એક તરફ સરકાર દરેક જીલ્લામાં મેડીકલ કોલેજ શરુ કરવાના વાયદાઓ કરી રહી છે ત્યારે બીજી તરફ ગુજરાતની મેડીકલ કોલેજોમાં ટીચિંગ સ્ટાફની જગ્યાઓ ખાલી પડી છે. ગુજરાત સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું હતું કે સરકારી મેડિકલ કોલેજોમાં 30.7% ટીચિંગ પોસ્ટ્સ ખાલી છે.
ગુજરાત રાજ્યના આરોગ્ય પ્રધાન રૂષિકેશ પટેલે નવસારીના વિધાનસભ્ય રાકેશ દેસાઈએ પુછેલા પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું હતું કે ગત વર્ષે ગુજરાતમાં PG મેડીકલની માત્ર 8 બેઠકો જ મંજુર કરવામાં આવી હતી. આ આઠ બેઠકો પૈકી ચાર બેઠકો પાટણ જિલ્લાના ધરમપુરમાં, ત્રણ બેઠકો હિમતનગરમાં અને એક બેઠક વલસાડમાં મંજૂર કરવામાં આવી છે. સરકારે ગયા વર્ષે 39 PG સીટો માટે અરજી કરી હતી. સરકાર વધુ બેઠકો માટેની મંજૂરી અંગે આશાવાદી છે.
પાટણના વિધાનસભ્ય કિરીટ પટેલના પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું કે સરકારી મેડિકલ કોલેજોમાં 30.7% ટીચિંગ પોસ્ટ્સ ખાલી છે. 2,153ની મંજૂર સંખ્યામાંથી 661 જગ્યાઓ ખાલી છે. સૌથી વધુ સ્ટાફની અછત જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજમાં છે, જ્યાં 325માંથી 133 ટીચિંગ પોસ્ટ્સ એટલે કે 41% સ્ટાફની અછત છે. અમદાવાદની મેડીકલ કોલેજમાં ટીચિંગ સ્ટાફની અછત સૌથી ઓછી 19% છે જ્યાં 442 મંજૂર જગ્યાઓમાંથી 85 જગ્યા ખાલી છે.
13 GMERS કોલેજોમાં 1,784 ટીચિંગ પોસ્ટ્સની મંજૂર સંખ્યા સામે, 823 એટલેકે 46.1% જગ્યા ખાલી છે. આ 13 કોલેજોમાંથી પોરબંદરની કોલેજની સ્થિતિ સૌથી ખરાબ છે જ્યાં 95 મંજૂર પોસ્ટમાંથી 78 એટલે કે 82.1% જગ્યા ખાલી છે. ત્યારબાદ આવે છે ગોધરા, જ્યાં મંજુર 95 માંથી 75 જગ્યાઓ એટલે કે 79% બેઠકો ખાલી છે. હિમતનગરમાં મંજૂર 136 જગ્યાઓ માંથી 36 એટલે કે 26% બેઠકો ખાલી છે. અમદવાદના સોલામાં આવેલી GMERS કોલેજમાં 195 મંજૂર પોસ્ટ્સમાંથી 66 (33.9%) જગ્યા ખાલી છે. વડોદરાના ગોત્રી ખાતે આવેલી GMERS કોલેજમાં 192 મંજૂર પોસ્ટમાંથી 63 એટલે કે 32.81% ખાલી છે.