ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી

ઓ પ્રિયે! પરિકરના જેવું આ જીવન છે આપણું,
બે જુદાં શિર છે પરંતુ એક તન છે આપણું,
વર્તુળો રચવા લગીની છે જુદાઈની વ્યથા,
કાર્ય પૂરું થઈ જતાં સ્થાયી મિલન છે આપણું.
– ઉમર ખય્યામ
——
ગુલાબની ધરતી ઈરાનમાં અગિયારમી સદીમાં જન્મેલા વિશ્ર્વવિખ્યાત અને અધ્યાત્મરંગી શાયર ઉમર ખય્યામની કેટલીક રૂબાઈઓનો અનુવાદ ઓગણીસમી સદીમાં જન્મેલા એડવર્ડ ફિટ્ઝરાલ્ડે કર્યો તે પછી ખાસ કરીને પશ્ર્ચિમના દેશોમાં આ રૂબાઈઓની ધૂમ મચી ગઈ અને ઉમર ખય્યામના નામ અને કામનું ત્યાંની પ્રજાને ઘેલું લાગ્યું.
ખય્યામની રૂબાઈઓના ભાવાનુવાદો કેટલીયે વિશ્ર્વ ભાષાઓ ઉપરાંત કેટલીક ભારતીય ભાષાઓમાં પણ થયા છે. મૂળ ફારસી ભાષામાં લખાયેલી ચાર પંક્તિની રૂબાઈઓનો અનુવાદ સંસ્કૃત ભાષામાં પણ થયો છે. વળી ખય્યામની રૂબાઈઓના ગુજરાતી ભાષામાં લગભગ ૧૪ જેટલા અનુવાદો પ્રસિદ્ધ થયા છે. સૌરાષ્ટ્રના લીંબડીના શ્રી ભૂઘરદાસ ગણેશજી દુબળે ખય્યામની રૂબાઈઓનો ગુજરાતી અનુવાદ ઈ.સ. ૧૯૨૭માં પ્રગટ કર્યો હતો. સર્વશ્રી શશીકાંત નીલકંઠ, હરિલાલ દ્વારકાદાસ સંઘવી, હીરાચંદ ક. ઝવેરી, પ્રો. રજનીકાન્ત પંચોલી, અબ્બાસ મુલ્લા નજરઅલી રાજકોટવાળા વગેરેએ પણ ખયૈમના જીવનચરિત્ર સાથે તેની રૂબાઈઓ ગુજરાતી ભાષામાં ઉતારી છે. તો વિખ્યાત કવિ હરિવંશરાય બચ્ચને ‘ખય્યામ કી મધુશાલા’ અને ‘માદક પ્યાલા’ નામે પુસ્તકોમાં ખય્યામની રૂબાઈઓનો હિન્દી ભાષામાં અનુવાદ કર્યો છે. તેની કેટલીયે આવૃત્તિઓ પ્રગટ થઈ ચુકી છે. જાણીતા ગુજરાતી શાયર શ્રી શૂન્ય પાલનપુરીએ ખય્યામની ૧૬૦ જેટલી ફારસી રૂબાઈઓનો સીધો ગુજરાતી અનુવાદ ઈ.સ. ૧૯૭૩માં જાતે પ્રગટ કર્યો હતો. આ સચિત્ર પુસ્તકને ઘણી લોકપ્રિયતા મળી છે.
ઉમર ખય્યામના જીવનની વિગતો તરફ નજર દોડાવીએ તો તેમનું અસલ નામ ગ્યાસુદ્દીન અબુલ ફત્હ ઉમર હતું. તેમના પિતાનું નામ ઈબ્રાહીમ હતું. ખય્યામના માતા-પિતા બલ્ખમાં વસતી સૂફી કૌમનો જાતે અફઘાન હતા. એમના પૂર્વજોનો વ્યવસાય તંબુઓ સીવવાનો હતો. ખય્યામનો અર્થ પણ તંબુ સીવનાર થાય છે. ઉમર ખય્યામ એક રૂબાઈમાં પોતાના વ્યવસાય અંગે નીચે પ્રમાણે સંકેત કર્યો છે:
જ્ઞાન-તંબુ જેણે સીવ્યા એ ઉમર ખય્યામ તો,
ગમની ભઠ્ઠીમાં અચાનક એક દી’ સળગી ગયો;
કાળ- કાતરથી કપાયાં એની વયનાં દોરડાં,
યમ-દલાલોએ કરી દીધો વગે પણ ક્યારનો.
‘શૂન્ય’ના પુસ્તકનો સંદર્ભ ટાંકીને કહીએ તો નીશાપુર ખોરાસાનું પ્રાચીન અને ખ્યાતનામ નગર હતું. એક જમાનામાં વિદ્યા-શિક્ષણ માટે આ શહેર જાણીતું બન્યું હતું. એમ કહેવાય છે કે આ શહેર વસેલું છે ત્યાં પહેલાં વાંસનું વન હતું. એક વખત ઈરાનનો સમ્રાટ શાપૂર ફરતો ફરતો આ સ્થળે આવી પહોંચ્યો. તેને એ પ્રદેશ ખૂબ જ ગમી ગયો. સમ્રાટે જંગલ સાફ કરીને શહેર વસાવવાનો હુકમ કર્યો. એ નવા વસેલા શહેરનું નામ સમ્રાટના નામ પરથી નૈશાપુર કે નીશાપુર પડયું. ફારસી ભાષામાં ‘નય’નો અર્થ ‘વાંસ’ થાય છે. નવમી સદીમાં તેની ખૂબ જાહોજલાલી હતી. રૂ અને રેશમના વેપારનું એ મોટું મથક હતું. પણ તૂર્કોના આક્રમણથી તેની બરબાદી થઈ. પરંતુ અમુક સમય પછી તે ફરીથી આબાદ થયું.
બધા ઈતિહાસકારો એ વાત પર સંમત થયા છે કે ખય્યામનું મૃત્યુ તબરેઝ નામના શહેરમાં થયું હતું. મૃત્યુ વખતે તેમની ઉંમર આશરે ૧૦૯ વર્ષની હતી. હાલના શહેર નીશાપુરના પૂર્વ દિશામાં આવેલા ખંડેરોમાં એક વેરાન મસ્જિદ પાસે એમની કબર મોજૂદ છે. આ કબરનો જિર્ણોદ્ધાર ઈરાનના વર્તમાન સમ્રાટના પિતાએ ઈ.સ. ૧૯૩૪માં કરાવ્યો હતો.
ખય્યામ માટે એવું બન્યું છે કે તેમના અવસાન પછી એમના જીવનચરિત્રમાં જાતજાતની દંતકથાઓ ઉમેરાતી ગઈ. એમની માન્યતા ફિલસૂફી અને ધાર્મિક વલણ અંગે પણ આવું જ બન્યું છે. ખય્યામને કોઈએ સુરાભક્ત, કોઈએ પાકા મુસલમાન તો કોઈએ વિધર્મી પણ કહ્યાં.
જે રૂબાઈ પરથી તેમના વિશે કલ્પના – અનુમાન કરાયેલી છે તે જુઓ:
ના ગણો અમને મુસલમાં, ઈશ્કના કાફર છીએ,
તન ભલે કમજોર છે પણ મનના જોરાવર છીએ;
ભરબજારે વેચતા ફરતા નથી ઈમાનને,
દિલના મોઘાં રત્ન કેરા શાહ સોદાગર છીએ.
ખરું જોતાં તો આ રૂબાઈ પાખંડીઓ-દંભીઓ પર પ્રહાર કરવા, ખુલ્લા પાડવા લખાઈ હશે એમ મનાય છે.
ખય્યામની રૂબાઈઓ ઘણી જ ગહન છે. તેમાં રજૂ થયેલું તત્ત્વજ્ઞાન ભારતીય તત્ત્વજ્ઞાનને મળતું આવે છે. ખય્યામ વેદાંતી શાયર છે એવો તેમાં ભાસ થાય છે:
તારું મન ચાહે તો જઈ નેપથ્યમાં સંતાય તું,
રંગમાં આવે તો જગના મંચ પર દેખાય તું;
તારી આ દર્શનની લીલા સ્પષ્ટ છે દીવા સમી,
દૃશ્ય તું, અદૃશ્ય તું, દૃષ્ટિ ય તું, દૃષ્ટા ય તું.
ખય્યામનું ખરું સ્વરૂપ એ હતું કે તેઓ આધ્યાત્મિક કવિ અને ખૂબ જ વિદ્વાન પણ હતા.
સુરા, સાકી, જામ, સુરાલયના પ્રતિકો તો પરંપરાગત છે. અલ્પ જ્ઞાન ધરાવતા કવિઓ-વિવેચકો એવું માને છે કે ખય્યામ શરાબી હતા અને એમાં જ તરબતર રહેતા હતા. પણ આ બાબત સત્યથી વેગળી છે નીચે ટાંકેલી રૂબાઈઓ આ સંદર્ભમાં તપાસવા જેવી છે –
બુદ્ધિના પ્યાલે ભરીને લાગણી, પીતો રહે,
છે સુરાલય જિંદગીનું, જિંદગી પીતો રહે;
કોઈની આંખોથી આંખો મેળવી પીતો રહે,
દિલનાં અંધારા ઉલેચી, રોશની પીતો રહે.
સાંભળી એક દી’ સુરાલય દ્વાર પર
એવી પુકાર:
“જાગ ઓ પાગલ શરાબી ક્યારની થઈ છે સવાર!
એ પ્રથમ કે પાત્ર ખૂટી જાય આવરદા તણું,
પ્રેમથી પ્યાલાં ભરીને લૂંટીએ જીવન-બહાર.
ખય્યામની રૂબાઈઓમાં પ્રકૃતિ-નિસર્ગનું કલ્પનાસભર વર્ણન થતું માણવા મળે છે. સૂર્યનાં કિરણોને ‘ઝળહળતા શરાબ’ની ઓળખ આપી શાયરે કમાલ કરી છે જુઓ:
ફૂલના મુખ પર હજુ લ્હેરે છે સંધ્યાનો નકાબ,
ચૂમવા એને મથે છે વાદળોથી આફતાબ;
આવ! ઓ ઘેલી પ્રિયા, નીંદરની આ વેળા નથી,
રોશની ભરીએ જીવનમાં પીને ઝળહળતો શરાબ.
——-
બાદશાહ હોય કે ફકીર, જ્ઞાની હોય કે અજ્ઞાની, પુરુષ હોય કે પછી મહિલા-જન્મતાવેંત જ તેની વિદાયનો દિવસ પણ નક્કી થઈ જતો હોય છે. આમ જિંદગી કાયમની હોતી નથી. જીવન ક્ષણભંગુર છે તે વિશેનું ચિંતન આ શાયરની રૂબાઈઓમાં પીરસાયું છે. આપણે સૌ-સમગ્ર માનવજાત આ ધરતીના મુસાફર માત્ર છીએ. એથી વિશેષ કશું જ નથી વાંચો:
ધાર કે સૌની છે ભારોભાર આ ધરતી બધી,
જર જવાહરની નથી એના ખજાનામાં કમી;
કિંતુ નિર્જનમાં વરસતા હીમ પેઠે આ જગે,
તું અતિથિ ચે ઘડીભરનો કશું તારું નથી.
——-
કાળની કરડી નજરથી કોઈ બચી શકતું નથી. આ એવું સત્ય છે જે ક્યારેય કોઈ સંજોગોમાં બદલાતું નથી. જીવન નશ્ર્વર છે તેની વાત શાયર કેવી રીતે માંડે છે તે જુઓ:
શું કુબેરો? શું સિકંદર ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે,
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી;
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.
———
તેમની રૂબાઈમાં પ્રિયતમાની આંખો-પાંપણોનું સુંદર વર્ણન થયું છે. શાયરની કલ્પના ક્યાંથી ક્યાં પહોંચી છે તેનો નમૂનો જુઓ:
ચાલતાં પગમાં જે કુણાં કંટકો ભોંકાય છે,
મુજને એમાં કો’ પ્રિયાની પાંપણો દેખાય છે;
હોય જેમાં કર વઝીરોનાં, સુરો સુલ્તાનના,
એ જ ઇંટોથી મહેલના કાંગરા સર્જાય છે.
બગીચાનાં રંગબેરંગી, સુગંધી ફૂલો હંમેશાં મીઠું સ્મિત વેરતાં હોય છે. એ જ તેની ઓળખાણ છે, એ જ તેનું જીવન છે. ફૂલોને આપણે ક્યારેય રડતાં જોયાં છે ખરાં? નીચેની રૂબાઈમાં નાનકડી કથા અને વ્યથા છુપાયેલી છે:
ફૂલ કે’ છે, ‘કેટલું સુંદર છે આ મારું વદન?
તે છતાં દુનિયા કરે છે આટલું શાને દમન?’
દિવ્ય-ભાષી બુલબુલે દીધો તરત એનો જવાબ,
‘એક દી’ના સ્મિતનો બદલો છે વર્ષોનું રુદન!’

Google search engine