કેન્સરનો પ્લોટ લઈને ઘણી ફિલ્મો બની છે, પણ આ કેન્સરની બીમારીએ ઘણા કલાકારોને છીનવી લીધા છે. આમાંથી ઘણા એવા કલાકારો છે, જે પોતાની કારકિર્દીના સોનેરી સમયને માણી રહ્યા હોય, પરંતુ કેન્સરની બીમારીએ તેમને અકાળે મોતના મોઢામાં ધકેલી દીધા હોય.
કેન્સરની બમારીની વાત આવે ત્યારે વીતેલા જમાનાની અભિનેત્રી નરગીસ દત્તનું નામ યાદ આવે. પુત્ર સંજય દત્તની પહેલી ફિલ્મ રોકીની રિલીઝના ત્રણ દિવસ પહેલા જ 1981માં પેનક્રિયેટીક કેન્સરે આ સ્વરૂપવાન અને પ્રતિભાશાળી અભિનેત્રીને આપણી પાસેથી છીનવી લીધી હતી.
બોલીવૂડના કાઉબોય કહેવાતા ફિરોઝ ખાને પણ લંગ કેન્સર સામે ઝઝૂમતા હાર માનવી પડી હતી અને 2009માં તેમનું નિધન થયું હતું. 2020માં કોરોનાએ ઘણાના જીવ લીધા ત્યારે જ એક અત્યંત પ્રતિભાશાળી કલાકાર ઈરફાન ખાનને કોલોન કેન્સર ભરખી ગયો. બોલીવૂડમાં એક અલગ જ છાપ ધરાવનાર આ કલાકારની વિદાય તેના ચાહકો માટે ખૂબ જ વસમી હતી અને આજે પણ તેની ખોટ સતાવે છે.
આનંદ ફિલ્મમાં કેન્સરની દરદીનો રોલ ભજવી સૌને રડાવનાર અને જીવનનો મર્મ સમજાવનાર રાજેશ ખન્નાને પણ 2011માં કેન્સર હોવાનુ બહાર આવ્યું હતું અને 2012માં હિન્દી સિનેમાજગતના પહેલા સુપરસ્ટારે દમ તોડ્યો હતો. જેમની હાઈટબોડી અને ફિટનેસની વાતો 80-90ના દાયકામાં થતી તેવા વિનોદ ખન્નાએ પણ બ્લેડર કેન્સર સામે હાર માનવી પડી હતી.
તો હિન્દી ફિલ્મોમાં ઘણા કેરેક્ટર રોલ કરનાર ટોમ ઓલ્ટરે સ્કીન કેન્સરને લીધે 2017માં દમ તોડ્યો હતો. સંગીત જગતને ઘણા સૂરીલા ગીતો આપનાર આદેશ શ્રીવાસ્તવ 2015માં કેન્સરને લીધે મૃત્યુ પામ્યા હતા. તો લ્યુકેમીયા સામે બે વર્ષ લડ્યા બાદ ચોકલેટી હીરો ઋષી કપૂરનું નિધન થયું હતું.