Homeએકસ્ટ્રા અફેરભાજપ સરકારની ગુલાંટ, ‘રામ સેતુ’ના પુરાવા જ નથી

ભાજપ સરકારની ગુલાંટ, ‘રામ સેતુ’ના પુરાવા જ નથી

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભાજપ એક જમાનામાં જે મુદ્દાઓને બહુ ગજવતો હતો તેમાં એક ‘રામ સેતુ’નો મુદ્દો પણ હતો. કેન્દ્રમાં ડૉ. મનમોહનસિંહની સરકાર હતી ત્યારે ભાજપે ‘રામ સેતુ’ને હેરિટેજ સાઈટ જાહેર કરીને તેનું જતન કરવામાં આવે એવી માગણી જોરશોરથી ઉઠાવી હતી. કેન્દ્રની કૉંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારે સેતુસમુદ્રમ પ્રોજ્કટની જાહેરાત કરી ત્યારે ભાજપ અને હિન્દુ સંગઠનોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. એકવીસમી સદીની શરૂઆતથી ભાજપ અને હિંદુવાદી સંગઠનો રામસેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરીને હિંદુત્વના વારસાને જાળવવાની માગ ઉઠાવતાં હતાં.
ડૉ. મનમોહનસિંહની સરકારે ૨૦૦૫માં સેતુસમુદ્રમ પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. દેશ માટે અત્યંત ફાયદાકારક આ પ્રોજેક્ટ ‘રામ સેતુ’ પરથી બનવાનો હતો. સેતુસમુદ્રમ પ્રોજેક્ટ હાથ ધરીને કૉંગ્રેસ સરકાર દેશના કરોડો હિંદુઓની આસ્થા પર પ્રહાર કરવા માગે છે એવો મુદ્દો ઊભો કરીને ભાજપે તેનો ઉગ્રતાથી વિરોધ કર્યો હતો. ભાજપ રામ સેતુ’ને હેરિટેજ સાઈટ બનાવવાનું વચન પણ આપતો હતો. સેતુસમુદ્રમ પ્રોજેક્ટ કાનૂની લડાઈમાં અટવાઈ ગયો અને અત્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે તેથી ભૂલાઈ જ ગયો છે. ભાજપના વલણના કારણે લાગતું હતું કે, કેન્દ્રમાં ભાજપની સરકાર આવશે તો ‘રામ સેતુ’નું જતન કરીને તેને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરી દેવાશે.
જો કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી પછી ભાજપ ‘રામ સેતુ’ને ભૂલી ગયો. ‘રામ સેતુ’ને હેરિટેજ સાઈટ જાહેર કરવાની વાત પણ ક્યાંય જતી રહી ને હિંદુત્વના વરસાના જતનની વાત પણ હવા થઈ ગઈ. ભાજપ કે કેન્દ્ર સરકારમા બેઠેલા લોકો વરસોથી ‘રામ સેતુ’ની વાત જ કરતા નથી ને હવે કેન્દ્ર સરકારે સંસદમાં કહી દીધું છે કે, ભારત અને શ્રીલંકા વચ્ચે સમુદ્રમાં ‘રામ સેતુ’ છે એવા કોઈ નક્કર પુરાવા જ નથી.
ભાજપના સાંસદ કાર્તિકેય શર્માએ ‘રામ સેતુ’ને જાળવવા સરકાર શું કરે છે એવો સવાલ કરેલો પણ મોદી સરકારે ‘રામ સેતુ’ને મુદ્દે સાવ હાથ જ ખંખેરી દીધા છે. મોદી સરકાર વતી જિતેન્દ્ર સિંહે ‘રામ સેતુ’ અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમા કહ્યું છે કે, ‘રામ સેતુ’ હોવાના કોઈ પુરાવા જ નથી. જે સ્થળો પર પૌરાણિક ‘રામ સેતુ’ હોવાનું માનવામાં આવે છે તેની સેટેલાઇટ તસવીરો લેવામાં આવી છે. આ તસવીરોમાં સમુદ્રના છીછરા પાણીમાં ટાપુ અને ચૂનાના પથ્થરો દેખાય છે પણ તેના કારણે એવો દાવો કરી ના શકાય કે આ ‘રામ સેતુ’ના અવશેષો છે.
જિતેન્દ્ર સિંહના કહેવા પ્રમાણે, ટૅકનોલૉજીના માધ્યમથી અમુક હદ સુધી પુલના ટુકડા, ટાપુ અને એક પ્રકારના ચૂનાના પથ્થરના ઢગલાને ઓળખવામાં સફળ થયા છીએ પણ ચોક્કસપણે અમે કહી શકતા નથી કે આ ટુકડા પુલનો ભાગ છે કે તેના અવશેષો છે. સિંહે દાવો કર્યો કે, અવકાશ મંત્રાલય આ કામમાં લાગેલું છે પણ રામસેતુના સંશોધનમાં અમારી કેટલીક મર્યાદાઓ છે. ‘રામ સેતુ’નો ઈતિહાસ ૧૮ હજાર વર્ષ જૂનો છે તેથી તેના વિશે ચોક્કસ માહિતી મળવી મુશ્કેલ છે. સિંહે બીજી ઘણી વાતો કરી છે પણ તેમની વાતનો સાર એ છે કે, ‘રામ સેતુ’ના ચોક્કસ પુરાવા અમારી પાસે નથી તેથી સરકાર તેને હેરિટેજ સાઈટ જાહેર કરવા વિશે કોઈ નિર્ણય લઈ શકે તેમ નથી.
‘રામ સેતુ’ મુદ્દે ભાજપ સરકારે લીધેલા વલણથી હિંદુવાદીઓને આઘાત લાગશે કેમ કે એ લોકો એવું જ માને છે કે, અત્યારે ભાજપની સરકાર છે તેથી હિંદુત્વને લગતું જે કંઈ કહીશું મંજૂર જ થઈ જશે. મોદી સરકારે તેમની માન્યતાને ખોટી પાડી છે તેથી તેમને આઘાત લાગે જ પણ મોદી સરકારનું આ વલણ દેશહિતના એક મોટા પ્રોજેક્ટ એવા સેતુસમુદ્રમ આડેના અવરોધ દૂર કરી
શકે છે.
આ વાતને સમજવા માટે ‘રામ સેતુ’ અને સેતુસમુદ્રમ પ્રોજેક્ટને સમજવો જરૂરી છે. ‘રામ સેતુ’ ભારતના દક્ષિણપૂર્વમાં રામેશ્ર્વરમ અને શ્રીલંકાના ઉત્તરપૂર્વમાં મન્નાર ટાપુ વચ્ચે આવેલી છીછરા ચૂનાના ખડકોની પાતળ પટટ્ટી છે. ભારતમાં રામસેતુ અને વિશ્ર્વભરમાં આદમના પુલ તરીકે ઓળખાતા આ પુલની લંબાઈ ૨૮ કિલોમીટર છે.
આ પુલ મન્નારની ખાડી અને પાલ્ક સ્ટ્રેટને એકબીજાથી અલગ કરે છે. આ વિસ્તારમાં દરિયો ઘણો છિછરો છે તેથી મોટી બોટ અને જહાજો ચલાવવામાં ભારે મુશ્કેલી પડે છે. પંદરમી સદી સુધી આ સ્ટ્રક્ચર પર રામેશ્ર્વરમથી મન્નાર દ્વીપ સુધી લોકો ચાલીને જોય શકતાં હતાં પણ વાવાઝોડાને કારણે પુલ સમુદ્રમાં ડૂબી ગયો હતો. એ પછી છિછરા પાણીમાં ખડકો દેખાય છે પણ તેના પર ચાલી શકાતું નથી. મોટાં જહાજ કે મોટી બોટ પણ પસાર થઈ જ શકતી નથી.
આ સમસ્યાનો ઉકેલ સેતુસમુદ્રમ પ્રોજેક્ટ મનાય છે. ૨૦૦૫માં મનમોહન સરકારે સેતુસમુદ્રમ પ્રોજક્ટ હેઠળ વિશાળ શિપિંગ કેનાલ બનાવવાનું એલાન કરેલું. સેતુસમુદ્રમ પ્રોજેક્ટ હેઠળ રામેશ્ર્વરમ અને મન્નાર વચ્ચેના છીછરા દરિયાને ૧૨ મીટર ઊંડો ખોદવાની દરખાસ્ત મૂકાઈ હતી. આ ૧૨ મીટર ઉંડાઈ ધરાવતી ૩૦ મીટર પહોંળી અને ૧૬૭ કિલોમીટર લાંબી સમુદ્રી ચેનલ બને તો દેશને અબજોનો ફાયદો થાય તેમ છે.
અત્યારે હિન્દ મહાસાગરમાં જતાં જહાજોએ આખું શ્રીલંકા ફરીને જવું પડે છે. તેના કારણે લગભગ ૪૫૦ માઈલ દરિયાઈ અંતરનું વધારાનું ચક્કર લગાવવું પડે છે જેમાં ૩૦ દિવસ વધારે જાય છે.
સેતુસમુદ્રમ બને તો ૩૦ દિવસનો વધારાનો સમય અને આ અંતર કાપવાની કડાકૂટ જતી રહે. આ અંતર અને સમય બચે તેના કારણે દરેક જહાજના બળતણના ખર્ચમાં લગભગ બે લાખ રૂપિયા બચી જાય તેવો પણ સરકારનો અંદાજ છે. હિંદ મહાસાગરમાં રોજનાં સેંકડો જહાજ જતાં હોય છે તેથી સરવાળે અબજો રૂપિયા બચે.
આ પ્રોજેક્ટ સામે વિજ્ઞાનીઓ અને પર્યાવરણવાદીઓને પણ વાંધો છે. વૈજ્ઞાનિકોના મતે, પુલની નીચે ટેકટોનિક પ્લેટોની નબળાઈને કારણે કોઈ પણ પ્રકારની છેડછાડ મોટી કુદરતી આફત લાવી શકે છે. પર્યાવરણશાસ્ત્રીઓનું કહેવું છે કે, પુલ નષ્ટ થવાથી ૩૬ હજારથી દુર્લભ જીવોની આ જીવસૃષ્ટિ સમાપ્ત થઈ જશે અને ચોમાસાનું ચક્ર પ્રભાવિત થશે.
હવે સરકાર આ બાબતોનો અભ્યાસ કરાવીને આ પ્રોજેક્ટમાં આગળ વધી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular