દરબારે ઇલાહીમાં દેર છે, પણ અંધેર નહીં રાઝે હસ્તી કે રાઝદા થે હમ, જબ ઝમાને મે હુકમરાં થે હમ

વાદ પ્રતિવાદ

મુખ્બિરે ઈસ્લામ – અનવર વલિયાણી

ઇસ્લામી ખીલાફત (સત્તા) કાળનો એ શાનદાર દૌર હતો. મલિકશાહ સલ્જુકી નામના એક ઘણા મોટા દરજજાના ન્યાયપ્રિય બાદશાહ સિંહાસન પર આરૂઢ હતા. શક્તિશાળી મુસલમાન શાસકોની હરોળમાં તેમને અસામાન્ય દરજજો પ્રાપ્ત હતો. કુવ્વત (આવડત, કૌશલ્ય), અસર (પ્રતિભા) જાહોજલાલી, શાનો શૌક્ત તથા અઝમત (મહાનતા)માં તેમની ગણના જગતના ઉચ્ચ દરજજાના બાદશાહોમાં થતી. બાદશાહો તો ઘણા થઇ ગયા. પણ આવા પ્રતિષ્ઠિત બાદશાહની તોલે ઘણા ઓછા આવે છે. આમ છતાંય આ પ્રતિભાશાળી તથા શક્તિશાળી બાદશાહમાં ખુદાનો ખૌફ (ડર) ઘણો વસેલો હતો. રાજકારણ હોય કે અંગત જીવન તેમના હૈયે-હોઠે- વ્યવહારમાં સદા રબનો ખૌફ સામે રાખતા.
એક સમયની વાત છે. ઘણી શાનોશૌકતથી બાદશાહની સવારી નીકળી. આજુબાજુ ઘોડેસ્વાર સિપાહીઓ હતા. સવારી એક પુલ ઉપર આવતાં એક વૃદ્ધ મહિલાએ શાહ સલ્જુકીને અવાજ આપ્યો. શાહ સવારી એકદમ થંભાવી દીધી. જૈફ મહિલાએ પાસે આવી શાહને કહ્યું કે, મારી અને તમારી વચમાં આ પુલ ઉપર ન્યાય કરવા માગો છો કે કાલે કયામતના દિવસના સિરાત (પુલ) ઉપર ન્યાય કરવા માગો છો? વૃદ્ધ મહિલાના આ શબ્દો સાંભળી શાહને પરસેવો છૂટી ગયો. તરત જ ઘોડા ઉપરથી નીચે ઊતરી જવાબ આપ્યો કે, માજી! પુલ સિરાત ઉપર જવાબ કે ન્યાય આપવાની શક્તિ કોનામાં છે? તમારી અને મારી વચમાંનો વ્યવહાર આ પુલ ઉપર જ પતી જાય એ ઉત્તમ છે…! વૃદ્ધ મહિલાએ કહ્યું કે, તમારા સિપાહીઓ મારી ગાય પકડી કાપી ખાય ગયા છે. એ બાબતમાં દાદ માગું છું. બાદશાહે તરત જ વૃદ્ધ મહિલાને ગાયની કિંમત મંત્રીને કહીને ચૂકવી દીધી અને જવાબદાર સિપાહીઓને સજા કરવા હુકમ કર્યો.
એ જ પ્રમાણે ઇલ્મ એટલે કે વિદ્યા, જ્ઞાનનું અને એની અઝમત (મહાનતા)નું છે, જે આ પ્રસંગ પરથી જાણવા મળે છે:
એક ધનવાન યુનાન રાજ્યના એક હકીમ વિદ્વાન પાસે પહોંચ્યો અને એને કહ્યું કે, તમે મારા બાળકના શિક્ષણ, ઘડતર અને દેખરેખની જવાબદારી તમારા હસ્તક લઇ લો.
હકીમે પૂછયું, વળતર શું આપશો?
ધનવાન વ્યક્તિએ સામો પ્રશ્ર્ન કર્યો, તમે જ કહો કે શું લેશો?
હકીમે જવાબ આપ્યો, પાંચસો સોનાના સિક્કા.
આ સાંભળીને ધનવાન શખસનો મિજાજ બદલાઇ ગયો. એણે એ રકમ વધારે છે એમ માનતા કહ્યું, એટલી રકમથી તો હું કમસે કમ એક ગુલામ ખરીદી શકું છું.
ધનવાનની વાત સાંભળીને હકીમે કહ્યું, જરૂર ખરીદી લો, જેથી તમે બે ગુલામોના માલિક બની જાઓ. એટલે કે એક નવો ગુલામ અને એક આ તમારો દીકરો! કેમ કે, જાહિલ (અજ્ઞાન) ધનિક પણ જહાલત (અજ્ઞાનતા) નો ગુલામ હોય છે.
વ્હાલા વાચક મિત્રો! ઉપરોક્ત બંને પ્રસંગો પુરવાર કરે છે કે નેક દિલીમાં મુસલમાનોનો દરજજો અવ્વલ હતો. ઉર્દૂ ભાષાના એક કવિની આ પંક્તિો કેટલી સૂચક-શાનદાર છે.
‘મિસ્રો-રૂમા’કી ઝાત સે પૂછો
‘નીલ,’ ‘દજલા,’ ‘ફુરાત’ સે પૂછો
આલમે શશ જહાત સે પૂછો
રાઝે હસ્તી કે રાઝદાં થે હમ
જબ ઝમાને મેં હુકમરાં થે હમ
બેશક! એ એવો યુગ હતો કે જગતભરમાં મુસલમાનો જ્ઞાન-વિજ્ઞાન, વેપાર-તીજારત, બુદ્ધિ-કૌશલ્ય, ઇમાનદારી-નેકદિલીમાં આલમે ઇન્સાનમાં ઉદાહરણ હતા.
* શું આવો સમય પાછો આવવો ભૂતકાળ જ બની જશે?
* કુરાન મજીદ, શરીઅત, હદીસ શરીફ પરનો એ સમયે થતો સાચા અર્થમાં અમલ પર ન ચાલવાના કારણે કયામત (પ્રલય)ના આ છેલ્લા દૌરમાં જીવમાત્રને પાયમાલ કરી દેશે?
* શીઆ-સુન્નીમાં વહેંચાએલા ૭૨-૭૩ ફીરકાની પાંચસો કરતા વધુ જમાતો પોતે જ સાચા, સન્માર્ગે ચાલનારા, હિદાયત (ધર્મની સાચી સમજ) ધરાવનાર હોવાના મતભેદમાંથી હવે ક્યારેય બહાર નહીં આવે?
* આ અને આવા અનેક તર્કો બાંધ્યા વગર એક અલ્લાહ, એક કુરાન, એક હદીસ, એક શરીઅત જેવી પાયાની વાત પર, સાચા અર્થઘટનો કાઢી, સૌ એક બની, નેક બની અમલ કરવાનો સંકલ્પ દરવાજે દસ્તક દઇ રહ્યો છે.
બોધ
ઇસ્લામના આ તકાજાને વિસરશો નહીં.
* જીવ માત્ર સાથે સંપીને રહો.
* ભાવવધારાના આશયથી માલનો સંગ્રહ કરો નહીં.
* તોલમાપમાં બેઇમાની કરવાથી દૂર રહો.
* પાડોશી પછી તે કોઇ પણ જ્ઞાતિ-જાતિનો
કેમ ન હોય, પોતાના કુટુંબીજન જેવો તેને લેખો-વ્યવહાર કરો.
* અમાનત (મૂકેલી થાપણ) પર ખયાનત (વિશ્ર્વાસઘાત) ન કરો.
યાદ રાખો
* વિશ્ર્વ શાંતિ માટે ઇસ્લામી નિયમોનો અભ્યાસ અનિવાર્ય જરૂરી છે.
* એક મુસલમાનની ખ્વાહિશ (ઇચ્છા)ની વાસ્તવિકતા એ હોવી જોઇએ કે તે અલ્લાહને હાજરનાજર (મૌજુદ) હોવાની હકીકતને નજર અંદાજ ન કરે.
* દરબારે ઇલાહીમાં દેર છે, પણ અંધેર નથી જ.
કબીર સી. લાલાણી
* * *
ઇસ્લામનું ઉપવન
આજથી ૧૪૦૦ વર્ષ પૂર્વે અલ્લાહતઆલાએ તેના પ્યારા પયગંબર પર ઉતારેલ કુરાન મજીદનાં સંબોધેલા વાક્યોનું સ્મરણ કરવા-આચરણ- વ્યવહારમાં ઉતારવાનો આ છેલ્લો સમય દરવાજે આવીને ઊભો રહી ગયો છે : પવિત્ર કુરાન ફરમાવે છે કે,
‘… અને તે લોકો કે જેમણે પોતાના દીનને કેવળ રમતગમતનું સાધન બનાવી રાખ્યું છે, અને આલોકના જીવને તેમને ધોકો આપ્યો છે તેમને તેમની સ્થિતિ પર છોડી દે, અને તે કુરાન દ્વારા બોધ આપતો રહે કે જેથી એમ ન થાય કે કોઇ વ્યક્તિ કયામત (ન્યાય)ના દિવસે પોતાની કરેલી કમાણીઓના કારણે આપત્તિમાં સપડાઇ જાય, તે વખતે અલ્લાહના સિવાય તે વ્યક્તિનો હિમાયતી કે ભલામણ કરનારો કોઇ પણ બનશે નહીં, અને અગર તે ગમે તેવો મહાન બદલો આપવા ચાહશે તો તે પણ તેના તરફથી સ્વીકારવામાં આવશે નહીં, અને તેઓ સમજે છે કે જેઓ ઇનકાર કર્યા કરતા હતા. તેને કારણે તેમના માટે ઉકળતા પાણીનું પીણું અને દુ:ખદાયક અઝાબ હશે….!’ ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.