મેલ મેટર્સ – અંકિત દેસાઈ
થોડા સપ્તાહ આપણે સ્પિરિચ્યુઅલ વેલ્થ વિશેની વાતો માંડી હતી, જેને મુંબઈના વાચકોએ અપ્રતિમ પ્રતિસાદ આપ્યો હતો. આ સિરીઝ દરમિયાન ઇમેલ, ફોન કે ફેસબુક દ્વારા અનેક પુરુષોએ એ વાતનો સ્વીકાર કર્યો કે તેઓ અત્યાર સુધી મટિરિઅલ વેલ્થ બાબતે જેટલા સજાગ હતા એટલા તેઓ સ્પિરિચ્યુઅલ વેલ્થ માટે નહોતા. સાથે જ તેઓ સજ્જ પણ થયા કે આ ભાગદોડભરી જિંદગીમાં ભૌતિક સંપદા તો આમેય મળવાની જ છે, પરંતુ ભૌતિક સંપદા મેળવ્યા બાદ પણ તેમને જીવનમાં કે ખાલીપો અનુભવાતો હતો એ ખાલીપો તેઓ સ્પિરિચ્યુઅલ વેલ્થ દ્વારા દૂર કરશે.
આ લેખમાળા પૂર્ણ થાય છે ત્યારે આપણે સ્પિરિચ્યુઅલ વેલ્થ બાબતે પૂર્વે ચર્ચલા મુદ્દાઓ પર ફરી એકવાર નજર મારી જઈએ. એટલે જો કશુંક ભૂલાઈ ગયું હોય તો એ રિકોલ થાય. સ્પિરિચ્યુઅલ વેલ્થ માટે આપણે સૌથી મહત્ત્વની બાબત ગણાવી હતી આંતરિક શાંતિ અને ઠહેરાવને. અને એ માટે ત્રણ જુદી જુદી બાબતોને આપણે નિયમિત પ્રેક્ટિસ કરવાની છે. શાંત થવાની સૌથી પહેલી શરત છે શક્ય એટલું ઓછું બોલવું અને શબ્દોનો અત્યંત કાળજીપૂર્વક ઉપયોગ કરવો. બીજાના તો ઠીક, પરંતુ આપણા દ્વારા બોલાતા વધુ પડતા શબ્દો જ આપણી અંદર કોલાહલ સર્જે છે. એવા સમયે મૌન રહેવું કે આવશ્યકતા વિના ન બોલવું એ આપણી સૌથી પહેલી જરૂરિયાત બની જાય છે.
એ ઉપરાંત આપણે ધ્યાન કરવાની અને જાતમાં ડૂબકી મારી જાત સાથે સંવાદ કરવાની પણ વાત કરેલી. ધ્યાન એ આપણું એવું એક્ઝક્લુઝિવ એકાંત છે, જે એકાંત અને એ એકાંતમાં આપણી જાત સાથે થયેલો સંપર્ક આપણને વધુ નક્કર, વધુ મજબૂત બનાવે છે. સાથોસાથ આપણે યોગ અને પ્રાણાયામની સ્પિરિચ્યુઅલ વેલ્થમાં મહત્તા વિશે પણ ચર્ચા કરેલી. યોગ અને પ્રાણાયામ એવી કસરતો છે, જે આપણને ફિઝિકલ ફિટનેસની સાથે મેન્ટલ પીસ આપે છે. જે અંતત: આપણી સ્પિરિચ્યુઅલ વેલ્થ માટે અત્યંત જરૂરી બાબત બની જાય છે.
સ્પિરિચ્યુઅલ વેલ્થની આ લેખમાળામાં મુંબઈના યુવાનોને જે બાબત સૌથી વધુ સ્પર્શી ગઈ હતી એ બાબત હતી મિનિમલિઝમની. આપણી જરૂરિયાતો ખરેખર કેટલી છે એ ફીગરઆઉટ કરી લેવાનું અને પછી એ જરૂરિયાત મુજબ દોડવાનું આપણે નક્કી કર્યું હતું. મિનિમલિઝમ માનસિક સંપાત કઈ રીતે દૂર કરે છે એ વિશે પણ આપણે જોયું હતું.
આપણે આંતરિક ઉદ્વેગ દૂર કરવા કે શૂન્ય કરવા આપણી અંદર સ્વીકારભાવ કેળવવાની પણ વાત કરેલી. આપણો આંતરિક સ્વીકારભાવ આપણને કેટકેટલી જફાઓથી દૂર રાખે છે એ વિશે આપણે જોયેલું અને સ્વીકારભાવ આપણે કેળવી લઈએ પછી એકસાથે કેટલા બાહ્ય અને આંતરિક દ્વંદ્વો દૂર થઈ જાય છે એ વિશે પણ આપણે જોયેલું. બીજો એક અત્યંત મહત્ત્વનો મુદ્દો આપણે જોયેલો વર્તમાનમાં જીવવા વિશેનો. આપણે ખભે મોટેભાગે ક્યાં તો ભવિષ્યનો ભાર હોય છે અથવા ભૂતકાળનો કાટમાળ હોય છે, પરંતુ શું આપણે માત્ર વર્તમાનનો વિચાર કરીએ છીએ ખરા? આપણે એ પણ જોયેલું કે આપણી મોટાભાગની ઉપાધીઓ આપણા વર્તમાનને વર્તમાનની રીતે ડિલ ન કરવાને લીધે જ ઊભી થતી હોય છે. એટલે જ ભૂતકાળમાંથી શીખ લઈ કે ભવિષ્ય વિશે કાચુંપાકું આયોજન કરીને માત્ર વર્તમાન પર ફોક્સ કરવા વિશે આપણે ચર્ચા કરેલી.
અને અંતે આપણે સામેનાને ક્ષમા કરી દેવા વિશે ચર્ચા કરેલી. આપણે સામેના માણસ સાથે બોલીએ કે ન બોલીએ કે પછી સંબંધ રાખીએ કે ન રાખીએ, પરંતુ આપણે જો તેને માફ નથી કરી શકતા તો બીજા કોઈને નુકસાન નથી જતું, બસ આપણે ભૂતકાળના કોઈ સંઘર્ષ કે કોઈક અન્યાયમાંથી બહાર નથી આવી શકતા, જેને લીધે આપણા મનમાં હંમેશાં એક કડવાશ રહે છે અને આપણે દુ:ખી થતા રહીએ છીએ. ઈનશોર્ટ આ આખી પ્રેક્ટિસમાં આપણે થોડા સ્વાર્થી થવાનું છે, થોડા સ્વકેન્દ્રી થવાનું છે અને પોતાની આંતરિક શાંતિ માટે થોડા એફર્ટ્સ આપવાના છે. અને આ કામ આપણે માટે માત્ર આપણે જ કરી શકીએ એમ છીએ. બીજા કોઈ આપણને શાંતિ આપી શકે એવું કોઈનામાં ગજું નથી. ઉ