દેશમાં ફરી એકવાર કોરનાએ માથું ઉચકતા આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું છે. મહારાષ્ટ્રમાં પણ કોરોનાની સ્થિતિ ચિંતાજનક થવા લાગી છે. ત્યારે રાજ્યના સોલાપુર અને સાંગલી આ બે જિલ્લામાં કોરોનાના દર્દીઓનો પોઝીટીવીટી ચાર્ટ 20.05% અને 17.47% વધ્યો છે એવી જાણકારી રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી હતી. આ પોઝીટીવીટ રેટ 100 લોકોના ટેસ્ટમાંથી મળી આવતા પોઝીટીવ કેસીસ પર આધારિત છે.
આરોગ્ય વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ‘એક અઠવાડિયા પહેલાં પોઝીટીવીટી રેટ 1.05% હતો. જોકે 22મી માર્ચ અને 28મી માર્ચના રોજ આ રેટ 6.15% એ પહોંચ્યો હતો. રાજ્યના સોલાપુરમાં પોઝીટીવીટ રેટ 20.05%, સાંગલીમાં 17.47%, કોલ્હાપુરમાં 15.35% , પૂના 12.33%, નાશીક 7.84% અને અહેમદનગર 7.56% થી વધ્યો છે.
રાજ્યના મુંબઇ, પૂના, થાણે, રાયગઢ, નાશી અને સાંગલીમાં કોરોનાના દર્દીની સંખ્યામાં રોજેરોજ વધારો નોંધાઇ રહ્યો છે એવી જાણકારી પણ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ સ્વાબ ટેસ્ટીંગ દરમિયાન 230 દર્દીઓમાં કોરોનાના નવા વેરિયન્ટ —XBB.1.16— ના દર્દી પણ મળી આવ્યા છે. આ 2230 કેસમાંથી 151 દર્દી માત્ર પૂનામાંથી મળી આવ્યા છે. ઔરંગાબાદમાંથી 24, થાણે 23, કોલ્હાપૂર અને અહમદનગરમાંથી 11-11 અને મુંબઇ તથા રાયગઢમાંથી 1-1 દર્દી મળી આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ભીડ-ભાડવાળા સ્થળોએ જવાનું ટાળવા અને માસ્કનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.