નિર્ધારિત દુકાનોમાંથી જ દવા ખરીદવાની ફરજ નહીં પાડી શકાય
વિપુલ વૈદ્ય
મુંબઈ: હૉસ્પિટલોમાં મોટા પાયે ચાલતી ગેરરીતિઓમાંથી એક પર હવે રાજ્યના અન્ન અને ઔષધ પ્રશાસને લાલ આંખ કરી છે. ડૉક્ટરો અને હૉસ્પિટલો દ્વારા નિર્ધારિત દવાની દુકાનોમાંથી જ દવા અને અન્ય તબીબી સાધનો/ઉપકરણો ખરીદવાની ફરજ દર્દીના પરિવારજનોને પાડવામાં આવતી હોય છે, પરંતુ હવે એફડીએએ બહાર પાડેલા નવા આદેશને પગલે હૉસ્પિટલોને મોટો ફટકો પડ્યો છે, જ્યારે દર્દીના પરિવારજનોને મોટી રાહત આપવામાં આવી છે. હવેથી ડૉક્ટરો અને હૉસ્પિટલો નિર્ધારિત દવાની દુકાનોમાંથી દવા અને ઉપકરણો ખરીદી કરવાની ફરજ પાડી શકશે નહીં.
એફડીએએ તાજેતરમાં બહાર પાડેલા એક આદેશમાં બધી જ હૉસ્પિટલોને ચિમકી આપી છે કે હોસ્પિટલ સાથે સંકળાયેલી દવાની દુકાનોમાંથી દવાની ખરીદી કરવાની ફરજ પાડવી નહીં.
જો આવી ફરજ પાડવામાં આવશે તો સંબંધિત હૉસ્પિટલો સામે આકરી કાયર્ર્વાહી કરવામાં આવશે. આ આદેશને પગલે દર્દીના પરિવારજનોને મોટી રાહત મળી છે. હવે દર્દીના પરિવારજનો સારવાર માટેની દવાઓ અને ઉપકરણો અન્ય માન્યતાપ્રાપ્ત દવાની દુકાનોમાંથી ખરીદી શકશે.
હૉસ્પિટલો એ તેમની સાથે સંલગ્ન દુકાનમાંથી જ દવાની ખરીદી કરવાની ફરજ પાડવી નિયમબાહ્ય છે. હૉસ્પિટલોએ દર્દી અને તેના પરિવારજનો કોઈપણ માન્યતાપ્રાપ્ત દવાની દુકાન (મેડિકલ શોપ)માંથી દવા અને સામગ્રી ખરીદી શકે છે એવું બોર્ડ દેખાઈ અને વંચાઈ શકે એવી રીતે લગાવવાનું આવશ્યક છે એમ પણ આ આદેશમાં કહેવામાં આવ્યું છે.
આવી જ રીતે રાજ્યના બધા જ વિભાગીય જોઈન્ટ કમિશનરો, આસિસ્ટન્ટ કમિશનરો, ડ્રગ ઈન્સ્પેક્ટરો વગેરેએ હૉસ્પિટલોની મુલાકાત લઈને આવા બોર્ડ લગાવવામાં આવ્યા છે કે નહીં તેની ખરાઈ કરવાનો આદેશ પણ રાજ્યના અન્ન અને ઔષધ ખાતાના કમિશનરે બહાર પાડ્યો છે.