માનસ મંથન -મોરારિબાપુ
ગુરુગીતા હાથમાં આવે તો પાઠ કરજો. ગુરુના સાત પ્રકાર બતાવ્યા છે. ભગવાન શંકરે આ કથા પાર્વતીને કૈલાસ પર કહી છે. સૂતજીને બધા મુનિઓએ પ્રશ્ર્ન પૂછ્યો છે કે અમને ગુરુગીતા સમજાવો ને પછી સૂતજી કહે છે જે કૈલાસમાં ભગવાન શંકર પાર્વતીને સમજાવે છે, એમાં સાત પ્રકારના ગુરુઓની વાત છે.
સૂચક ગુરુ: પહેલો ગુરુ એ સૂચક ગુરુ. આનો અર્થ છે ખાલી શબ્દો, અક્ષરો, શબ્દોનો વૈભવ, વાણીનો વૈભવ, વાક્પટુતા, વાણીનો વિલાસ બહુ, પણ અનુભવ નહિ. બોલે એટલું સરસ કે આંજી દે, પણ એ વાણી પાછળ હૃદય ન હોય, એને ગુરુ ગીતામાં વર્ણ અને અક્ષર પાછળ આળોટતા સૂચક ગુરુ કહ્યા છે.
વાચક ગુરુ: તમને વર્ણાશ્રમ ધર્મ સમજાવે, ધર્મ શું કહેવાય, અધર્મ શું કહેવાય? એ શાસ્ત્રમાંથી ખોલી ખોલીને દૃષ્ટાંતો આપી સમજાવે, જેને શંકર ભગવાને વાચક ગુરુ કહ્યા છે. પહેલા કરતાં સારો. પેલો તો એણે બધું ગોખી લીધું છે, કોઈનાં પુસ્તકો વાંચીને, કેસેટો સાંભળીને, અહીંથી, તહીંથી લઈને પછી પોતાને નામે ચડાવ્યું છે. આ બધા સૂચક ગુરુ છે. વાચક ગુરુ સરસ છે. આપણને આપણો વર્ણાશ્રમ ધર્મ સમજાવે કે તમે આ ધર્મના છો માટે તમારું જીવન આવું હોવું જોઈએ. ધર્મ આમ કહે છે, અધર્મ આ છે, સારી વાતો કહે, વાચક ગુરુ છે.
શાંત રહો, પ્રસન્ન રહો, એ સંન્યાસીનું લક્ષણ છે. વાનપ્રસ્થનો એક જ ધર્મ-નિયમ પાળવો. નિયમ છોડી દે તો વાનપ્રસ્થાશ્રમ ગયો. તપશ્ર્ચર્યા, તપ, નિયમ વ્રત આદિ જાળવે. હવે મારે આટલા જપ રોજ કરવા જોઈએ, હવે મારે એક વખત જમવું જોઈએ, મારે આટલી જ નિદ્રા લેવી જોઈએ, ઘરની ચાવીઓ બધી છોકરાઓને આપી દેવી જોઈએ, હવે કોણ આવ્યું, કોણ ગયું, એમાં મારે માથું ન મારવું જોઈએ. હવે વેવાઈ આવે તોયે એને કહેવાનું કે તું મને બહુ મળતો નહિ! આ સંસારમાં મને ઘણાં ઘણાં પાત્રો ગમે. એમાંનું એક પાત્ર છે વેવાઈ. બે વેવાઈને જોઉં એટલે હું બહુ રાજી થાઉં. પછી હું રાહ જોતો હોઉં કે ક્યારે બાઝે? આનંદ એટલા માટે આવે છે, શરૂ શરૂમાં વેવાઈ મળતા હોય ત્યારે એવા બાઝે કે આપણને લાગે કે પોલીસ આમને છૂટા પાડવા બોલાવવી પડશે. એમાં પચાસ વર્ષનો થાય, એટલે એનાં સંતાનો યુવાન થઈ જાય. લગભગ એમને પરણાવી દીધાં હોય, એને ઘરે પણ લગભગ બાળકો થઈ ગયાં હોય, માણસની પચાસ વર્ષની ઉંમરે એ ‘દાદા’ બની ગયા હોય, પછી એણે વ્રત-નિયમો પાળવાનાં. પછી બધું છોકરાઓને સોંપી દેવાનું. પચાસ, પંચાવન, અઠ્ઠાવન, દેશમાં અઠ્ઠાવને રિટાયર થાય છે. બે વર્ષ વધારું સાઠ, જાઓ લ્યો, પણ પછી બધાં સગાંઓને કાગળ લખી નાખવો જોઈએ એ હું હવે ગુજરી ગયો છું. મને હવે કોઈ રિસેપ્શનમાં કે પ્રસંગોમાં બોલાવશો નહિ. મારી ઈચ્છા થશે તો હું આવીશ, ખોટું લગાડતા નહિ.
રુપખ્રગળરુપ ડળ્રુઇંજર્પીં બોલ્યું-ચાલ્યું માફ, પચાસ વર્ષમાં જે કંઈ થયું હોય એ માફ કરજો, પછી હરિભજો. પચાસ-સાઠ વરહ સુધી પહોંચે, એણે તો ઈશ્ર્વરનું ઋણ અદા કરવું જોઈએ કે હે પ્રભુ! તેં મને સાઠ વરહ સુધી પહોંચાડી દીધો, હવે ખબર નહિ ક્યારે આંખ બંધ થઈ જાય? મારે હવે હરિ ભજન સિવાય બીજું કશું હોય નહિ, આ નિર્ણય કરવો. નિયમ નિભાવવો, એ વાનપ્રસ્થીનો ધર્મ છે. શાંત રહેવું એ સંન્યાસીનો ધર્મ છે. દાન આપવું એ ગૃહસ્થાશ્રમીનો ધર્મ છે. પૈસા હોય તો મંદિરનું કામ થાય છે એમાંય કોઈ ભગવાન પ્રેરણા કરે એમ દીનને, ગરીબને દાન આપો. પૈસા ન હોય તો વસ્ત્રનું દાન કરો, વસ્ત્ર ન હોય તો સારા શબ્દોનું દાન કરો, આવો, આવો, મારા બાપ, બેસો. મીઠી વાણીનું દાન કરો, સન્માનનું દાન કરો, કોઈએ તમારું ખરાબ કર્યું હોય તો ક્ષમાનું દાન કરો. મનુસ્મૃતિમાં તો કહ્યું છે કે કંઈ નહિ તો પાણીના પ્યાલાનું, દર્ભના આસનનું દાન કરો. માણસે એક સંકલ્પ કરવો જોઈએ કે મારે રોજ કંઈક દાન કરવું છે. દાન એટલે રૂપિયાનું જ નહિ, રૂપિયાનું કરો તો એ સારી વાત છે કંઈ નહિ આપો તો તમારે સંકલ્પ કરવો કે ચોવીસ કલાકમાં એક રામાયણની ચોપાઈ મારે કોઈને સંભળાવવી, એક ગીતાનો શ્ર્લોક સંભળાવવો.
મોહન, મારણ, વશીકરણ, ઉચાટના આવા મંત્રો શીખવે એ નિષિદ્ધ ગુરુ છે. જે તંત્રમાં, ચમત્કારોમાં ફસાય છે, ઉચાટન, મારણ, તાડન અહીંથી નારિયેળ કાઢે, અહીંથી કંકુ કાઢે. કેવળ પોતાની તાંત્રિક વિદ્યાથી ભ્રમિત કરે, એ બધા નિષિદ્ધ ગુરુ. એવા ગુરુ કોઈ દિવસ કરવા નહિ.
શંકરને પાર્વતીએ પ્રશ્ર્ન પૂછ્યો છે કે નિષિદ્ધ ગુરુ કરે તો સાધકને કેવું ફળ ભોગવવું પડે? ખરાબમાં ખરાબ ફળ મળે. ઘણા મારી પાસે આવે કહે, આવા ગુરુ મારા થઈ ગયા છે, હવે મુકાય કે કેમ? નિષિદ્ધને તો મૂકી દેવાય, ફેંકી દેવાય, તમને ડરાવી દીધા હોયને કે આમ કરશો તો આવું થઈ જશે, તમે ડરી ગયા હો… પણ શાસ્ત્ર ના પાડે છે. શ્રદ્ધા કોને કહેવાય? શ્રદ્ધાની વ્યાખ્યા શી? શ્રદ્ધા એટલે અપરોક્ષ અનુભૂતિ, ભગવાન શંકરાચાર્ય બોલ્યા છે. શ્રદ્ધા કોને કહે છે? વેદ અને પોતાના ગુરુ એ બંનેના વચનમાં ભક્તિ, પૂરો વિશ્ર્વાસ એને શંકરાચાર્ય શ્રદ્ધા કહે છે. ભક્તિ એટલે જેનામાં શ્રદ્ધા થાય એનું નામ શ્રદ્ધા. શાસ્ત્ર કહે છે એવા નિષિદ્ધ ગુરુને છોડી શકાય, એમાં એનુંય હિત છે. ખોટાં કામ કરતો બંધ થાય. હવે તો બધા ગુરુઓ કંઠીના ઢગલા લઈ આવે છેને? તમે ગયા નથી ને કંઠી ગળામાં નાખી દે છે! આમાં કળિયુગનો પ્રભાવ છે. આટલા ભણેલા-ગણેલા ને છતાં તમે કેમ સમજતા નથી કે આ પરાણે કંઠી ગળામાં નાખવાની, આ કોઈ ધર્મપ્રચાર છે? બાપ! ભારત અદ્ભુત છે! આ દેશ મહિમાવંત છે સાહેબ! અહીં કોઈને પત્ની પાસેથી સારી વાતો મળી છે તો પત્નીને પણ ગુરુ માનવામાં આવે છે. આ એવો દેશ છે. પતિ પાસેથી કોઈ સત્ય પ્રાપ્ત થયું હોય તો પતિને ગુરુ માનવામાં આવે છે.
માતા પાસેથી કોઈ સત્ય પ્રાપ્ત થયું હોય તો માતાને ગુરુ માનવામાં આવે છે. પિતાને ગુરુ માનવામાં આવ્યા છે. મિત્રને ગુરુ માનવામાં આવ્યા છે. જ્યાંથી આપણને સત્ય મળ્યું એને આપણે ગુરુપદ પ્રદાન કર્યું કે આ અમારા ગુરુ છે, આ અમારા માર્ગદર્શક છે. એમની પાસેથી મેં સત્ય મેળવ્યું. એમની પાસેથી મેં કરુણા મેળવી. એમની પાસેથી મેં પ્રેમ પ્રાપ્ત કર્યો. સ્ત્રી પણ ગુરુ બની શકે છે. આપણે ત્યાં ગાર્ગી છે, મૈત્રેયી છે. આપણે ત્યાં મીરાં છે, લલ્લાદેવી છે, સહજોબાઈ છે, સૌરાષ્ટ્રની ગંગાસતી છે. સત્ય મળવું જોઈએ બસ. સત્ય મળે તો પત્ની પણ ગુરુ બની શકે છે. તો બાપ! નિષિદ્ધ ગુરુઓથી દૂર રહેવું.
– સંકલન: જયદેવ માંકડ