અહંકારમાં એક એવી ખૂબી હોય છે કે તમને ક્યારેય વિશ્ર્વાસ નથી કરવા દેતો કે તમે ખોટા છો

મેટિની

અરવિંદ વેકરિયા

આમ ૧૯૮૫માં ‘તિરાડ’ નાટકનો પ્રથમ શો, બિરલા ક્રીડા કેન્દ્ર-ચોપાટીમાં રજૂ થઈ ગયો. પ્રતિસાદ પણ સારો મળ્યો. પ્રાયોજિત શો કરવામાં કૌસ્તુભ ત્રિવેદીનો ફાળો ઘણો મોટો. હું ભૂલતો ન હોઉં, આ અખતરામાં હજી એની શરૂઆત પણ હતી. બાકી ગુજરાતી ફિલ્મોનો સુવર્ણ-કાળ હજુ ચાલુ હતો એટલે કૌસ્તુભ, ઉપેન્દ્ર ત્રિવેદી સરનાં ફિલ્મોનાં કામમાં ખૂબ બિઝી. ઉપરાંત નટવર પંડ્યાનાં નાટકોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલો હતો જ. એની નટવર પંડ્યા સાથે અનોખી દોસ્તી. આગળ જણાવ્યું એમ ભૌતેષ અને શરદ શર્મા પણ એટલા જ સંકળાયેલા. છતાં ‘તિરાડ’ નાટકના પ્રાયોજિત શોનું આયોજન એ કરતો જ રહેતો. ઘણી વાર અમારે ચર્ચા પણ થતી અને નાનોમોટો દોષ પણ કાઢતા. ચર્ચા અને આરોપ માત્ર સફળ વ્યક્તિના ભાગ્યમાં હોય છે. કૌસ્તુભ આજે સફળ બની ઊભરી આવ્યો છે. એના નિર્માણનું કામ આજ સુધી અવિરતપણે ચાલુ છે. એનો સાથીદાર સંજય ગોરડિયા પણ એ પ્રયાસને આગળ વધારવા કટિબદ્ધ છે. બંને ભાગીદારોની સમજ પણ ગજબ છે કે કોઈને પણ ઈર્ષા થાય. બંનેએ જાણે નક્કી કરી લીધું છે કે આપણો અધિકાર શું છે એ યાદ રાખવાને બદલે આપણી નિર્માણ માટેની ફરજ શું છે એ યાદ રાખીશું તો જ આગળ વધી શકીશું અને એનું પરિણામ આજે નજર સામે એમણે પુરવાર કરી બતાવ્યું છે. જસ્ટ, બ્રેવો! કૌસ્તુભ અને સંજય.
પ્રસ્તુતકર્તા માટે પહેલાં નિર્માતા શોધવા પડતા, પણ હવે તો નિર્માતા પ્રસ્તુતકર્તાને શોધતા આવે છે. હવે તો કામ-બોજ વધી જવાથી કૌસ્તુભે પ્રેમથી ઘણાને ના પણ પાડી દેવી પડે છે. એને પૂરતી સમજ છે કે દુનિયામાં વજનદાર ‘ખાલી’ ખિસ્સું હોય છે જે ચાલવું મુશ્કેલ બનાવે છે અને આ સમજે આજે કૌસ્તુભને દોડતો કર્યો છે.
આગળ ઉપર કહ્યું એમ નટવર પંડ્યા, ભૌતેષ વ્યાસ, શરદ શર્મા… બધા ચર્ની રોડ સ્ટેશન પર હિન્દુજા થિયેટર બંધ થતાં એક નંબરનાં પ્લેટફોર્મ પર બાંકડાની ઉપર બેસતા. પછી દાદર સ્ટેશનના એક નંબરના પ્લેટફોર્મની બહાર ચા પીવાનો વણલખ્યો નિયમ. એ પછી સૌ પોતપોતાના ઘર તરફ પ્રયાણ કરતા. મને ક્યારેક થતું કે આ ચામાં એવું તે શું હશે કે દાદર જઈને પીવાની? સત્ય એ હતું કે ચાનો નંબર આંખો ખોલવામાં બીજો આવે જેનાથી આંખો ખૂલે બાકી દગો અને વિશ્ર્વાસઘાત હજી પણ પહેલા નંબર પર છે અને એ બિલીફને લીધે જ આ લોકોની દોસ્તી રંગભૂમિ માટે મિસાલ બની રહી છે.
હવે, ‘તિરાડ’ નાટકના આંઠેક શો સળંગ થઈ ગયા. એ દરમ્યાન એક નવા નિર્માતા લગાતાર મારી પાછળ પડી ગયા. એમને એક નાટક બનાવવું હતું. મેં કહ્યું કે ‘હમણાં મારું નાટક ‘તિરાડ’ ચાલે છે… એ પછી…’ એ નિર્માતા મને કહે, ‘એ જોઈને જ તમને કહું છું કે પ્લીઝ! મને એક નાટક કરી આપો. મને નાટકનો ઘણો શોખ છે, હવે મારે નિર્માણ કરવું છે, પણ હા, બની શકે એટલા ઓછા બજેટમાં.’ મને થયું આ માણસ આવકથી નહિ, જરૂરિયાતથી ગરીબ લાગે છે.
મેં આ વાત મારા લેખક-મિત્ર રાજેન્દ્ર શુક્લને કરી. મેં એને કહ્યું કે ‘દોસ્ત, ‘તિરાડ’ નાટક આટલું સારું જાય છે, અભિમાન લેવા જેવો પ્રોજેક્ટ સરસ ચાલે છે ત્યાં નવાં ટેન્શન ક્યાં ઊભાં કરવાં!’ મને રાજેન્દ્ર કહે કે ‘દોસ્ત, નવા આવેલા નિર્માતા સાથેનો સંબંધ ન તોડતો. તારા તિરાડ-હિટના ઘમંડને તોડજે.’ પછી કહે, ‘આમ પણ બબ્બે તારીખો થિયેટરની આવી જ જાય છે તો આપણા ‘તિરાડ’ નાટકના કલાકારોમાંથી જ સિલેક્ટ કરી લઈએ. હું અઠવાડિયામાં એવી જ સ્ક્રિપ્ટ લખી આપું છું. પૂરા ખંતથી નાટક કરીશું. નવા નિર્માતાના બજેટને પણ ધ્યાનમાં રાખીશું. એક-બે કલાકારોને આપણા ‘તિરાડ’માંથી લઈશું અને બાકીના એના બજેટને ધ્યાનમાં રાખીને જેથી રિકરિંગ ખર્ચ બજેટમાં જ રહે અને ‘તિરાડ’ સારું ગયું એ નસીબ… પણ એમાં કૂદવા ન મંડાય. અહંકારમાં એક એવી ખૂબી હોય છે કે તમને ક્યારેય વિશ્ર્વાસ નથી કરવા દેતો કે તમે ખોટા છો. આપણે સાચા પુરવાર થવાનું છે. વાત રહી થિયેટરની, તો આપણે એક એક શો વારાફરતી કરતા રહીશું, બંને નાટકો જળવાઈ રહેશે. આમ પણ ‘તિરાડ’ નાટકના સોલ્ડ-આઉટ શો તો આવ્યા જ કરે છે, એટલે ‘એવરેજ’ માટે કલાકારોને વાંધો નહિ જ આવે. તું ખોટો સિક્કો નથી એ માટે તારે ખખડવું તો પડશે. હવે ચિંતા ન કર, હું કાલથી જ ‘બજેટ નાટક’ લખવાનું શરૂ કરી દઉં છું.’
મને ધરપત તો થઈ. ‘તિરાડ’ના ૧૨-૧૫ શો થઈ ગયા. નાટકના કોસ્ચ્યુમ સ્વાભાવિક રીતે સમયાંતરે વોશિંગ માટે અપાતા હોય છે. હર્ષદ ગાંધી, જે તરુણ નાયકની જગ્યાએ આવ્યો હતો તે પોતાનાં ખુદનાં કપડાં દરેક શોમાં સાથે લાવતો. એણે પણ કપડાં વોશ કરાવેલાં. એક શો પૂરો થતાં મને ખૂણામાં બોલાવી કહે કે ‘મેં પણ મારાં કપડાં લોન્ડ્રીમાં આપેલાં જે કાલે આવશે.’ મેં કહ્યું, ‘સરસ!’ તો મને કહે, ‘સરસ નહિ, ધોલાઈના પૈસા તો તું આપીશને?’ મેં કહ્યું કે ‘હાસ્તો. તું તારાં પોતાનાં ઘરનાં કપડાં લઈ આવી નિર્માતાને મદદરૂપ થયો છે તો મારે પણ મારી ફરજ નિભાવવી જ પડે. બોલ, કેટલા પૈસા લોન્ડ્રીના છે?’ એણે જે આંકડો કહ્યો એ સાંભળી હું દિગ્મૂઢ થઈ ગયો. હર્ષદ મને કહે રૂપિયા ૫૫૦/-. તરુણ નાયકનાં નવાં કપડાં ઓછામાં આવેલાં અને હર્ષદનાં ખાલી કપડાંના ધોવાના ૫૫૦/-? મેં કહ્યું કે ‘હર્ષદ આટલા બધા?’ મને કહે કે ‘હું જ્યાં-ત્યાં નથી ધોવડાવતો’ કહી એણે ‘લીચએન-વેબર્ની’નું બિલ મારા હાથમાં પકડાવી દીધું.
મેં કહ્યું, ‘દોસ્ત! રેડીમેડ કપડાં લઈએ તો પણ આટલા ન થાય. હું ધનવંત શાહને કહું છું એ તને આ પૈસા આપી દેશે. હવે તું તારાં પોતાનાં કપડાં ન લાવતો. બીજી વાર ધોવડાવવા કરતાં રેડીમેડ લઈ લઈશું એ સસ્તાં પડશે.’ વધુ વિવાદ એ પછી મેં ન કર્યો. મને ખબર હતી કે (૧૯૮૫માં) આટલા પૈસા તો ન જ હોય… આ સત્ય ખબર હોવા છતાં શાંત રહ્યો. તમે એને મારી મર્યાદાની ખામી કહો કે પછી કલાકારને નિભાવી લેવાની જવાબદારી!
* * *
સમય બદલાય છે જિંદગી સાથે,
જિંદગી બદલાય છે સમય સાથે,
સમય નથી બદલાતો આપણી સાથે,
આપણા બદલાય છે સમય સાથે!
* * *
——————-
પતિ-પત્ની લગ્નમાં જતાં હતાં. ત્યારે રસ્તામાં કારનું ટાયર પંક્ચર થયું. પતિ ટાયર બદલવા તૈયારી કરતો હતો અને પત્નીએ કચકચ શરૂ કરી…
હવા નહોતી પુરાવી?
ટાયર જૂનું હતું?
સ્પેરવ્હીલ બરાબર નથી?
પતિએ હેલ્પ-લાઈન પર ફોન કર્યો. હેલ્પ-લાઈનવાળા આવ્યા અને પૂછ્યું, ‘અમે આપને શું મદદ કરીએ?’
પતિએ કહ્યું, ‘મારી પત્ની સાથે વાતો કરો તો હું શાંતિથી ટાયર બદલી શકું!’

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.