બોલવું અને બોલબોલ કરવું એ બેમાં ફરક છે

78

મેલ મેટર્સ-અંકિત દેસાઈ

સ્પિરિચ્યુઅલ વેલ્થ વિશેની આપણી વાતોમાં આજે વાત કરવી છે. ન બોલવા વિશે કે ઓછું બોલવા વિશે. અગાઉ આપણે મૌન વિશે વાત કરી ગયા. પરંતુ ત્યારે તો આપણે સંપૂર્ણ મૌન વિશે અને એ મૌનના માધ્યમથી આપણી એકાગ્રતા વધારવા કે આપણા ગોલ્સ વિશે વધુ સ્પષ્ટ થવા વિશે વાતો કરેલી. ઓછું બોલવું અને ન બોલવુંનો નિયમ મૌનની ગેરહાજરીમાં લાગુ પડે છે, જ્યારે આપણે પર્સનલ, સોશિયલ કે પ્રોફેશનલ ફ્રન્ટ પર બોલવું જ પડે. અને આવે સમયે આપણે છીએ કે બોલવા અને બોલબોલ કરવા વચ્ચેનો ભેદ સમજી નથી શકતા અને આખરમાં આપણે દુ:ખી થઈએ છીએ.
ઓછું બોલવું કે જરૂર ન હોય ત્યારે બોલવું એ કળા છે. અથવા તો આ એક એવી લાઈફ સ્ટ્રેટેજી છે, જેને આત્મસાત કરવા માટે એફર્ટ્સ આપવા પડે. કારણ કે આપણે તો એમ માનતા હોઈએ છીએ કે બોલીને આપણે ખાલી જવું છે. અથવા બોલીશું તો જ આપણું કામ થશે. અથવા બોલીશું તો જ સામેનો માણસ આપણને કે આપણે સો કોલ્ડ મહાનતાને સમજી શકશે. આ કારણે આપણે સ્વજનો-મિત્રો હોય કે સમાજ હોય કે પછી પ્રોફેશનલ ફ્રન્ટ હોય ત્યાં કારણ વિનાનું, વધારાનું અને આપણે માટે મુસિબતો ઊભી કરે એવું બોલતા હોઈએ છીએ.
આ માટે ગાંધીજી કે હાલના સમયમાં મોરારિબાપુ આપણે શ્રેષ્ઠ ઉદાહરણ છે, જેઓ બોલવાના સમયે ટુ ધ પોઈન્ટ કે અત્યંત પ્રભાવક બોલતા હોય છે. જેમના એક એક શબ્દથી લાખોની મેદનીને કોઈક નવો રસ્તો જડે. પરંતુ જ્યારે તેમણે બોલવાનું નથી હોતું ત્યારે આજુબાજુ એવી જ હજારોની મેદની તેમને સાંભળવા તલપાપડ થઈને બેઠી હોય ત્યારે ય નથી બોલતા. કારણ કે તેઓ શબ્દની કિંમત પણ જાણે છે અને શબ્દ દ્વારા ખર્ચાતી ઊર્જાની કિંમત પણ જાણે છે અને જરૂર ન હોય ત્યારે બોલાતા શબ્દોથી આપણા વ્યક્તિત્વને કેટલી હાની થાય એ વિશે પણ જાણતા હોય છે.
બોલવાનો વખત આવે ત્યારે ખપપૂરતું જ બોલવાનો અભિગમ રાખીએ ત્યારે સૌથી પહેલાં તો એ બાબત બને છે કે આપણું આપણી જાત સાથેનું અનુસંધાન વધુ મજબૂત બનતું હોય છે. કારણ કે વધારા શબ્દો બોલીને આપણે આપણી ઊર્જા વધુ બગડતા હોઈએ છીએ અને આપણું મન હંમેશાં એ શબ્દોની માથાકૂટોમાં વ્યસ્ત રહેતું હોય છે. વળી, આપણે જ્યારે વધારાનું બોલીએ છીએ ત્યારે કંઈ હરિશચંદ્ર બનીને બધા સત્યવચનો જ થોડા ઉચ્ચારતા હોઈએ છીએ? આપણે ત્યારે ફેંકમફેંક કરતા હોવાના. આવા સમયે બાહ્ય રીતે તો આપણે વહેલા કે મોડા મુશ્કેલીમાં મુકાઈએ જ, પરંતુ આપણી જાતને આપણે એ જ ક્ષણે છેતરીએ છીએ, જે ક્ષણે વધારાનું અને ખોટું બોલતા હોઈએ છીએ.
એવા સમયે પણ આપણી જાત આપણાથી વિમુખ તો થાય જ છે. અને જાતની એ વિમુખતા જ પછી આપણી અંદર ઉદ્વેગનો જન્મ થાય છે કે આપણી આંતરીક બળતરાઓની શરૂઆત થતી હોય છે. એના કરતા જો આપણે ઓછું બોલવામાં કે ખપપૂરતું જ અને એ પણ સાચું અને સારું બોલવામાં એફર્ટ્સ આપીશું તો આપણું અંતર વધુ સમૃદ્ધ થશે અને આપણે વધુ નક્કર થઈશું. આપણે કારણ વિના ખુશ રહેવાની કે આનંદિત રહેવાની પ્રક્રિયામાં આપોઆપ ધકેલાઈ જઈશું. જેનાથી આપણને આસપાસનું બધુંય અને આપણું જીવન હર્યુંભર્યું લાગશે. હાલમાં આપણને જે કંઈ વ્યર્થ લાગે છે એ વ્યર્થતાને આપણે આપણા ઓછું બોલવાના અભિગમથી જ બદલી શકીએ એમ છે.
અને આ તો ઓછું બોલવાનો અધ્યાત્મિક દૃષ્ટિકોણ છે. આ અભિગમના ભૌતિક લાભો પણ ઘણા છે, જેમાંનો સૌથી મોટો લાભ એ છે કે આપણે જીવનભર કેટલીક વેચાતી લડાઈ કે ફાલતું ગોસીપ્સથી દૂર રહીએ છીએ અને આપણા સર્કલમાં આપણો એક આગવો પ્રભાવ કે દબદબો ઊભો થાય છે. આખરે આપણે લવારો નથી કરતા! ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!