નવી દિલ્હી: વર્ષ ૨૦૧૬માં ૫૦૦ રૂપિયા અને ૧૦૦૦ રૂપિયાની ચલણી નોટો રદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને વાજબી ઠેરવતો ચુકાદો સુપ્રીમ કોર્ટની કૉન્સ્ટિટ્યૂશનલ બેન્ચે સોમવારે આપ્યો હતો. જસ્ટિસ એસ.એ. નાઝીરના વડપણ હેઠળની પાંચ જજની બેન્ચે ૪-૧ની બહુમતીથી જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના ડિમોનેટાઇઝેશનના નિર્ણયમાં કાનૂની કે બંધારણીય દૃષ્ટિએ કોઈ ત્રુટિ નહોતી.
કેન્દ્ર સરકારના વર્ષ ૨૦૧૬ના ડિમોનેટાઇઝેશનના નિર્ણયને પડકારતી ૫૮ અરજીઓની સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતે ઉપરોક્ત ચુકાદો આપ્યો હતો. અગાઉ ૭ ડિસેમ્બરે અદાલતે આ અરજીઓનો ચુકાદો અનામત રાખ્યો હતો અને કેન્દ્ર સરકાર તથા રિઝર્વ બૅન્કને સંબંધિત દસ્તાવેજો રજૂ કરવાની સૂચના આપી હતી. અરજદારોની વકીલાત સિનિયર એડ્વૉકેટ પી. ચિદંબરમે કરી હતી. પાંચ જજની બેન્ચમાં જસ્ટિસ એસ.એ. નાઝીર, જસ્ટિસ બી.આર. ગવઈ, જસ્ટિસ એ.એસ. બોપણ્ણા, જસ્ટિસ વી. રામસુબ્રમણ્યમ અને જસ્ટિસ બી.વી. નાગરત્નાનો સમાવેશ હતો.
સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે નોટબંધીના નિર્ણય પૂર્વે એ વિષય પર છ મહિના સુધી રિઝર્વ બૅન્ક અને કેન્દ્ર સરકાર વચ્ચે ચર્ચા અને સલાહ-મસલતનો સિલસિલો ચાલ્યો હતો. આર્થિક નીતિ બાબતે કારોબારીના નિર્ણય બદલી ન શકાય. આર્થિક નીતિની બાબતોમાં ન્યાયતંત્રે સંયમ જાળવવો જરૂરી છે. અદાલત જ્યુડિશિયલ રિવ્યૂને નામે કારોબારીના નિર્ણયને બદલી ન શકે.
રિઝર્વ બૅન્ક ઍક્ટની કલમ ૨૬(૨) હેઠળ કેન્દ્ર સરકારની સત્તાઓ બાબતે બેન્ચના ચાર જજીસની બહુમતી સાથે લેવાયેલા નિર્ણય સાથે અસંમતી દર્શાવનારાં જસ્ટિસ બી.વી. નાગરત્નાએ જણાવ્યું હતું કે ૫૦૦ રૂપિયા અને ૧૦૦૦ રૂપિયાની ચલણી નોટો રદ કરવાનો નિર્ણય સંસદમાં ઠરાવ કે કાયદો પસાર કરીને લેવો જોઇતો હતો. ફક્ત નોટિફિકેશન બહાર પાડીને આવો નિર્ણય ન લેવો જોઇએ. રિઝર્વ બૅન્કે સ્વતંત્ર રીતે વિચારપૂર્વક આ નિર્ણય લીધો નથી. ડિમોનેટાઇઝેશનની કવાયત ચોવીસ કલાકમાં પૂરી કરાઈ હતી. સરકારે આવો નિર્ણય સંસદના ગૃહોમાં તમામ સભ્યોની હાજરી હોય એવી બેઠકમાં આ બાબતનો કાયદો પસાર કરવો જોઇએ. સંસદમાં લોકપ્રતિનિધિઓ વિષયની ચર્ચા કરે ત્યાર પછી નિર્ણય લેવાવો જોઇએ. ડિમોનેટાઇઝેશનનો નિર્ણય ખામીભર્યો અને ગેરકાયદે છે.
બેન્ચના અન્ય ચાર ન્યાયમૂર્તિઓએ હાઈ વેલ્યૂ કરન્સી નોટ્સને રદ કરવાનો નિર્ણય જાહેર કરતા વર્ષ ૨૦૧૬ની ૮ નવેમ્બરના નોટિફિકેશનને ગેરવાજબી ન ગણી શકાય એમ જણાવતાં ડિમોનેટાઇઝેશનનો નિર્ણય લેવાની પ્રક્રિયાને પડકારવાની કારણરૂપ ભૂમિકાને રદબાતલ કરી હતી. ડિમોનેટાઇઝેશનને વાજબી ઠેરવનારા ન્યાયમૂર્તિઓએ જણાવ્યું હતું કે સરકારના એ નિર્ણયની તેના હેતુઓ સાથે ઔચિત્યપૂર્ણ સુસંગતતા છે. કાળાં નાણાંનું દૂષણ અને ટેેરર ફન્ડિંગ જેવા દૂષણો ડામવાના ઉદ્દેશો પાર પાડવાની સંપૂર્ણ સજ્જતા સાથે ડિમોનેટાઇઝેશન જાહેર કરાયું હોવાનું તેમણે જણાવ્યું હતું.
દરમિયાન વર્ષ ૨૦૧૬ના ડિમોનટાઇઝેશનના કેન્દ્ર સરકારના નિર્ણયને માન્યતા આપતા સર્વોચ્ચ અદાલતના ચુકાદાને ભારતીય જનતા પક્ષે વધાવી લીધો હતો. ભાજપના નેતા અને કેન્દ્રના ભૂતપૂર્વ કાયદા પ્રધાન રવિ શંકરે ડિમોનેટાઇઝેશન વિરોધી અભિયાન ચલાવવા બદલ કૉંગ્રેસની આકરી ટીકા કરી હતી અને ચુકાદાના અનુસંધાનમાં એ પક્ષના નેતા રાહુલ ગાંધી જાહેર માફી માગે એવી માગણી કરી હતી. ડીમોનેટાઇઝેશન કરાયા પછી આતંકવાદ પર મોટો પ્રહાર થયો હોવાનું અને આવકવેરો ભરવાનું પ્રમાણ વધવા સાથે અર્થતંત્રની સફાઈ થઈ હોવાનું રવિશંકરે જણાવ્યું હતું.
કેન્દ્રના ભૂતપૂર્વ નાણાં પ્રધાન અને કૉંગ્રેસના નેતા પી. ચિદંબરમે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે એક જજે અસંમતી દર્શાવતાં ડિમોનેટાઇઝેશનની ‘ગેરકાદેસરતા’ અને તેમાંની ‘ગેરરીતિઓ’ દર્શાવી છે. એ સરકારને તમાચા સમાન બાબત છે.
દરમિયાન રાષ્ટ્રવાદી કૉંગ્રેસના પ્રવક્તા ક્લાઇડ ક્રૅસ્ટોએ જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદાને બાજુ પર રાખીને ડીમોનેટાઇઝેશનના નિર્ણયથી અર્થતંત્રને થયેલા નુકસાન અને સામાન્ય જનતાને પડેલી હાલાકી બદલ ભાજપને જવાબદાર ગણવો જોઇએ. (એજન્સી)