મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ ફડણવીસે શરદ પવારની ટીકા કરતા જણાવ્યું હતું કે કંઈક બીજું છે જે પવારને વધુ દુઃખી કરે છે અને એ બધા જાણે છે.’
એનસીપી પ્રમુખ શરદ પવારે ભાજપની ટીકા કરતા જણાવ્યું હતું કે તેમની રણનીતિ ધીમે ધીમે સાથી પક્ષોને ખતમ કરવાની છે. તેમના આ નિવેદન બાદ ફડણવીસે ઉપરોક્ત પ્રતિક્રિયા આપી હતી.
દેવેન્દ્ર ફડણવીસે બિહાર પર નિવેદન આપતા કહ્યું હતું કે ગત બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે JDU કરતા વધુ સીટો જીતી હતી, પરંતુ તેમ છતાં નીતીશ કુમારને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ભાજપ જ તેના સહયોગીઓનું ધ્યાન રાખે છે. તેમણે કહ્યું કે જો અમે બિહારમાં સત્તામાં નથી (અત્યારે) તો કાલે ચોક્કસપણે ત્યાં હોઇશું.
નોંધનીય છે કે, JDUના નેતા નીતીશ કુમારે બુધવારે આઠમી વખત બિહારના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. આરજેડીના નેતા અને લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. એક દિવસ પહેલા નીતીશકુમારે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ સાથે સંબંધો તોડી નાખ્યા હતા અને ‘મહાગઠબંધન’ સરકાર બનાવવા માટે આરજેડી સાથે હાથ મિલાવ્યા હતા.
મહારાષ્ટ્રમાં શિંદેની આગેવાની હેઠળના પ્રધાનમંડળના વિસ્તરણ અંગે ફડણવીસે કહ્યું કે, કેબિનેટ વિસ્તરણને લઈને મીડિયામાં પહેલેથી જ ઘણી અટકળો ચાલી રહી છે, પરંતુ આ અટકળો સંપૂર્ણપણે ખોટી સાબિત થઈ રહી છે. વિભાગો ફાળવાયા બાદ આ બાબત સામે આવશે.

Google search engine