ઔરંગાબાદ અને ઉસ્માનાબાદનાં નામ બદલવા સામેની અરજીઓ પર તાત્કાલિક સુનાવણી હાથ ધરવાનો કોર્ટનો ઈનકાર

આમચી મુંબઈ

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારના ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ શહેરોનાં નામ બદલવાના નિર્ણયને પડકારતી બે અરજીઓની તાકીદની સુનાવણીઓ હાથ ધરવા માટે બોમ્બે હાઈ કોર્ટે પહેલી ઓગસ્ટે સાફ ઈનકાર કરી દીધો હતો. કોઇ પણ કામ સરકાર દ્વારા વિદ્યુત ગતિથી હાથ નહીં ધરાય, એવું જણાવીને કોર્ટે આગામી સુનાવણી ૨૩મી ઓગસ્ટ પર મોકૂફ રાખી હતી.
ન્યાયાધીશ પ્રસન્ના વરાલે અને કિશોર સંતની ખંડપીઠે જણાવ્યું હતું કે કોઇ પણ કામ ઝડપથી હાથ ધરી શકાય નહીં, આમ પણ આ મહિનામાં ઘણી રજાઓ આવે છે. શું તમે એવું ઇચ્છો છો કે સરકાર કામ કરે? સરકાર તો કામ કરવાના સમયે પણ કામ નથી કરતી, એવું ન્યાયાધીશ વરાલેએ જણાવ્યું હતું.
ઔરંગાબાદના રહેવાસી મોહમ્મદ મુશ્તાક એહમદ, અન્નાસાહેબ ખંડારે અને રાજેશ મોરે દ્વારા ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર રાખવાને પડકારતી જનહિતની અરજી ગયા અઠવાડિયે દાખલ કરી હતી, જ્યારે બીજી જનહિતની અરજી ઉસ્માનાબાદના ૧૭ રહેવાસીઓ દ્વારા ઉસ્માનાબાદનું નામ બદલીને ધારાશિવ રાખવાના નિર્ણય સામે કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની અગાઉની મહાવિકાસ આઘાડી સરકારે ૨૯ જૂને યોજાયેલી તેની છેલ્લી કેબિનેટ બેઠકમાં ઔરંગાબાદ અને ઉસ્માનાબાદનાં નામ બદલવાનો નિર્ણય કર્યો હતો. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની નવી સરકારે ૧૬મી જુલાઈએ બંને શહેરોનાં નામ બદલવાનો નવો પ્રસ્તાવ પસાર કર્યો હતો.
નામ બદલવાના નિર્ણય સામે જનહિતની અરજી કરવામાં આવી હતી. આ સામે કરવામાં આવેલી જનહિતની અરજીમાં સરકારના નિર્ણયને રાજકીય પ્રેરિત ગણાવવામાં આવ્યો હતો. નામ બદલાવવાથી ધાર્મિક અને સાંપ્રદાયિક તિરસ્કાર ઊભો થશે.
ઉસ્માનાબાદ નામ બદલવાનો વિરોધ કરતી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ૧૯૯૮માં પણ મહારાષ્ટ્ર સરકારે નામ બદલીને ધારાશિવ રાખવાનો પ્રયાસ કર્યો હતો. ઔરંગાબાદના નામ બદલવા સામેની અરજીમાં કહેવામાં આવ્યું છે કે શિંદે સરકારે જનતાની ભાવનાઓને ધ્યાનમાં લીધા વિના અને બંધારણની જોગવાઈઓની અવગણના કરીને આ નિર્ણય લીધો છે.
(પીટીઆઈ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.