Homeઉત્સવવિવાદમાં કટ્ટરતા હોય, સંવાદમાં સમજણ હોય

વિવાદમાં કટ્ટરતા હોય, સંવાદમાં સમજણ હોય

મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી

બિહારમાં ‘રામચરિતમાનસ’ને લઈને એક વિવાદ ચાલે છે. ભારતમાં જે આમ બની ગયું છે તેમ, મોટાભાગના વિવાદો રાજકીય જ હોય છે. એમાં હવે ધર્મ ભળ્યો છે એટલે તેનું ઘાતક કોકટેલ બંને છે. આપણે ત્યાં વૈજ્ઞાનિક વિવાદો અથવા રેશનલ વિવાદો થતા જ નથી. રેશનલ વાતો પણ છેવટે તો રાજકારણના દરબારની મહોતાજ થઇ જાય છે. અર્થશાસ્ત્રના પ્રોફેસર અને વર્લ્ડ બૅંકના પૂર્વ મુખ્ય અર્થશાસ્ત્રી કૌશિક બસુએ એકવાર લખ્યું હતું કે, રાજકીય વિવાદ અને વૈજ્ઞાનિક વિવાદમાં ફરક એ છે કે “રાજકીય વિવાદમાં તમે પહેલેથી જ નક્કી કરી લો છો કે તમે મુદ્દાની કઈ બાજુએ છો અને પછી વિવાદમાં ઝંપલાવો છો, જયારે વૈજ્ઞાનિક વિવાદમાં તમે પહેલાં વિવાદ કરો છો અને પછી નક્કી કરો છો કે કઈ બાજુએ રહેવું.
વિવાદ જયારે તાર્કિક સમજણ વધારવાને બદલે લાગણીઓના રક્ષણ માટે હોય ત્યારે વૈચારિક પ્રગતિ સધાતી નથી. દલીલ, બહસ અથવા વાદ-વિવાદ સંવાદાત્મક તર્કની ઔપચારિક વિધિ છે. આમાં મહત્ત્વનો શબ્દ છે સંવાદ’. કોઇપણ પ્રકારની બહસ કે તર્કમાં અગત્યની વાત સામેની વ્યક્તિ સાથે સંવાદ સાધવાની છે. સંવાદ હોય તો જ સામેની વ્યક્તિ તમારા તર્ક અથવા દલીલને સ્વીકારીને એના દૃષ્ટિકોણ અથવા મતને બદલવા કે એમાં જરૂરી ફેરફાર કરવા તૈયાર થશે.
ભગવાન કૃષ્ણના અર્જુન સાથેના સંવાદથી લઇને ભગવાન બુદ્ધની એના અનુયાયીઓ સાથેની
વાતચીત, સ્કૂલની ડિબેટ સ્પર્ધાથી લઇને સંસદીય બહસ અને ગામડાની ઓટલા પરિષદથી લઇને અમેરિકન રાષ્ટ્રપ્રમુખપદના ઉમેદવારોની ચર્ચા સુધીના તમામ માનવીય વ્યવહારમાં વાત કે વિચાર કે મત બીજી વ્યક્તિ સુધી સફળતાપૂર્વક પહોંચાડવાનો પ્રયાસ રહ્યો છે.
વિવાદ અને સંવાદમાં આ જ ફરક છે. જો તમારા વિચારોમાં તટસ્થતા હશે તો એ વિચાર સંવાદ લાવશે અને તટસ્થતા નહીં હોય તો વિવાદ થશે. ભારતમાં સંસદથી લઈને સડક સુધી સંવાદ ઓછો અને વિવાદ વધુ થાય છે.
પ્રાણીઓમાં પોતાને, પોતાના પરિવારને કે પોતાના ઇલાકાને બચાવવા માટે લડાઇ કરવાની વૃત્તિ સહજ છે. માણસોના કિસ્સામાં, વિચારો કે લાગણીઓ કે પૂર્વગ્રહો પ્રત્યે સતર્ક ના રહીએ તો, આપણું મગજ સ્વત: પશુ-વૃત્તિના શરણે જાય છે અને સામેની વ્યક્તિ પર હાવી થઇને પોતાને સહી સાબિત કરવા પ્રયાસ કરે છે. પશુઓમાં આ ઉપાય કારગત નીવડે છે. પરંતુ આપણા કિસ્સામાં એનાં ધાર્યાં પરિણામ નથી આવતાં.
મોટાભાગના વાદ-વિવાદમાં ફોકસ સામેની વ્યક્તિ પર નહીં, પોતાના ઉપર હોય છે. ‘હું સાચો’એ ભાવના કેન્દ્રવર્તી હોય છે. વાદ-વિવાદમાં પોતાનો કક્કો સાચો ઠેરવવાની વૃત્તિ હોય છે. આના મૂળમાં સંસારનું સર્જન એક જ ઇશ્ર્વરે કર્યું છે અને એક જ સત્તા, એવું જ સત્ય અથવા એક જ જ્ઞાન વિશ્વનું નિયંત્રણ કરે છે તેવી માન્યતામાં છે. તમે જ્યારે એક જ સત્યની પૂર્વધારણા પર ચાલો એટલે મતભેદ ઊભો થાય. આ મતભેદ જો શારીરિક સ્તરે જાય તો યુદ્ધ થાય અને વાતચીતમાં પ્રવેશે તો વાદ-વિવાદ થાય.
આને સાયકોલોજીની ભાષામાં કોગ્નિટિવ વાયોલન્સ એટલે કે જ્ઞાનાત્મક હિંસા કહે છે. એમાં એવો તર્ક કેન્દ્રસ્થાને છે કે સત્ય અથવા જ્ઞાન અથવા બૌદ્ધિક ખોજ વાદ-વિવાદ, બહસ કે દલીલોથી જ સંભવ છે. ફિલોસોફરોની ભાષામાં અહીં શબ્દો શસ્ત્ર બની જાય છે, જ્યાં નવો વિચાર કે નવી દલીલ ‘મારામારી’ કરીને જૂના વિચાર કે દલીલને ‘ખતમ’ કરી નાખે છે. અમેરિકન રેપ-સિંગર ઇમીનેમના એક ગીતમાં શબ્દો છે મારા શબ્દો મારાં શસ્ત્રો છે, હું એનો ઉપયોગ વિરોધીઓને કચડવામાં કરું છું. હું લાગણીઓ બતાવતો નથી, મારા શબ્દો શસ્ત્રો છે, મારા પર પગ મૂકે તેને મારી નાખવા હું એનો ઉપયોગ કરું છું.’
વિચારમાં પણ (જે શબ્દો મારફતે વ્યક્ત થાય છે) હિંસા હોય છે એવું આપણે સ્વીકારતા નથી. જીદ્દુ કૃષ્ણામૂર્તિ કહેતા હતા કે, ‘તમે જ્યારે તમારી જાતને ભારતીય કે મુસ્લિમ કે ઇસાઇ કે યુરોપિયન ગણો છો ત્યારે એ એક પ્રકારની હિંસા છે કારણ કે તમે કોઇ એક વિચારધારા, કોઇ એક પરંપરા, કોઇ એક રાષ્ટ્રીયતા અંગીકાર કરીને બાકીની માનવજાતથી અલગ-અલગ કરી લો છો.’
ભલભલા જ્ઞાની કે બુદ્ધિજીવી લોકો જ્યારે આવેશથી સરાબોર વાદ-વિવાદ કરે છે ત્યારે ધર્મનું ફોકસ જ્ઞાન પર નહીં પણ પોતે સાચા હોવા પર હોય છે. આ એના જેવું છે જ્યારે કોઇ મહાજ્ઞાની માણસની સિગ્નેચર કે સ્વીકૃતિ એના જ્ઞાન કરતાં મહત્ત્વની બની જાય છે. ઇશ્ર્વરનો શ્રાપ આ શ્રેણીમાં આવે છે. ઇશ્ર્વરે શા માટે શ્રાપ આપે? એ શા સંસારને ભસ્મ કરે? વાસ્તવમાં, આવી કલ્પનાઓ માણસની પશુવૃત્તિમાંથી આવે છે, જ્યાં બીજા પર અધિકાર જમાવવો અનિવાર્ય જરૂરિયાત છે. આપણે રોજ-બરોજના જીવનમાં જે વાદ-વિવાદ કરીએ છીએ તેમાં પણ બીજા પર (અહિંસક રીતે) સત્તા જમાવવાનો જ પ્રયાસ હોય છે.
એટલા માટે જ ઉદાર અથવા આઝાદ ખયાલી લોકો (લિબરલ થિંકર) જ્યારે એક જ સત્ય, એક જ આદર્શ અથવા એક જ અભિપ્રાયને વળગી રહે અને બીજાને પણ વટલાવવાનો પ્રયાસ કરે એ પેલા ધર્મગુરુ કે સેલ્સમેનથી જુદો નથી જે એના ઇશ્ર્વર કે એના જ્ઞાન અથવા એની પ્રોડક્ટની શ્રેષ્ઠતાને વળગી રહે છે.
કાર્લ જુંગ નામના મનોવૈજ્ઞાનિકે એક કિસ્સો કહેલો. જુંગ બે ભણેલા-ગણેલા પાગલોનું અધ્યયન કરી રહ્યા હતા. બંને જણા બહુ મશગૂલ બનીને ગહન ચર્ચા કરતા અને જુંગ પાછળ, ખૂણામાં છુપાઇને બંનેને સાંભળતા. બંને વચ્ચે બહુ રસપ્રદ વાદ-વિવાદ થતો હતો, પણ જુંગને એથીય વધુ રસપ્રદ વાત એ લાગી કે એક ડાહ્યો બોલતો ત્યારે બીજો ડાહ્યો એકદમ ચૂપ રહીને સાંભળતો. જેવો પેલો બોલવાનું ખતમ કરે એટલે બીજો બોલવાનું શરૂ કરતો. હવે ચૂપ રહેવાનો વારો પહેલાનો હતો.
બહુ મઝાની બહસ હતી, પણ જુંગે જે તારણ કાઢ્યું તે એથીય મસ્ત હતું. એક પાગલ બોલતો હતો ત્યારે બીજો પાગલ એટલા માટે ચૂપ નહતો રહેતો કે એ પેલાનું જ્ઞાન ગ્રહણ કરી રહ્યો હતો. એ એટલા માટે ચૂપ હતો કે એનો વારો ક્યારે આવે છે તેની રાહ જોતો હતો.
આ સંવાદ નહીં, વિવાદ છે. આ પેલા બે સિંહોની લડાઇ જેવું છે. જ્યાં એક સિંહ પાછાં પગલાં ભરીને બમણા જોરથી ત્રાટકવાની તૈયારી કરતો હોય છે. આસ્તિક અને નાસ્તિક પેલા ભણેલા પાગલોની જેમ બહેરા છે, કારણ કે પોતપોતાના સત્ય સાબિત કરવા ઉતાવળા અને ઉદ્વિગ્ન છે. બોલવા માટે જ નહીં, સાંભળવા માટેય તટસ્થતાનો ભાવ અનિવાર્ય છે. મોટાભાગના લોકો એ જ સાંભળે છે જે એમને સાંભળવું હોય છે, નહીં કે બોલાઇ રહ્યું છે. એટલા માટે જ ટેલિવિઝનની ડિબેટથી લઇને આપણી ઓટલા પરિષદ સુધી બધે જ સંવાદ ઓછો અને વિવાદ વધુ હોય છે.
આપણી ગમતી માન્યતાઓ જૂના જૂતાં જેવી હોય છે. એટલો કમ્ફર્ટ આપે કે, તળિયું ઘસાઈ ગયું હોય તો પણ આપણે તેને નથી છોડતા. આપણે તાર્કિક નહીં, ઇમોશનલ માણસો છીએ. આપણું મન તથ્યોથી નથી દોરવાતું. તથ્યો અડિયલ હોય છે, પણ મન એનાથીય વધુ જિદ્દી હોય છે. ગમે તેટલા સોલિડ પુરાવા હોય, એ જો આપણી માન્યતાને અનુરુપ ન હોય, તો આપણે તેનો અસ્વીકાર કરીએ છીએ. આપણી માન્યતાની વિરુદ્ધની દલીલોને આપણે ફિલ્ટર કરીએ છીએ, અને એ પ્રોસેસમાં આપણી માન્યતાઓ ઔર મજબૂત થાય છે. એકવાર કોઈ માણસ નક્કી કરી લે કે ‘હું સાચો છું,’ પછી તેના માટે વિરોધી અભિપ્રાયને સ્વીકારવાનું અસંભવ બની જાય, કારણ કે તેણે તેના અભિપ્રાયને સ્વાભિમાન સાથે જોડી દીધા છે. આ કારણથી જ આપણે ત્યાં લોકો વાદ-વિવાદમાં સરવાળે સમજદાર થઈને નહીં, પોતાના અભિપ્રાયમાં વધુ કટ્ટર થઈને બહાર આવે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular