Homeઆમચી મુંબઈવિવિધ રાજ્યોમાં ૧૦૦થી વધુ ઠેકાણે ચોરી: મુંબઈમાં નસીબ અજમાવવા જતાં પકડાયા

વિવિધ રાજ્યોમાં ૧૦૦થી વધુ ઠેકાણે ચોરી: મુંબઈમાં નસીબ અજમાવવા જતાં પકડાયા

દિલ્હીની આ ટોળકીએે છેલ્લા ત્રણેક દિવસમાં મુંબઈ-મીરા-ભાયંદરમાં સાત સ્થળે હાથફેરો કર્યો

ચોરીના અનેક ગુનામાં સંડોવાયેલી દિલ્હીની ટોળકીના ત્રણ સભ્યો સાથે મલાડ પોલીસ. (જયપ્રકાશ કેળકર)

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિવિધ રાજ્યોમાં ૧૦૦થી વધુ ઠેકાણે સફળતાપૂર્વક ચોરી કરનારા મુંબઈમાં નસીબ અજમાવવા જતાં પકડાઈ ગયા હતા. દિલ્હી, ગુજરાત, પશ્ર્ચિમ બંગાળમાં હાથફેરો કરનારી દિલ્હીની આ ટોળકીએ છેલ્લા ત્રણેક દિવસમાં મુંબઈ-મીરા-ભાયંદરમાં સાત ઠેકાણે ચોરી કરી હતી.
મલાડ પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ નિઝામ નિસાર શેખ (૪૬), અક્સર સમાહુન શેખ (૨૮) અને અનવર સમાહુન શેખ (૩૮) તરીકે થઈ હતી. દિલ્હીના જહાંગીરપુરી ખાતે રહેતા આરોપીઓ પાસેથી રોકડ, સોના-ચાંદીના દાગીના, લૅપટૉપ, મોબાઈલ, મોંઘીદાટ ઘડિયાળો મળી અંદાજે ૧૦ લાખની મતા હસ્તગત કરવામાં આવી હતી.
મલાડ પશ્ર્ચિમમાં લિબર્ટી ગાર્ડન નજીકની ત્રણ માળની ઈમારતમાં બંધ ફ્લૅટનું તાળું તોડી અજાણ્યા શખસોએ ૧.૮૭ લાખની કિંમતની મતા ચોરી હતી. આ પ્રકરણે જયશ્રી વાઘેલાએ ૧૧ જાન્યુઆરીએ નોંધાવેલી ફરિયાદને આધારે મલાડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મલાડ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર રવીન્દ્ર અડાણેની ટીમે ઘટનાસ્થળ આસપાસના પરિસર તેમ જ આરોપી ફરાર થયા તે માર્ગ પરના ૭૦થી ૮૦ સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. ફૂટેજને આધારે આરોપીઓની ઓળખ મેળવવામાં આવી હતી. ચોરીની ઘટના બાદ આરોપી કુર્લાની એક લોજમાં રોકાયા હોવાની માહિતી મળી હતી. લોજમાં તપાસ કરતાં આરોપી મુંબઈ સેન્ટ્રલથી ટ્રેન પકડવા ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પરના સીસીટીવી કૅમેરા તપાસતાં આરોપી રાજધાની એક્સપ્રેસમાં બેઠા હોવાનું જાણવા મળ્યું હતું. રેલવે પોલીસની મદદથી ત્રણેયને રતલામ સ્ટેશને પકડી પાડવામાં આવ્યા હતા. આરોપીઓના બે સાથી ફ્લાઈટથી દિલ્હી રવાના થઈ ગયા હતા.
આરોપીની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે દિલ્હીની આ ટોળકી દિલ્હી, ગુજરાત, પશ્ર્ચિમ બંગાળ સહિતનાં રાજ્યોમાં ૧૦૦થી વધુ ચોરીના ગુનામાં સંડોવાયેલી છે. માત્ર ૧૦ મિનિટમાં જ બંધ ઘરોમાંથી ચોરી કરનારી આ ટોળકી છેલ્લા ત્રણેક દિવસમાં મુંબઈ અને મીરા-ભાયંદરમાં સાત ઠેકાણે હાથફેરો કરી ચૂકી હતી. મુંબઈમાં પહેલી વાર જ ચોરી કરનારી ટોળકી આખરે લૉકઅપભેગી થઈ હોવાનું એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular