Homeટોપ ન્યૂઝમોરબી દુર્ઘટનાની પારદર્શી તપાસ થશે: મોદી

મોરબી દુર્ઘટનાની પારદર્શી તપાસ થશે: મોદી

વડા પ્રધાને સ્થળ અને હૉસ્પિટલની મુલાકાત લીધી

સહાનુભૂતિ અને સાંત્વન: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મોરબીમાં મચ્છુ નદી પરનો બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનાના ઇજાગ્રસ્તોને સ્થાનિક સિવિલ હૉસ્પિટલમાં મળીને તેમની તબિયતના ખબર-અંતર પૂછ્યા હતા. મોરબીમાં બ્રિજ તૂટવાની ઘટનામાં મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ બાબતે મોદીજીએ લાગણીભીના શબ્દોમાં દુ:ખ વ્યક્ત કર્યું હતું.
———
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં હાહાકાર મચાવનારી મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનાના ત્રીજા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તૂટી ગયેલા પુલના ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને બાદમાં હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા લોકોના ખબર અંતર પૂછ્યા હતા તેમ જ મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી હતી અને ત્યાર બાદ મોરબીની એસ.પી. કચેરી ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને આ આખી ઘટનામાં કોઇ પણ જાતની શેહ શરમ રાખ્યા વગર કોઇ પણ પ્રકારની દખલગીરી વગર ઊંડી અને વિગતવાર પારદર્શી તપાસ કરવાનો અધિકારીઓને આદેશ આપ્યો હતો.
મોરબીની એસ.પી. કચેરી ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વડા પ્રધાને અધિકારીઓ પાસેથી આખી ઘટનાની વિગતો મેળવી હતી. બેઠકમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તપાસ દરમિયાનની પૂછપરછને આધારે દુર્ઘટનાના મુખ્ય કારણો અને જવાબદારો સુધી પહોંચવાને ધ્યાનમાં રાખવામાં આવવું જોઇએ. મુખ્ય બોધને વહેલામાં વહેલી તકે અમલમાં મૂકવો જોઈએ. આ ઉપરાંત, અસરગ્રસ્ત પરિવારોના સંપર્કમાં રહીને તેમને આ દુ:ખદ ઘડીમાં શક્ય તેટલી બધી મદદ મળે તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવવું જોઇએ.
આ બેઠકમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવી હાજર રહ્યા હતા.
આ બેઠક પહેલાં મોદીએ મોરબીના દુર્ઘટનાગ્રસ્ત થયેલા ઝૂલતા પુલની મુલાકાત લીધી હતી. તેમણે પુલ તૂટ્યા બાદ મચ્છુ નદીમાં ચાલી રહેલી રાહત-બચાવની કામગીરીનું જાત નિરીક્ષણ કરતા સમીક્ષા કરી હતી.
નેવી, આર્મી, એરફોર્સ, એસડીઆરએફ, એનડીઆરએફ, ફાયર વિભાગ દ્વારા થઈ રહેલી રાહત-બચાવ અને શોધખોળની કામગીરીનું નિરિક્ષણ દરબારગઢ મહેલમાંથી કર્યું હતું તેમ જ આ દુર્ઘટના વિશે વિગતવાર માહિતી મેળવી હતી. તેમજ રાહત અને બચાવ કામગીરી શરૂ કરનાર ફર્સ્ટ રિસ્પોન્ડન્ટસ અને અલગ-અલગ રેસ્ક્યુ ટીમનાં સભ્યો સાથે વાત કરી તેમના પ્રયાસોની સરાહના કરી હતી.
દરમિયાન મોદીએ મોરબી સિવિલ હૉસ્પિટલમાં ઘાયલોના ખબરઅંતર પૂછ્યા હતા. તેમણે ઇજાગ્રસ્ત પાંચ યુવકો તેમજ એક યુવતીના હાલચાલ પૂછ્યા હતા અને તેમની સારવાર વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી.
મોરબીમાં પુલ દુર્ઘટનામાં ઘાયલ ૬ દર્દીઓ હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મહેશ દિનેશભાઈ ચાવડા (ઉ.૧૮), અશ્ર્વિન અરજણભાઈ હડિયલ (ઉ.૩૬), રવિ કિશોરભાઈ પાટડિયા (ઉ.૩૦), સિદ્દીક મોહમ્મદ મોવાર (ઉ.૨૭), નઈમ નૌશાદ શેખ (ઉ.૧૮) તથા સવિતા અનિલભાઈ બારોટ (ઉ.૨૩) – આ તમામ દર્દીઓની હાલત સામાન્ય છે અને તેઓને ડૉક્ટરોના નિરીક્ષણમાં રખાયા છે.
આ દર્દીઓ સાથે વડા પ્રધાને વાત કરીને આપવીતી જાણી હતી.

RELATED ARTICLES

Most Popular