આ છ સ્થળ વર્ષાઋતુના પ્રવાસ માટે છે ઉત્તમ

વીક એન્ડ

વિશેષ-અનંત મામતોરા

કાળાં ડિબાંગ વાદળો આકાશનું આંગણું છોડીને ધરતીને ભેટવા આવતાં હોય તેમ નીચાં ઊતરી આવે, મોર ટહુકવા માંડે, ચાતક ડોક ઊંચી કરીને આતુર નયને જોઈ રહ્યું હોય. કોઈ પ્રેમીના મિજાજની જેમ વાતાવરણ અચાનક બદલાઈ જાય. કાળઝાળ ગરમીના ચાર મહિનાથી છૂટવા જાણે ધરતી પણ વ્યાકુળ હોય, તેવા સમયે પહેલા વરસાદના છાંટા કોઈ અમૃત વર્ષા જેવા લાગે. કોઈએ ચાર મહિનાની કેદમાંથી મુક્ત કર્યા હોય તેમ મન કોઈ એવા પ્રદેશમાં વિહરવા માગતું હોય જ્યાં વાદળો, વરસાદ, હરિયાળી, હવા અને બસ, આપણે હોઈએ. ચાલો, વરસાદની મોસમ આવી છે તો એવા પ્રદેશોની વાત કરીએ, જેની મુલાકાત આપણને પણ તન-મનમાં ભીનાશથી ભરી દે.
લોનાવલા
સહ્યાદ્રિની વાદીઓમાં વસેલું લોનાવલા મહારાષ્ટ્રના સ્વિટ્ઝર્લેન્ડ તરીકે મશહૂર છે. અહીંયાં ચોમાસું તેની સાથે સુંદરતાનો ગુલદસ્તો લઈને આવે છે. પળે પળે બદલાતાં પ્રાકૃતિક દૃશ્યો મનમોહક તસવીર રચે છે. આકાશમાં મેઘધનુષ, વાદળાં ધરતીને સ્પર્શે તેટલાં નીચે ઊતરી આવ્યાં હોય, ઠેકઠેકાણે ઝરણાં ફૂટી નીકળે.
જોવાલાયક: ટાઇગર પોઇન્ટથી અનેક ઝરણાંઓનું સુંદર દૃશ્ય, બીજી-ત્રીજી સદીમાં બૌદ્ધ ભિક્ષુઓ દ્વારા બનાવેલી કાર્લાની ગુફાઓની શાંતિ, ભૂશી ડેમથી આવતો જલધારાનો કલશોર, ગાઢ જંગલથી ઘેરાયેલ તળાવનો રંગ અને મોગલ, મરાઠા તથા પેશવાના ઇતિહાસની સાક્ષી પૂરતા કિલ્લા.
કેવી રીતે પહોંચશો: મુંબઈથી લોનાવલા રેલ અને રોડ માર્ગે પહોંચી શકાય છે. મુંબઈ સુધી ફ્લાઇટ લઈને આગળની યાત્રા ટેક્સી, બસ કે ટ્રેન દ્વારા કરી શકો. પ્રવાસ કોઈ પણ રીતે કરો, રસ્તાનું પ્રાકૃતિક સૌંદર્ય તમારું મન મોહિત કર્યા વિના રહેશે નહિ અને હા, રસ્તામાં મહારાષ્ટ્રના પ્રખ્યાત ‘વડાપાંઉ’ની લહેજત પણ માણી શકો છો.
લેહ-લદાખ
અહીં પગ મૂકતાં જ કોઈ અન્ય દુનિયામાં આવી ગયા હોઈએ તેવી અનુભૂતિ થાય છે. તમે દાર્શનિક ન હો અને સ્વયંની શોધમાં ન નીકળ્યા હો, તો પણ લેહ-લદાખ ખુલ્લી આંખે તમને ધ્યાનનો અનુભવ કરાવી દે.
જોવાલાયક: ગૌતમ બુદ્ધની સ્મૃતિઓ અને વારસાને સાચવી રાખવા જાપાન અને લદાખના સંયુક્ત પ્રયાસથી તૈયાર થયેલો સફેદ શાંતિ સ્તૂપ પ્રમુખ આકર્ષણ છે. પેંગોંગ સરોવરને કિનારે થતો લદાખ મહોત્સવ, માથો મઠ, બુદ્ધનાં જીવન ચિત્રોથી સુશોભિત લેહ મહેલ, માટીથી બનેલો જોરાવરનો કિલ્લો અને છાંગલાની બર્ફીલી ચાદરો જોઈ શકો છો.
કેવી રીતે પહોંચશો: સૌથી નજીકનું રેલવે સ્ટેશન જમ્મુ તવી છે અને નજીકનું એરપોર્ટ લેહ છે. જો તમે રોડ માર્ગે જવા ઇચ્છતા હો તો દિલ્હીથી લગભગ બાર કલાકમાં પહોંચી શકો છો.
ગોવા
રોમેન્સ અને રોમાંચના રસિયાઓને ગોવા પોતાની તરફ સહજ આકર્ષિત કરે છે. આમ તો ચોમાસું ગોવા માટે ઓફ-સીઝન ગણાય છે, પણ જો તમે ભીડભાડને બદલે શાંતિથી વરસાદનો આનંદ માણવા માગો છો તો ગોવા તમારી મંઝિલ છે. પોર્ટુગીઝ શૈલીનાં મકાનો અને કિલ્લા તમારી આંખોને આનંદ આપશે. શાંત, સ્વચ્છ બીચ થેરપી તમને એ મલમ લગાડશે જેના માટે તમે શહેરની ભાગદોડ છોડીને ત્યાં પહોંચ્યા છો.
જોવાલાયક: ભીની, ચમકતી રેતી, આસમાન સાથે વાતો કરતાં નારિયેળીનાં વૃક્ષો, ઊંચી ઊંચી સમુદ્રની લહેર અને ગોવાનું શાનદાર સી-ફૂડ. અહીં દૂધસાગરનો ધોધ ટ્રેકિંગ અને હાઇકિંગ માટે પ્રખ્યાત છે, તો અગુઆડા ફોર્ટની ભવ્યતા જોવા જેવી છે. કસીનો અને બીચ રોમાંચ અને રોમેન્સની આગેવાની લે છે, પણ જો પણજી, વાસ્કો-દ’ગામા અને માર્મગોવા અથવા મોર્મુગાંવ હાર્બર ન જોયાં તો શું જોયું?!
કેવી રીતે પહોંચશો: ગોવા રસ્તા, રેલ અને હવાઈ માર્ગથી જોડાયેલું છે. નજીકનાં શહેરોથી રોડ ટ્રિપ પણ પ્લાન કરી શકાય. તમારા બજેટ અનુસાર યાત્રાનો વિકલ્પ પસંદ કરી શકો છો.
દાર્જીલિંગ
પ્રેમાળ હાસ્યની વ્યાખ્યા શોધવી હોય તો પહોંચી જાઓ દાર્જીલિંગ. અહીંના પહાડો તમારી બધી લુચ્ચાઈને ચોરીને તમને એક સરળ માણસની જેમ
જીવતાં શીખવી દેશે અને જ્યારે તમે પરત ફરશો તો જાણે કોઈ નવા જ મનુષ્ય બનીને.
જોવાલાયક: અહીં જોવાલાયક ઘણું છે. ટાઇગર હિલ, ઘૂમ રોક, સંદકફૂ, લેબાંગ રેસકોર્સ, વિક્ટોરિયમ જળધોધ, રોક ગાર્ડન, સેંચલ તળાવ, જાપાની મંદિર, શાક્ય મઠ, ચાના બગીચા, સ્ટ્રીટ ક્લબ, જૂની શાળાની ઇમારત અને ચર્ચ જેવી અનેક જગ્યાઓ.
કેવી રીતે પહોંચશો: નજીકનું રેલવે સ્ટેશન ન્યુ જલપાઈગુડી છે, જે ભારતનાં મુખ્ય શહેરો સાથે જોડાયેલું છે. તમે હવાઈ માર્ગે પણ જઈ શકો છો.
મુન્નાર
આ વરસાદમાં કંઈક ખાસ પળો, ખાસ અનુભવ અને અવિસ્મરણીય દૃશ્યો જોવા ચાહો છો તો મુન્નાર તમારી રાહ જુએ છે.
જોવાલાયક: મુન્નારથી પંદર કિલોમીટર દૂર એરાવીકુલમ નેશનલ પાર્ક છે. ત્યાં તમે દુર્લભ નીલગિરિ બકરીઓ જોઈ શકો છો. નેશનલ પાર્કની નજીક અનાઇમૂડીના પહાડ છે, જે દક્ષિણ ભારતમાં સૌથી ઊંચા છે. મત્તુપટ્ટી સરોવર અને બંધ પણ જોવાલાયક છે. દાર્જીલિંગની જેમ અહીં પણ ચાના બગીચા મનોરમ દૃશ્યો જેવા છે.
કેવી રીતે પહોંચશો: રોડ માર્ગે કોચીનથી ચાર કલાકમાં મુન્નાર પહોંચી શકાય છે. કોચીન એરપોર્ટ નજીક છે અને નજીકનું રેલવે સ્ટેશન છે, અલુવા.
ઉદયપુર
સરોવરનું શહેર એટલે ઉદયપુર. સરોવરમાં પડતાં વરસાદનાં ટીપાંઓથી રચાતી વર્તુળોની રંગોળી તમને આનંદિત કરી મૂકશે. જો તમે સરોવરના કિનારે કોઈ હોટેલમાં જ રોકાયા હો તો પૂછવું જ શું? સોનેરી ભૂતકાળને સંઘરીને બેઠેલું ઉદયપુર તેની સાંકડી ગલીઓમાં જુનવાણી સુગંધને સાચવે છે.
જોવાલાયક: અરવલ્લીના પહાડોથી ઘેરાયેલા મોન્સૂન પેલેસની ચારેય તરફ ફેલાયેલી હરિયાળી ચોમાસામાં જ જોવા મળે છે. સિટી પેલેસ, બંગોર કી હવેલી, કુંભલગઢ કિલ્લો, સહેલિયોં કી બાડી, પિછોલા સરોવર, ફતેહ સાગર સરોવર, જગ મંદિર, ઉદયપુર ઘાટ અને વિન્ટેજ કાર સંગ્રહાલય. પ્રાકૃતિકથી લઈને ઐતિહાસિક બધું જ ઉદયપુર પાસે છે.
કેવી રીતે પહોંચશો: ઉદયપુર રેલવે માર્ગે મુખ્ય શહરોથી જોડાયેલું છે. તેવી જ રીતે હવાઈ માર્ગે પણ જોડાયેલું છે. ગુજરાતથી પ્રવાસીઓ રોડ માર્ગે પણ ઉદયપુર જવાનું પસંદ કરે છે.
તો બોલો, ક્યાંનો વરસાદ તમે માણવાના છો?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.