…ત્યારે ડ્રાઇવિંગ મૂકી દેવાનું મન થાય

વીક એન્ડ

મસ્તરામની મસ્તી-મિલન ત્રિવેદી

‘ક્યારે, ક્યારે? કહોને ક્યારે? ક્યારે મૂકી દેવાનું મન થાય?’ જો ઉપરોક્ત ટાઇટલ તમે તમારાં પત્ની સમક્ષ બોલો તો દસ વાર તમને ‘ક્યારે, ક્યારે…’ પૂછીને માથું ખાઈ જાય અને એ જ ઘડીએ તમને ડ્રાઇવિંગ મૂકી દેવાનો સંકલ્પ કરવાનું મન થાય.
આજનો મારો લેખ છે તે જે લોકો રેગ્યુલર કાર ડ્રાઇવ કરે છે તેના જીવનમાં એક વાર તો બન્યો જ હશે એવો અનુભવ દર્શાવતો કરુણ હાસ્ય લેખ છે.
તાજેતરમાં જ મારી સાથે બનેલો એક કિસ્સો તમને કહું. હું સ્કૂટર લઈ અને રોડની એક સાઈડમાં એક શો રૂમના દરવાજાથી થોડે આગળ ઊભો હતો. પાછળ એક કારવાળાએ દસેક વાર હોર્ન મારી મને આગળ જવા માટે કહ્યું. મેં તેને કહ્યું કે અહીંયાં ‘નો પાર્કિંગ’ છે, છતાં માન્યો નહીં. અતિ હોર્ન વાગવાથી હું થોડો વિચલિત થયો હતો, થોડો ગુસ્સો પણ આવ્યો એટલે ગુજરાતી આડોડાઈ કરી અને ત્યાં જ સ્કૂટરને ઘોડી ચડાવી અને ડ્રાઇવર પાસે ગયો. સારા ઘરના એક મારી જ ઉંમરના સજ્જન મને કહે, ‘સ્કૂટર આગળ લ્યો.’ મેં તેમને સમજાવ્યું કે ‘અહીંયાં પાર્કિંગ નથી. સામે પાર્કિંગ એરિયામાં પાર્ક કરો.’ સારી એવી જીભાજોડી થઈ પછી કંટાળીને તેણે કહ્યું કે ‘મારાં લગ્ન ન થયાં હોતને તો આ જીભાજોડી મારે તમારી સાથે કરવી ન પડત.’
એટલે મને થોડા આશ્ર્ચર્ય સાથે મનમાં પ્રશ્ર્નો જાગ્યા, કારણ છેલ્લે મેં કહ્યું હતું કે ‘સ્કૂટર અહીંથી નહીં હટે.’ એટલે કંટાળીને તેણે કહ્યું કે ‘મારી ઘરવાળીને મેં સમજાવ્યું કે તારે ખરીદી કરવી હોય તો તું શોરૂમમાં જઈ અને ખરીદી કરી લે, હું સામે પાર્કિંગ એરિયામાં પાર્ક કરું છું, પરંતુ ના, ૧૦ મિનિટ મારી સાથે દલીલ કરી કે તમે દરવાજા પાસે મને કેમ ન ઉતારો. એટલે કંટાળીને હું ગાડી શોરૂમ પાસે લઈ આવ્યો. ઘરવાળીને તો કાંઈ ન કહી શકું. તેની સાથે દલીલ પણ ન થાય એટલે તમને કહી રહ્યો હતો.’
ખરેખર હું મારી જાતને તેની જગ્યાએ જોવા માંડ્યો. આજકાલ પત્નીઓ મોટા ભાગે એવું જ ઈચ્છે કે શોરૂમ કે દુકાનના દરવાજા પાસે જ કેમ ન ઉતારે? (અને પાછા ત્યાંથી જ બેસાડે.) ખરેખર તો શોરૂમ કે દુકાનવાળાનો વાંક છે (પત્નીઓનો વાંક તો ક્યારેય નહીં કાઢી શકાય). તે લોકો ગાડી અંદર લઈ જઈ શકાય તેવી દુકાન કે શોરૂમ કેમ નથી બનાવતા? ગાડીમાં બેઠાં બેઠાં દરેક વસ્તુ જોવાની અને ગમે તો લેવાની, નહીં તો ગાડીનું એસી બંધ કરી, કાચ ખોલી શોરૂમનું એસી એન્જોય કરી નીકળી જવાનું. ડ્રાઇવર ધણીને કેટલી શાંતિ? આ તો ડ્રાઇવર ધણી જ્યાં સ્કૂટર માંડ જઈ શકે તેવા ગીચ રસ્તા પર પત્ની ઝાઝી કચ કચ ન કરે તે માટે ગામઆખાની ગાળો ખાતો અને ગામઆખાને ગાળો દેતો, પોતાની ગાડી દુકાન નજીક લઈ જાય. તેમાં પણ જીવતું જાગતું ગૂગલ બાજુમાં સતત સૂચનાઓ દેતું હોય. ‘જોજો, આગળ સ્કૂટર છે’, ‘શું કરો છો, બ્રેક મારો’, ‘અરે પણ થોડી તો સ્પીડમાં ચલાવો’, ‘તમને ગાડી ચલાવતાં જ નથી આવડતું’, ‘ધ્યાન રાખો, કોઈને અડી જશે તો મારી જવાબદારી નહીં’. તેમાં પણ જો ભૂલથી તમે દુકાનથી થોડે આગળ કે પાછળ રાખી અને એમ કહો કે ‘ત્યાં સુધી ગાડી નહીં જાય’ ત્યાં તો દુનિયાભરની વાતો તમને સંભળાવશે. ‘ગામઆખાની ગાડી દુકાન સુધી જાય તમારી ન જાય’. ‘બાજુવાળી શીલાનો વર તેની ઘરવાળીને છેક દરવાજા સુધી ઉતારે છે’. આપણને મનમાં એમ થાય કે શીલા મારી ગાડીમાં બેસે તો હું પણ દરવાજા પાસે ઉતારું, પરંતુ ગીચ વિસ્તારમાં શક્ય જ ન હોય ત્યાં આવાં મોટિવેશનલ, ‘ઈમોશનલ અત્યાચારી’ વાક્યો બોલી અને ધરાહાર તમારી ગાડી ટ્રાફિકમાં ઘુસાડાવે. ૧૦૦ રૂપિયાની ખરીદી કરવામાં ક્યારેક ૧,૦૦૦ રૂપિયાનો દંડ આવે. અધૂરામાં પૂરું ઝાઝી ખરીદી કરી હોય તો તમારે ડ્રાઈવર સાથે કુલીનો રોલ પણ અદા કરવાનો. ૪ કલાક ગરબા રમતાં ન થાકે, પણ બે થેલી ઉપાડી દુકાન બહાર આવતાં શરીર દુ:ખે.
હમણાં એક કિસ્સામાં ચુનિયો તેની ઘરવાળીને લઈ અને પત્નીના અતિ આગ્રહને કારણે વનવે રોડમાં ઘૂસી ગયો. પોલીસવાળાએ સીટી મારી, પરંતુ પત્નીએ ચુનિયાને એવો ચીંટિયો ભર્યો કે ચુનિયાએ સ્કૂટર મારી મૂક્યું. પોલીસવાળો તેનું સ્કૂટર લઈ અને પાછળ પાછળ આવ્યો. આગળ જઈ ચુનિયાને રોક્યો. ચુનિયો કશું બોલે તે પહેલાં જ તેની ઘરવાળીએ પોલીસવાળાને કહ્યું કે ‘દંડ નહીં મળે, કારણ કે તમે પણ ‘વન વે’માં જ આવ્યા છો. અમે નિયમ તોડ્યો તો તમે પણ તોડ્યો જ છેને. તમે દંડ ભરો તો અમે ભરીએ.’ કંટાળીને પોલીસવાળાએ અડધા દિવસની રજા મૂકી દીધી અને ઘરે ચાલ્યો ગયો.
——————-
વિચારવાયુ
કંટાળેલા ડ્રાઇવર પતિએ પત્નીને કહ્યું કે આ દરવાજા સુધી ઉતારવાની લપ, પળોજણમાંથી છુટકારો મેળવવા એક જ રસ્તો છે જો ઊડતાં વાહનો આવે તો ડ્રાઇવર ધણીને શાંતિ.
ઘરવાળી: ઊડતાં વાહનો આવે તો તો કેવું સારું. સીધા મનસુખભાઈ કરિયાણાવાળાની દુકાનના ધાબે ઉતારજો અને ત્યાંથી શાંતિલાલ દરજીની અગાશીએ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.