ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકનો કાર્યકાળ ઓગસ્ટ મહિનામાં પૂરો થવાનો છે, પરંતુ તેની ચર્ચા અત્યારથી થઈ રહી છે. ભાજપનું મોવડીમંડળ ક્યારે શું નિર્ણય લે તે કોઈ કળી શકતું નથી, પરંતુ અટકળોનું માનીએ તો ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને રાજ્યસભામાં એન્ટ્રી મળે તેવી સંભાવના છે. ગુજરાતમાં 5 વર્ષથી વધારે સમય સુધી મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનની જવાબદારી આ બન્ને નેતાઓએ નિભાવી હતી. તે બાદ અચાનક 2021માં આખી રૂપાણી સરકારનું રાજીનામું લેવામાં આવ્યું હતું. તાજેતરમા યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં બન્નેને ટિકટ પણ આપવામાં આવ ન હતી, પરંતુ હવે પાર્ટીના બંને નેતા 2023માં જ રાજ્યસભામાં પહોંચી શકે છે. ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકનો કાર્યકાળ ઓગસ્ટમાં પૂરો થઈ રહ્યો છે. એવામાં જુલાઈના અંતમાં બંને નેતાઓને રાજ્યસભામાં મોકલવાની જાહેરાત થઈ શકે છે.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબના પ્રભારી બનાવ્યા હતા. તો નીતિન પટેલ પાસે હાલમાં કોઈ મોટી જવાબદારી નથી.
ગુજરાતમાં રાજ્યસભાની હાલમાં 11 સીટ છે. જેમાંથી 8 ભાજપ પાસે છે. જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 3 જ બેઠક છે. બીજેપીની 8માંથી 3 બેઠકનો કાર્યકાળ ઓગસ્ટમાં પૂરો થઈ રહ્યો છે. હાલમાં આ ત્રણ બેઠક પર વિદેશ મંત્રી એસ.જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશચંદ્ર અનાવડિયા છે. સંભાવના છે કે વિદેશ મંત્રી એસ. જયશંકર ફરીથી ગુજરાતમાંથી રાજ્યસભા જશે. જ્યારે બીજી બે બેઠક માટે વિજય રૂપાણી અને નીતિન પટેલનું નામ સૌથી ઉપર હોવાનું સૂત્રો જણાવે છે.
વિજય રૂપાણી એકવાર રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે. જ્યારે 4 મુખ્ય પ્રધાન સાથે કામ કરનારા નીતિન પટેલને તક મળશે તો તે પહેલીવાર રાજ્યસભા પહોંચશે.