના વિદ્યાર્થીઓને ગીતાના ૧૮ અધ્યાયના માધ્યમે દરેક ધોરણની કક્ષા પ્રમાણે પાઠ્યક્રમની અંદર નીતિ મૂલ્યો અને સંસ્કાર તેમજ જીવન જીવવાના નિયમોથી અવગત થાય એવા ઉમદા આશયથી શિક્ષણ વિભાગ આ દિશામાં સક્રિય થઈ રહ્યું છે.
જોકે નૈતિક મૂલ્યો અને સંસ્કારની બાબત માટે ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર ઘણાં વર્ષોથી ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાના માધ્યમે ૧૯૯૪થી ભારત ભરની વિદ્યાલયોમાં ધોરણ ૫ થી ૧૨ અને કોલેજના પ્રથમ અને દ્વિતીય વર્ષના વિદ્યાર્થીઓ માટે ભારતના સાંસ્કૃતિક વારસાને કેન્દ્રમાં રાખીને સોળ સંસ્કાર અને વેદોના અભ્યાસને કેન્દ્રમાં રાખીને સિલેબસ બનાવી દરેક ધોરણ માટે અલગ અલગ પ્રકારના પાઠ્યપુસ્તકો બનાવવામાં આવ્યાં છે.નવી શિક્ષણ નીતિમાં નામદાર સરકારશ્રીનો જે આશય છે,તે બાબત આ ગાયત્રી પરિવાર શાંતિકુંજ,હરિદ્વાર વર્ષોથી અનઓફિશિયલી તો કરી જ રહ્યું છે.આમ જોવા જઈએ તો આ એક અનોખો પ્રયોગ છે.આજે ચોમેર સંસ્કારનો દુષ્કાળ પડ્યો છે.મા બાપને સંતાનો બાબતે સૌથી મોટી કોઈ ચિંતા હોય,તો તે સંકર સિંચનની છે.ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા આજના શિક્ષણમાં ક્રાંતિકારી ફેરફાર લાવવાનો એક અભિનવ પ્રયોગ કહી શકાય.૧૯૯૪ માં ભોપાલથી શરૂ કરવામાં આવેલી આ પરીક્ષામાં ત્યારે તો માંડ દેશભરમાંથી ૧૨૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ બેસતા.અત્યારે જો વાત કરીએ તો સમગ્ર દેશમાં ૨૮ લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. સમગ્ર દેશમાં અને ૨૦ થી વધુ રાજ્યોમાં આઠ ભાષામાં આ પરીક્ષા લેવામાં આવે છે. ગુજરાતની જો વાત કરવામાં આવે તો આ શૈક્ષણિક વર્ષમાં ગુજરાતમાંથી છ લાખ જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી છે.રાજકોટ શહેર અને જિલ્લાના ૨૩,૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી છે.સમગ્ર ભારતમાં પરીક્ષા આપનારાઓમાં ગુજરાતનો પ્રથમ ક્રમ રહેવા પામ્યો છે.ગયા વર્ષે રાજસ્થાનનો પ્રથમ ક્રમ રહેવા પામ્યો હતો.
આ પરીક્ષાના સંચાલનમાં કોઈ વેતન ધારી લોકો કામ કરતા નથી.સમગ્ર દેશમાં ગાયત્રી પરિવારના કાર્યકર્તા પરિજનો વિવિધ જિલ્લામાં શાળાના પ્રાચાર્યોનો સંપર્ક કરે છે.આચાર્યને આ પરીક્ષાના સત્ પરિણામથી અવગત કરે છે.અલગ અલગ સ્થળોએ સભા પણ કરવામાં આવે છે.જેમાં વિદ્યાર્થીઓની પણ હાજરી હોય છે.આમ જોવા જઈએ તો પરીક્ષાની શરૂઆતથી અત્યાર સુધીમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની ગણતરી કરીએ તો આંકડો કરોડો થાય.તેમજ જે તે પરિવારના વિદ્યાર્થી પરીક્ષા આપે તે પરિવારના સભ્યોની સંખ્યાની ગણતરી કરવામાં આવે તો તે સંખ્યા આનાથી પણ વધુ થાય. આમ આ સંસ્કાર અને મૂલ્ય ઘડતરનો જે પ્રયાસ થઈ રહ્યો છે, એ એક અનોખો અભિનંદનનીય પ્રયાસ ગણી શકાય.ગાયત્રી પરિવારના પ્રાણવાન કાર્યકર્તાઓ કોઈપણ જાતના સ્વાર્થ વગર વેતનની અપેક્ષા રાખ્યા વગર પોતાના કાર્ય ક્ષેત્રની શાળામાં પહોંચી જઈ વધુને વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં જોડાય એવા પ્રયાસો કરે છે.આ પરીક્ષા શનિ-રવિના રજાના દિવસોમાં જે તે શાળામાં લેવામાં આવતી હોય છે.ધોરણ પાંચથી બાર સુધીના વિદ્યાર્થીઓ અને કોલેજના પ્રથમ અને દ્વિતીય વર્ષના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે.આ પરીક્ષા માટેના દરેક ધોરણના સ્વતંત્ર પાઠ્યપુસ્તકો બનાવવામાં આવ્યા છે. દરેક પાઠ્યપુસ્તકમાં ભારતીય સંસ્કૃતિ,વેદ,ઉપનિષદ,પુરાણ,ગીતા અને ઐતિહાસિક પ્રસંગોના આધારે પાઠયક્રમ મુકવામાં આવ્યા હોય છે.દરેક પુસ્તકની પ્રશ્ર્ન બેંક આપવામાં આવે છે. દરેક ધોરણના પાઠ્યપુસ્તકને અલગ અલગ નામ આપવામાં આવ્યા છે: ધોરણ પાંચમાં સંસ્કૃતિ પ્રસાદ,ધોરણ છમાં સંસ્કૃતિ સંન્યાલ,ધોરણ સાતમા સંસ્કૃતિ સંચય,ધોરણ આઠમા સંસ્કૃતિ સુગંધ,ધોરણ નવમાં સંસ્કૃતિ મકરંદ,ધોરણ દસમાં સંસ્કૃતિ મધુર,ધોરણ અગિયારમા સંસ્કૃતિ પ્રકાશ,ધોરણ બારમાં સંસ્કૃતિ કિરણ,કોલેજ પ્રથમ વર્ષમાં દર્પણ અને દ્વિતીય વર્ષમાં ભાસ્કર.પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થીને આ પાઠ્યપુસ્તક આપવામાં આવે છે.પરીક્ષાનું પ્રશ્ન પેપર હેતુલક્ષી પ્રશ્ર્નો આધારિત હોય છે.પરીક્ષાની ફી પણ સામાન્ય રાખવામાં આવી છે.ધોરણ પાંચ અને છની ૨૫ રૂપિયા,ધોરણ છથી બારની ૩૦ રૂપિયા અને કોલેજના બંને વર્ષની ૪૦ રૂપિયા ફી રાખવામાં આવી છે.આ ફીમાં વિદ્યાર્થીને પુસ્તક,પ્રશ્ર્ન બેંક, પ્રમાણપત્ર,શાળાની ભેટ,સંવાહકને પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે.જિલ્લામાં પ્રથમ,દ્વિતીય અને તૃતીય ક્રમે રહેલા વિદ્યાર્થીઓને સંસ્થાની મુલાકાતે લઈ જવામાં આવે છે.જેથી આ વિદ્યાર્થીઓ દેવ સંસ્કૃતિથી પરિચિત થાય.આ ઉપરાંત વિદ્યાર્થીઓને સ્થાનિક કક્ષાએ,જિલ્લા મથકે અને રાજ્યમાં પણ પુરસ્કાર,ભેટ અને શ્રેષ્ઠ પુસ્તકો આપી સન્માનિત કરવામાં આવે છે.
રાષ્ટ્રીય સ્તર પર એક સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે.જેમાં જિલ્લાસ્તરનો તમામ ડેટા વ્યવસ્થિત રાખવામાં આવે છે.ઇન્ટરનેટના માધ્યમથી તમામ કેન્દ્રને જાણકારી પહોંચાડવામાં આવે છે.ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાની એક વેબસાઈટ પણ બનાવવામાં આવી છે.
આવનારા દિવસોમાં વધુમાં વધુ શાળાઓ અને વિદ્યાર્થીઓ આ અનોખી પરીક્ષાથી અવગત થઈ જોડાશે અને વાલીઓ રસ લેતા થશે,તો ચોકકસ શ્રદ્ધા રાખી શકાય કે ભારતનો સાંકૃતિક વારસો ટકી રહેશે.