શહેરની ૯૮ કિલોમીટર લંબાઈની અંડરગ્રાઉન્ડ પાઈપલાઈનની થશે સફાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કોલાબાથી માહિમ-ધારાવી આ શહેર વિસ્તારમાં રહેલી ૯૮ કિલોમીટરની લંબાઈની વરસાદી પાણીનો નિકાલ કરનારી અંડરગ્રાઉન્ડ પાઈપલાઈનની ‘સિસ્ટેમેટિક ક્લિનિંગ’ પદ્ધતિએ સફાઈ કરવામાં આવવાની છે.
પહેલાં તબક્કામાં ૬૩ કિલોમીટર અંતરની વરસાદની પાણીનો નિકાલ કરનારી પાઈપલાઈનની સફળતાપૂર્વક સફાઈ કરવામાં આવી હતી. તેને પગલે લાલબહાદુર શાસ્ત્રી માર્ગ, મિઠી નદી, કુર્લા અને સાયન સ્ટેશન પરિસરને રાહત મળી હતી. આ તમામ પરિસરમાં ભારે વરસાદ દરમિયાન પણ પાણીનો નિકાલ ઝડપથી થઈ રહ્યો છે. તેથી આ વિસ્તારમાં રહેલી ઝૂંપડપટ્ટીઓને રાહત મળી છે. તો સાયન અને કુર્લા રેલવે સ્ટેશન પર પાટાઓ પર વરસાદના પાણી ભરાવાથી રાહત મળી છે. તેથી બીજા તબક્કાના કામને કારણે ચોમાસામાં મુંબઈ પાણીમાં ડૂબશે નહીં એવો વિશ્વાસ પાલિકા પ્રશાસને વ્યક્ત કર્યો છે.
પૂરા મુંબઈ શહેર અને ઉપનગરમાં મળીને કુલ ૩,૫૦૦ કિલોમીટર લંબાઈની વરસાદી પાણીનો નિકાલ કરનારી પાઈપલાઈન છે, જેમાં નાની-મોટી પાઈપલાઈન, રસ્તાની બંને બાજુએ રહેલી પાઈપલાઈન, ખુલ્લી અને ઉપરથી બંધ, અંડરગ્રાઉન્ડ એમ તમામ પ્રકારના બોક્સ, પાઈપ જેવા અલગ-અલગ આકારની પાઈપલાઈન છે. તેમાંથી અમુક પાઈપલાઈન બ્રિટિશકાળની હોઈ ૧૦૦ વર્ષથી વધુ જૂની હોઈ તે મુખ્યત્વે શહેર વિભાગમાં છે. અલગ-અલગ પ્રકારની વરસાદી પાણીની પાઈપલાઈનની દેખરેખ, તેના સમારકામ પણ અલગ અલગ પદ્ધતિએ કરવા પડે છે.
ચોમાસામાં વરસાદી પાણીનો તુરંત નિકાલ થાય તે માટે વરસાદી પાણીની પાઈપલાઈનની નિયમિત સફાઈ અને સમારકામ જરૂરી છે. અંડરગ્રાઉન્ડ વરસાદી પાણીની પાઈપલાઈનમાં અંદર પ્રવેશ કરવા માટે મૅનહૉલ અને તેની બંને બાજુએ એક મીટર અંતર સુધી પાલિકા તરફથી નિયમિત દેખરેખ અને સમારકામ અને સફાઈ કામ કરવામાં આવે છે. બે મૅનહૉલ વચ્ચેનું અંતર ૩૦ મીટર જેટલું હોય છે અને તે ફક્ત મનુષ્યબળના સહાયથી કરવું શક્ય નથી હોતું. કારણકે પાઈપલાઈનની અંદર અંધારું હોવાની સાથે જ ઝેરી સ્વરૂપમાં ગૅસ, ઑક્સિજનનોે અભાવ, સૂકાઈ ગયેલો કાદવનું જોખમ હોય છે. આ તમામ પડકાર વચ્ચે આધુનિક યંત્રણા અને નિષ્ણાત, કુશળ મનુષ્યબળનો પાલિકા પાસે ઉપલબ્ધ નથી. પાલિકા દ્વારા સક્શન અને જેટિંગ પદ્ધતિએ નાના આકારની પાઈપલાઈન સાફ કરવામાં આવે છે. જોકે મોટી પાઈપલાઈનની સફાઈ માટે સકશન અને જેટિંગ ઉપયોગી નથી હોતું. તેથી પાઈપલાઈનની અંદર ગાળ સૂકાઈને પાઈપલાઈનની પાણીનું વહન કરવાની ક્ષમતા ઘટી જતી હોય છે. તેથી આવી મોટી પાઈપલાઈનની દેખરેખ, સમારકામ જેવા વિશેષ કામ કરવા માટે છે. તે માટે ‘સિસ્ટેમેટિક ક્લિનિંગ’ પદ્ધતિ પર આધાર રાખવો પડે છે.
શું છે ‘સિસ્ટેમેટિક ક્લિનિંગ’ પદ્ધતિ?ઃ
‘સિસ્ટેમેટિક ક્લિનિંગ’ કરતા સમયે પેકબંધ રહેલી અને અંડરગ્રાઉન્ડ રહેલી પાઈપલાઈનમાં રહેલો કાદવ, કચરો એ પાઈપની મદદથી શોષીને બહાર કાઢવામાં આવે છે. તે સમયે પાણીનો મારો કરીને પાઈપલાઈનની સફાઈ કરવામાં આવે છે. પાઈપલાઈનમાં રહેલા ઝેરી ગૅસને મશીનની મદદથી બહાર કાઢવામાં આવે છે. ત્યારબાદ સ્વચ્છ થયેલી પાઈપલાઈનમાં સીસીટીવી કૅમેરાની મદદથી નિરીક્ષણ કરવામાં આવે છે. આવશ્યક જણાય તો તે સમયે યોગ્ય સમારકામ અને દેખરેખના કામ કરવામાં આવે છે. ‘સિસ્ટેમેટિક ક્લિનિંગ’ બાદ પાઈપલાઈનની પાણીનો પ્રવાહ કરવાની ક્ષમતા પૂર્વવત કરવામાં સફળતા મળે છે અને વરસાદી પાણીનો ઝડપી નિકાલ થાય છે.
શહેરમાં ‘સિસ્ટેમેટિક ક્લિનિંગ’નો પહેલો તબક્કો સફળઃ
મુંબઈમાં કુલ વરસાદી પાણીના પાઈપલાઈનમાંથી શહેર વિભાગમાં લગભગ ૫૮ કિલોમીટર લંબાઈ અંતરની વરસાદની પાણીની પાઈપલાઈનના જાળા છે, જેમાં બ્રિટિશકાળની ૧૦૦ વર્ષથી વધુજ જૂની ૫૮ કિલોમીટર અંતરની પાઈપલાઈન છે. બ્રિટિશકાળની અને ત્યારબાદની એમ બંને કાળની મળીને લગભગ ૬૩ કિલોમીટર લંબાઈની અંડર ગ્રાઉન્ડ પાઈપલાઈનની ‘સિસ્ટેમેટિક ક્લિનિંગ’ પાલિકાએ અગાઉ કરી છે, જે સફળ થઈ છે. પહેલા તબક્કામાં ૬૩ કિલોમીટરના અંતરમાં ‘સિસ્ટેમેટિક ક્લિનિંગ’ને કારણે ગાંધી માર્કેટ, સાયન, હિંદમાતા અને શહેરના મોટાભાગના પરિસરને વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી રાહત મળી છે.