ફોકસ -અનંત મામતોરા

એ.પી.જે. અબ્દુલ કલામે ક્યાંક કહ્યું હતું, ‘તમારાં સપનાં સાકાર કરવા પહેલાં સપનાં જોવાં પડે.’ પણ દિવાસ્વપ્નો જોવાં અને સ્વપ્નો જોવાં એમાં ફરક હોય છે. મોટે ભાગે ગૃહિણીઓએ પરિવારની જવાબદારીઓના બોજ નીચે પોતાનું સપનું ક્યાંક દાટી દીધું હોય છે, ફરી હાથ ન લાગે તેવી રીતે, પણ તેમનો પરિવાર જ્યારે તેમનું સપનું સાકાર કરવા તેમના પડખે ઊભો રહે તેનાથી રૂડું શું હોય? અને જીવનની સમી સાંજે જ્યારે સપનું સાકાર થાય ત્યારે તો કહેવું જ શું! આવાં એક સપનાંને સાકાર થવાની કહાણી જાણવા જેવી છે. ભેળપૂરી, પાણીપૂરી, પનીર મસાલા, કાંદા ભજિયાં – આ બધાં નામો વાંચીને તમે વિચારતા જ હશો કે આ ભારતની કોઈ રેસ્ટોરાંનું મેનુ છે, પરંતુ તમે લંડનની મંજુ’સ નામની રેસ્ટોરાંમાં પણ આવા સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ માણી શકો છો, જે ૮૫ વર્ષની મહિલા મંજુ દ્વારા ચલાવવામાં આવે છે.
મંજુ’સના મેનુમાં વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ ગુજરાતી ભોજનનો સમાવેશ થાય છે. તેઓ દરરોજ સવારે ૭ વાગે આવે છે, રસોઇયાની ટોપી અને એપ્રન પહેરે છે અને સ્વાદિષ્ટ સામગ્રી તૈયાર કરવામાં વ્યસ્ત બની જાય છે. મંજુબહેનને આ ઉંમરે કામ કરતાં જોઈને મનમાં પ્રશ્ર્ન થાય તે સ્વાભાવિક છે. ઉંમરના આ તબક્કે જ્યારે મોટા ભાગના લોકો કામમાંથી બ્રેક લઈને આરામ કરવા માગે છે, ત્યારે શું મંજુબહેનને આરામ કરવાનું મન થતું નથી?
આ સવાલના જવાબમાં મંજુબહેન કહે છે, ‘ના, એવું નથી. આ ઉંમરે પણ વ્યસ્ત રહેવું એ એક અદ્ભુત અનુભવ છે! ભારતીય ભોજન કેટલું સારું છે તે બતાવવાનું અને હંમેશાં પોતાના કામ પ્રત્યે પ્રામાણિક રહેવું જોઈએ.’
જોકે તેમના માટે અહીં સુધીની સફર ઘણી મુશ્કેલ હતી. મંજુબહેનની ધીરજ અને નિશ્ર્ચયની વાર્તા ૧૯૩૬માં શરૂ થાય છે.
૧૪ વર્ષની ઉંમરે દરરોજ ૩૫
ટિફિન તૈયાર કર્યાં
ગુજરાતી રિવાજ મુજબ સ્ત્રીનું પહેલું બાળક તેની માતાને ઘરે જન્મે છે. આ રિવાજને અનુસરીને ૧૯૩૬માં મંજુબહેનની માતા પોતાના બાળકના જન્મ માટે યુગાન્ડાથી ગુજરાત આવી હતી. મંજુબહેનનો જન્મ ગુજરાતમાં થયો હતો અને પછી તે તેમનાં માતા-પિતા સાથે યુગાન્ડા પાછાં ફર્યાં.
જ્યારે મંજુ માત્ર ૧૨ વર્ષની હતી ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. આ ઘટનાએ તેને હચમચાવી નાખી. રમતિયાળ અને નિર્દોષતાથી ભરેલી મંજુ ટૂંક સમયમાં જ જવાબદારીઓના બોજ હેઠળ આવી ગઈ. તેને શરૂઆતથી જ રસોઈનો શોખ હતો. પિતાના અવસાન પછી ઘર ચલાવવાની જવાબદારી તેના પર આવી ગઈ. આવી સ્થિતિમાં તેણે રસોઈ બનાવીને ઘર ચલાવવાનું નક્કી કર્યું.
માતાની સલાહથી બનાવેલી વાનગીઓએ મંજુને આગળનો રસ્તો બતાવ્યો. ૧૪ વર્ષની ઉંમરે તે દરરોજ લગભગ ૩૫ ટિફિન બનાવતી હતી. તેના દ્વારા તૈયાર કરવામાં આવેલું ફૂડ યુગાન્ડાના ઓફિસ જતા કર્મચારીઓને ખૂબ જ પસંદ આવ્યું હતું. ત્યાંના લોકોએ ચણાની દાળનો સ્વાદ ચાખ્યો અને તેની ખૂબ પ્રશંસા કરી. દરમિયાન ગુજરાતી ભોજનના સ્વાદ સાથે મંજુનો સંબંધ ગાઢ બન્યો. તે દિવસોને યાદ કરતાં મંજુબહેન કહે છે કે તે તેની માતાની આભારી છે. પરંપરાગત ગુજરાતી ભોજનની સાથે સાથે, મારી માતાએ અમને શિસ્તનાં મૂલ્યો અને કાર્યની નૈતિકતા પણ શીખવી હતી જેને હું હજુ પણ વળગી રહી છું.
નિવૃત્તિ સુધી કારખાનામાં નોકરી કરી
સમય ધીમે ધીમે પસાર થતો ગયો. મંજુબહેનનાં લગ્ન થયાં અને તેમને નૈમેષ અને જૈમિન નામના બે પુત્રો થયા. મંજુના બીજા પુત્રના જન્મનાં બે વર્ષ પછી, રાષ્ટ્રપતિ ઇદી અમીને ૧૯૭૨માં યુગાન્ડા સાથે જોડાણ કર્યું. તેઓ સ્વભાવે સરમુખત્યાર હતા. તેમણે એક કાયદો પસાર કર્યો અને એશિયનો સહિત અન્ય ઘણા પરિવારોને હાંકી કાઢવામાં આવ્યા.
મંજુબહેન પાસે યુગાન્ડા છોડવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. યુકેમાં એક સંબંધી હતા જે તેમને મદદ કરી શકે. સલામત વિકલ્પ જોઈને મંજુબહેન પરિવાર સાથે યુનાઈટેડ કિંગડમ ગયાં. બે નાના છોકરાઓ અને હાથમાં માત્ર ૧૨ પાઉન્ડ સાથે! મંજુબહેન અને તેમનો પરિવાર જાણતા હતા કે તેમના માટે મુશ્કેલ સમય રાહ જોઈ રહ્યો છે. થોડા સમય પછી, મંજુબહેનને એક કારખાનામાં નોકરી મળી, જ્યાં ઇલેક્ટ્રિકલ પ્લગ સોકેટ્સ બનાવવામાં આવતા હતા. ૬૫ વર્ષની વયે નિવૃત્ત થયાં ત્યાં સુધી તે આ નોકરીમાં રહ્યાં, પણ મંજુબહેનની અંદર ક્યાંક રસોઈ બનાવવાનો શોખ હજુ પણ જીવંત હતો. તેઓ ઘણી વાર પોતાના છોકરાઓને કઢી, બટેટાનું શાક, દાળ ઢોકળી, ઊંધિયું, થેપલાં, ખાંડવી અને અન્ય સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને ખવડાવતાં.
મંજુબહેન અને તેમના પરિવારનું યુકેમાં પ્રારંભિક જીવન મુશ્કેલ હતું. તેમને ઘણી વખત ઘર બદલવું પડ્યું, કારણ કે મંજુબહેન રૂમ ભાડે રાખીને રહેતાં હતાં. લાંબા સમય સુધી આમ જ ચાલ્યું. તેમના પુત્ર નૈમેષનું કહેવું છે કે ૧૯૭૯માં તેમની માતાએ લંડનમાં પોતાની જગ્યા ખરીદી હતી. તે ઉમેરે છે, તેમણે અમારાં સપનાં સાકાર કર્યાં. અમે પણ તેનું સપનું પૂરું કરવા માગતા હતા. અમને એવી જગ્યા જોઈતી હતી જ્યાં સંસ્કૃતિનો સંગમ હોય. ત્રણ વર્ષની શોધ પછી ૨૦૧૭માં મંજુબહેનના બંને પુત્રોને આખરે એક એવી જગ્યા મળી કે જ્યાં તેમને લાગ્યું કે તેમની માતા પોતાનો રસોઈનો વ્યવસાય શરૂ કરી શકે છે. તેમણે પોતાના ધંધાની બચતથી બ્રાઈટનમાં એક જગ્યા ખરીદી.
તે દિવસને યાદ કરતાં મંજુબહેન કહે છે કે ‘જે દિવસે મને સરપ્રાઈઝ મળ્યું તે દિવસ મારા જીવનના સૌથી આનંદમય દિવસો પૈકીનો એક હતો. મને ખબર નહોતી કે મારા છોકરાઓ શું કરી રહ્યા છે! તૈયાર થયા પછી તેઓ મને રેસ્ટોરાંમાં લઈ ગયા અને જ્યારે મને ખબર પડી કે તેમણે શું કર્યું છે, ત્યારે હું રીતસર રડી પડી!’
તે સમયે મંજુબહેનની ઉંમર ૮૦ વર્ષની હતી, પરંતુ તેમનું જીવનભરનું સપનું આખરે સાકાર થયું. તેઓ પોતાના જીવનનો આગામી અધ્યાય શરૂ કરવા માટે તૈયાર હતાં.
ગુજરાતી સ્વાદ અને સુગંધ યુકેમાં ફેલાવ્યાં
નૈમેષ કહે છે, જે અંગ્રેજી કેફે હતું તેને ભારતીય રુચિને અનુરૂપ રૂપાંતરિત કરવું મુશ્કેલ કામ હતું, પરંતુ તેમણે તે ત્રણ મહિનામાં કર્યું. આજે મંજુબહેનના બંને પુત્રો રેસ્ટોરાં ચલાવવામાં સંપૂર્ણ રીતે જોડાયેલા છે. બંને રેસ્ટોરાંમાં તેમના મહેમાનોનું સ્વાગત કરે છે અને ઓર્ડર લે છે. તેમની માતા અને તેની બે પુત્રવધૂ દીપાલી અને કિટ્ટી રસોડામાં મંજુબહેનને મદદ કરે છે. એક વાર શરૂ થયા પછી ન તો કોવિડ રોગચાળો, ન તો વરસાદ કે ન લોકડાઉન કામને રોકી શક્યું. મંજુબહેન એક દિવસની પણ રજા નથી લેતાં. તેઓ કહે છે, ‘હું લોકોને ભૂખ્યાં નથી જોઈ શકતી. હું માનું છું કે દરેક વ્યક્તિ પાસે પૂરતું ખાવા-પીવાનું અને ઘર હોવું જોઈએ.’
સપનાં સાકાર થાય છે!
નૈમેષ કહે છે, લોકોના દિલમાં રેસ્ટોરાંનું ખૂબ જ ખાસ સ્થાન છે. ૨૦૧૭માં રેસ્ટોરાંના દરવાજા ખોલ્યા ત્યારથી લોકોનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે. ભારતને બ્રાઇટન સુધી પહોંચાડવાની તેમની સફર અદ્ભુત રહી છે.
જોકે દરેક વ્યવસાય સાથે પડકારો આવે છે અને લંડનમાં મંજુબહેનનો ગુજરાતી રેસ્ટોરાંનો વ્યવસાય અલગ નથી. દીપાલી કહે છે, ‘વધતી જતી કિંમત એક પડકાર છે, પરંતુ પરિવાર યોગ્ય રીતે બિઝનેસ ચલાવવા માટે સાથે ઊભો છે. રેસ્ટોરાં ચલાવવી અઘરી છે, પરંતુ જ્યાં સુધી લોકો અમારું કામ પસંદ કરે છે ત્યાં સુધી અમારી મહેનતનું મૂલ્ય છે.’
જ્યારે પણ મંજુબહેનને રસોઈમાંથી બ્રેક મળે છે અને લોકોને પોતાની ગુજરાતી રેસ્ટોરાંમાં આવતાં જુએ છે, ત્યારે તે ગર્વથી ગદ્ગદ્ થઈ જાય છે. તેઓ કહે છે કે પરિવારને ઉછેરવા માટે, તેમણે પોતાનાં સપનાંને અભરાઈએ ચડાવી દીધાં હતાં, પરંતુ હવે તેમને પોતાના જુસ્સાને વાસ્તવિકતામાં બદલવાની તક મળી છે, જેના માટે તેઓ ધન્યતા અનુભવે છે. અંતમાં હોઠ પર સ્મિત સાથે તેઓ કહે છે, ‘સપનાં સાકાર થાય છે.’

Google search engine