દેશમાં નોકરી કરતી મહિલાઓ માટે રાજધાની દિલ્હી અસુરક્ષિત છે. મહિલા બાળવિકાસ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવ્યાનુસાર ઓગસ્ટ મહિના સુધી કુલ 11.2 લાખ મહિલાઓએ નોકરી દરમિયાન યૌનશોષણની ફરિયાદ નોંધાવી ચૂકી છે. આ યાદીમાં પંજાબ બીજા અને ગુજરાત ત્રીજા સ્થાને છે.
દેશભરમાં વર્કપ્લેસ પર યૌનશોષણની અત્યાર સુધી 70.17 લાખ ફરિયાદ નોંધાવી છે, જેમાંથી 31.17 લાખ એટલે કે આશરે 45 ટકા જેટલી ફરિયાદ ગુજરાત, દિલ્હી અને પંજાબમાંથી મળી છે. મહત્ત્વની વાત એ છે કે લક્ષદ્વીપ, પુડુચેરી, સિક્કિમ, ત્રિપુરા અને દાદરાનગર હવેલીમાં એક પણ ફરિયાદ નોંધાઈ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે મહિલાઓ સાથે વર્કપ્લેસ પર શારિરીક અને માનસિક શોષણ થતું હોય છે અને આ અંગે અનેક ફરિયાદો કરવામાં આવતી હોય છે. મોટી કંપનીઓને આ માટે સ્પેશિયલ ડિપાર્ટમેન્ટ બનાવવો જરૂરી છે. જોકે છેલ્લાં કેટલાક વર્ષોમાં વર્કપ્લેસ પર જાતીય સતામણીની ફરિયાદોમાં વધારો નોંધાયો છે.
ડેટા એનાલિસિસ ફર્મ પ્રમાણે, બીએસઈ-100 ઈન્ડેક્સની કંપનીઓમાં વર્ષ 2020-21ની તુલનામાં 2021-22માં વર્કપ્લેસ પર યૌનશોષણ સંબંધિત ફરિયાદ 595થી વધીને 759 થઇ ગઇ છે. 2019-20માં મી-ટૂ કેમ્પેઇનમાં આ ફરિયાદોની સંખ્યા 999 સુધી પહોંચી હતી.
વર્કપ્લેસ પર યૌનશોષણને લઈને આ વર્ષે મેમાં આવેલા એક વાર્ષિક અહેવાલ પ્રમાણે, નોકરી કરતી 50%થી વધુ મહિલાઓએ ઓછામાં ઓછો એકવાર વર્કપ્લેસ પર યૌનશોષણનો સામનો કર્યો છે, પરંતુ તેમાંથી 55%એ ક્યારેય ફરિયાદ કરવાની હિંમત સુદ્ધાં નથી કરી.