ઉનાળાની સીઝનમાં જ પ્રવાસી સ્પીડ બોટ થઇ બંધ
નવી મુંબઈ: નવી મુંબઈથી સમુદ્ર માર્ગે મુંબઈ અને અલીબાગ ખાતે જઇ શકાય એ માટે મહારાષ્ટ્ર મેરીટાઈમ સ્પીડબોટ સેવા શરૂ કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર મેરીટાઈમ બોર્ડે આ સેવા છ મહિના અગાઉ શરૂ કરી હતી. જોકે હાલમાં આ બોટ બંધ થઇ જતાં નાગરિકોને મોટી અગવડ ઊભી થઇ છે. આ બોટના માધ્યમથી અલિબાગથી નાગરિકો માંડવા જતા હતા. અઠવાડિયાથી શનિવાર અને રવિવાર એમ બે દિવસ બોટ સેવા ચાલી રહી હતી અને લોકોનો પણ સારા પ્રમાણમાં પ્રતિસાદ સાંપડી રહ્યો હતો. જોકે હવે આ બોટ સેવા બંધ અનેક નાગરિકોને પ્રવાસ માટે અન્ય વિકલ્પનો વપરાશ કરવો પડી રહ્યો છે અને તેઓને આના માટે વધુ ખર્ચ કરવો પડે છે.
અલીબાગ અને માંડવા ખાતે દેશ અને મહારાષ્ટ્ર આખામાંથી લોકો પર્યટન માટે આવે છે. એવામાં અત્યારે ઉનાળામાં બાળકોને વેકેશન છે. વાલીવર્ગ મોટા પ્રમાણમાં અલીબાગ અને માંડવા પર્યટન માટે આવતો હોય છે, પણ આ બોટ અઠવાડિયાથી બંધ હોવાને કારણે પર્યટકો માટે મોટી સમસ્યા ઊભી થઇ છે. આગામી એક મહિના સુધી આ સેવા શરૂ થાય એવી શક્યતા નહીંવત છે, એવું જાણવા મળ્યું હતું. આ બોટમાં ટેક્નિકલ ખામી આવી હોવાને કારણે આ બોટસેવા બંધ કરી દેવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.