દુનિયામાં તમારે કોઈ પણ દેશમાં પ્રવાસ કરવા માટે તમારી પાસે પાસપોર્ટ હોવો જરૂરી હોય છે. પાસપોર્ટ વિના કોઈ પણ દેશ બીજા દેશના નાગરિકને પ્રવેશ નથી આપતો. પણ તમને ખબર છે કે દુનિયામાં ત્રણ વ્યકિતઓ એવી છે કે જેમને કોઈ પણ દેશમાં પ્રવેશવા માટે પાસપોર્ટની જરૂર નથી પડતી. આવો જોઈએ કોણ છે આ ત્રણ વ્યક્તિ અને શા માટે તેમને આ ખાસ સુવિધા આપવામાં આવે છે…
બ્રિટનના રાજા ચાર્લ્સ
આ યાદીમાં સૌથી પહેલાં નામ આવે છે બ્રિટનના રાજા ચાર્લ્સ. કોઈ પણ દેશમાં પ્રવેશવા રાજા પ્રિન્સ ચાર્લ્સને પાસપોર્ટની જરૂર નથી પડતી. રાણી એલિઝાબેથના નિધન બાદ જ્યારે પ્રિન્સ ચાર્લ્સ રાજા બન્યા ત્યારે દુનિયાભરના વિદેશ ખાતાને તેની જાણ કરવામાં આવી હતી. રાજા બન્યા બાદ દરેક જણે તેમના પ્રોટોકોલનું પાલન કરવું પડશે અને કોઈ પણ પ્રકારના અવરોધ વિના ક્યાંય પણ જવાની પરવાનગી આપવામાં આવે એવું પત્રમાં જણાવવામાં આવ્યું છે.
જાપાનના સમ્રાટ અને તેમનાં પત્ની
આ યાદીમાં બીજા નંબરે આવે છે જાપાનના સમ્રાટ અને તેમનાં પત્નીનું નામ. તેમને આપવામાં આવેલા વિશેષાધિકારને કારણે કોઈ પણ દેશમાં પ્રવેશવા માટે તેમને પાસપોર્ટની જરૂર પડતી નથી. હવે લાખ રૂપિયાનો સવાલ એ છે કે આખરે તેમને આવો વિશેષાધિકાર કેમ આપવામાં આવ્યો. તો જાપાનની રાજનૈતિક નોંધ પ્રમાણે 1971થી જાપાનના વિદેશ ખાતા દ્વારા આ સુવિધા સમ્રાટ અને તેમનાં પત્ની માટે શરૂ કરવામાં આવી અને આટલા બધા વર્ષો બાદ પણ તે ચાલી રહી છે. એમાં થાય છે એવું કે જ્યારે જાપાનના સમ્રાટ કે તેમનાં પત્નીને કોઈ દેશની મુલાકાત લેવાની હોય છે ત્યારે જાપાનના વિદેશ ખાતા દ્વારા e દેશને એક પત્ર મોકલવામાં આવે છે અને આ પત્ર સમ્રાટને મોકલવામાં આવે એવું જણાવવામાં આવે છે. જાપાનના સમ્રાટ અને તેમનાં પત્નીના પાસપોર્ટ ધ્યાનમાં રાખીને તેમને સન્માનથી જે તે દેશમાં પ્રવેશ આપવામાં આવે છે.
રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન
જ્યારે કોઈ પણ દેશના રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન બીજા દેશની મુલાકાત લે છે ત્યારે તે પોતાની સાથે એક ડિપ્લોમેટિક પાસપોર્ટ સાથે રાખે છે. પણ તેમ છતાં તેઓ પાસપોર્ટ દેખાડ્યા વિના બીજા દેશની મુલાકાત લઈ શકે છે. પ્રોટોકોલ મુજબ દરેક કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે. યજમાન દેશનો કોઈ પણ અધિકારી તેમની પાસે પાસપોર્ટ ન માંગી શકે. ભારતમાં આ દરજ્જો રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ઉપરાષ્ટ્રપતિને પણ આપવામાં આવ્યો છે.