Homeદેશ વિદેશદુનિયાની વસતિ આઠ અબજથી વધી ગઇ

દુનિયાની વસતિ આઠ અબજથી વધી ગઇ

નવી દિલ્હી: દુનિયાની વસતિ મંગળવારે આઠ અબજથી વધી ગઇ હતી. એક અંદાજ અનુસાર ૨૦૮૬ સુધીમાં આ દુનિયામાં માનવીની વસતિ ૧૦.૦૬ અબજથી વધી જશે અને ૨૦૨૩માં ભારતની વસતિ ચીન કરતાં વધુ હશે.
વિશ્ર્વની વસતિ ૧૯૭૪માં માત્ર ચાર અબજ હતી જે હવે આઠ અબજને વટાવી ગઈ છે. આ રીતે વધી રહેલી જનસંખ્યાને કારણે આવનારા વર્ષોમાં અનાજ સહિતની તમામ જરૂરિયાતોની અછત સર્જાવાની સંભાવના છે.
જોકે, નિષ્ણાતો માને છે કે, આ સદીમાં એક સમય એવો આવશે કે જ્યારે વસતિની વૃદ્ધિ સ્થિર થશે અને પછી ઘટાડો પણ જોવા મળશે, પરંતુ છેલ્લા ૪૮ વર્ષમાં વસતિમાં થયેલો વધારો ચોંકાવનારો છે.
૧૯૫૦માં વિશ્ર્વની વસતિ માત્ર અઢી અબજ હતી, જે ૧૯૭૪માં વધીને ચાર અબજ થઈ હતી અને હવે તે આઠ અબજને વટાવી ગઈ છે.
જો તમે આંકડાઓ પર નજર નાખો તો ચીનમાં હજુ પણ સૌથી વધુ ૧૪૨ કરોડની વસતિ છે અને ૧૪૧ કરોડની વસતિ સાથે ભારત બીજા નંબરે છે.
એક અંદાજ અનુસાર, જે ઝડપે ભારતની વસતિ વધી રહી છે તે પ્રમાણે ૨૦૨૩માં તે ચીનને પણ પાછળ છોડી દેશે.
નિષ્ણાતોના મતે ૨૦૫૦ની આસપાસ વિશ્ર્વની વસતિ વધતી અટકશે અને પછી તેમાં ઘટાડો થશે. આ જ કારણે ભારત અને ચીન સહિત વિશ્ર્વના ઘણા દેશોમાં આવનારા દાયકાઓમાં યુવાનોની વસતિમાં ઘટાડો થવાની ધારણા છે, જેની વર્કફોર્સ પર વિપરીત અસર પડી શકે છે.
હકીકતમાં વિશ્ર્વના ઘણા દેશોમાં વસ્તીનો વૃદ્ધિ દર પહેલાંથી જ ૨.૧ કરતા પણ ઓછો થઈ ગયો છે.
નિષ્ણાતોનાં અંદાજ અનુસાર ૨૦૫૫ સુધીમાં વિશ્ર્વની વસતિનો વિકાસ દર ૨.૧ રહેશે.
યુનાઈટેડ નેશન્સનાં ડેટા અનુસાર, વિશ્ર્વની વસતિમાં સૌથી વધુ વધારો ૨૦૧૨ અને ૨૦૧૪ વચ્ચે થયો હતો. આ દરમિયાન ૧૪ કરોડથી વધુ બાળકોનો જન્મ થયો હતો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલીક વધઘટ સાથે ૨૦૪૩થી વસતિ વૃદ્ધિ દરમાં ઘટાડો જોવા મળી શકે છે. અત્યાર સુધી વસ્તી ઝડપથી વધી છે, પરંતુ હવે વસતિમાં આગામી એક અબજ લોકો ઉમેરાતા બાર વર્ષ લાગશે.
વસતિ સંબંધિત બાબતોને સમજનારાઓનું કહેવું છે કે, મૃત્યુદરમાં ઘટાડો થવાને કારણે પણ વસતિ વધી રહી છે. છેલ્લા ૭૦ વર્ષોમાં ચીન અને ભારતે વિશ્ર્વની વસતિ વધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. જો આપણે આ બે દેશોની વસતિને જોડીએ તો તે લગભગ ૨.૮૦ અબજ થાય છે. પરંતુ આવનારા સમયમાં ભારત અને ચીનના વિકાસમાં ઘટાડો જોવા મળશે.
કહેવામાં આવી રહ્યું છે કે, ૨૧મી સદીના છેલ્લા દાયકાઓમાં ભારત અને ચીનના બદલે તાન્ઝાનિયા, નાઈજીરિયા અને કોંગો સહિત આફ્રિકન દેશોની વસતિ ઝડપથી વધશે.
જો આપણે વસતિ વધારાના દર પર નજર કરીએ તો ૧૯૫૦માં વિશ્ર્વમાં મનુષ્યોની સંખ્યા ૨.૫ અબજ હતી જે આગામી ૧૦ વર્ષમાં વધીને ૩ અબજ થઈ ગઈ હતી. આ પછી ૧૯૭૪માં તે વધીને ૪ અબજ થઈ ગઇ. પછીના ૧૩ વર્ષમાં એટલે કે ૧૯૮૭માં આ આંકડો વધીને પાંચ અબજ થયો હતો. જોકે, ત્યાર બાદ માત્ર ૧૨ વર્ષમાં એ વધીને એક અબજ સુધી પહોંચ્યો હતો. ત્યાર બાદ ૨૦૧૧માં વિશ્ર્વની વસતિ વધીને ૭ અબજ થઈ હતી અને ત્યાર બાદ ગત ૧૧ વર્ષમાં આ આંકડો ૮ અબજને વટાવી ગયો છે. (એજન્સી)
———-
ભારતમાં વસતિ વૃદ્ધિ સ્થિર થઇ રહી છે
નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રસંઘે મંગળવારે જણાવ્યું હતું કે ભારતની વસતિની વૃદ્ધિ સ્થિર થઈ રહી છે જે દેશની રાષ્ટ્રીય નીતિઓ અને કુટુંબ નિયોજન સેવાઓ સહિતની આરોગ્ય પ્રણાલીઓ કામ કરી રહી હોવાનું દર્શાવે છે.
મંગળવારે વિશ્ર્વની વસતિ આઠ અબજને સ્પર્શી ગઈ હતી. સંયુક્ત રાષ્ટ્રએ જણાવ્યું હતું કે આ માઈલસ્ટોનમાં ચીન અને ભારતનો સૌથી મોટો ફાળો હતો.
સારા સમાચાર એ છે કે ભારતની વસતિની વૃદ્ધિ સ્થિર થઈ રહી છે. કુલ પ્રજનન દર (સ્ત્રીદીઠ જન્મેલાં બાળકોની સરેરાશ સંખ્યા) રાષ્ટ્રીય સ્તરે ૨.૨થી ઘટીને ૨.૦ થઈ ગઈ છે, તેવું યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડે
જણાવ્યું હતું. ભારતના કુલ ૩૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (દેશની વસ્તીના ૬૯.૭ ટકા છે) એ ૨.૧ના સ્તરથી નીચે પ્રજનન દર હાંસલ કર્યો છે, એમ તેઓએ જણાવ્યું હતું.
પ્રજનનક્ષમતામાં ઘટાડા માટેનાં મુખ્ય કારણોમાં આધુનિક કુટુંબ નિયોજન પદ્ધતિઓ અપનાવવામાં વધારો (૨૦૧૫-૧૬માં ૪૭.૮ ટકાથી ૨૦૧૯-૨૧માં ૫૬.૫ ટકા) અને તે જ સમયગાળામાં કુટુંબ નિયોજનની અપૂર્ણ જરૂરિયાતમાં ચાર ટકા પોઈન્ટનો ઘટાડો સામેલ છે, એવું તેમણે જણાવ્યું હતું.
આ કુટુંબ નિયોજન સંબંધિત માહિતી અને સેવાઓની ઉપલબ્ધતામાં નોંધપાત્ર સુધારા સૂચવે છે. સારાંશમાં, તે દર્શાવે છે કે ભારતની રાષ્ટ્રીય વસતિ નિયંત્રણ માટેની નીતિઓ અને આરોગ્ય પ્રણાલીઓ કામ કરી રહી છે, તેવું તેમણે જણાવ્યું હતું.
ભારત એક યુવા રાષ્ટ્ર છે જેમાં વિશ્ર્વની સરખામણીએ ભારતમાં યુવાનોનો સૌથી મોટો સમૂહ છે. જ્યારે વિશ્ર્વના ઘણા દેશો વૃદ્ધ થઈ રહ્યા છે ત્યારે ભારતની યુવા વસતિ વૈશ્ર્વિક સમસ્યાઓના ઉકેલ માટે વૈશ્ર્વિક સંસાધન બની શકે છે, તેવું એમણે જણાવ્યું હતું.

RELATED ARTICLES

Most Popular