ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ
કુખ્યાત ‘બિકીની કિલર’ ચાર્લ્સ શોભરાજની જીંદગીના કેટલાક અંશો પરથી બનેલી વેબ સિરીઝ ‘ધ સર્પેન્ટ’, નેટફિલક્સ પર ધૂમ મચાવી રહી છે. ૭૦ના દાયકામાં હિપ્પી કલ્ચરની વિદેશી યુવતીઓ સાથે સંબંધ વિકસાવી, એમને ઘેનની ગોળીઓ આપીને હત્યા કરી, લૂંટી લેવા માટે ચાર્લ્સ શોભરાજ વિશ્ર્વભરમાં કુખ્યાત થયો હતો. ૭૭ વર્ષની ઉંમરનો ચાર્લ્સ શોભરાજ હમણાં તો નેપાળની જેલમાં સજા કાપી રહ્યો છે. શોભરાજનાં માતા વિયેતનામી હતાં અને પિતા ભારતીય હતા. જોકે ચાર્લ્સનું ભણતર નાનપણથી જ ફ્રાન્સમાં થયું હોવાથી ઘણા એને ફ્રેન્ચ જ સમજતા હતા. શોભરાજના નામે આમ તો ૧૨ જેટલી હત્યાઓ બોલે છે, પરંતુ એક એવો અંદાજ છે કે શોભરાજે આના કરતાં વધુ હત્યાઓ કરી હતી. સિત્તેરના દાયકામાં થાઇલેન્ડ, નેપાળ, પાકિસ્તાન, ભારત, મલેશિયા, ફ્રાન્સ, અફઘાનિસ્તાન, તર્કી અને ગ્રીસ જેવા દેશોમાં ચાર્લ્સ શોભરાજ સામે વિવિધ ગુના નોંધાયા છે.
૧૯૭૬થી ૧૯૯૭ સુધી ચાર્લ્સ શોભરાજ દિલ્હીની તિહાર જેલમાં હતો. ‘ધ સર્પેન્ટ’ વેબ સિરીઝમાં શોભરાજે ભારતમાં કરેલા કારનામાં વિશે કંઈ કહેવામાં આવ્યું નથી. તિહાર જેલમાં શોભરાજનો એટલો વટ હતો કે મોટા ભાગનો સમય એ જેલરની ઓફિસમાં બેસીને પસાર કરતો હતો. ભારે ચતુર અને ભલભલાને બોટલમાં ઉતારી દેનાર શોભરાજ તિહાર જેલની હાઇસિક્યુરિટીમાંથી પણ ભાગી ગયો હતો. પોતાનો જન્મ દિવસ ઉજવવાનું નાટક કરીને એણે જેલના સુરક્ષાકર્મીઓ પાસે મીઠાઇઓ મગાવી હતી. મીઠાઇની અંદર ઘેનની ગોળીઓ ભેળવી દઈ એણે જેલના તમામ સુરક્ષા કર્મચારીઓને બેભાન કરી દીધા હતા અને વટથી ચાલતા ચાલતા મુખ્ય દરવાજામાંથી બહાર નીકળી ગયો હતો. જોકે ત્યાર પછી થોડા દિવસોમાં જ ગોવા ખાતેથી મુંબઈના ઇન્સ્પેક્ટર મધુકર ઝેન્ડેએ એને પકડી પાડ્યો હતો.
શોભરાજે એની ગુનાખોરીની શરૂઆત બેંગકોકથી કરી હતી. પોતે કિંમતી નંગોનો વેપારી હોવાનું નાટક કરીને શોભરાજ પ્રવાસી મહિલાઓને ફસાવતો હતો. પ્રવાસી મહિલા કે યુગલ સાથે દોસ્તી પાડી દઈ પોતાના ઘરે રહેવાનું આમંત્રણ આપતો. ત્યાર પછી એમના ડ્રિંકમાં ઘેનની ગોળી ખવડાવીને એમની હત્યા કરી, લૂંટી લઈ મૃતદેહોને કયાં તો દરિયામાં ફેંકી દેતો, ક્યાં તો સળગાવી નાખતો.
હત્યા કરેલી વ્યક્તિઓના પાસપોર્ટ ચોરી કરી પોતાના નામે પાસપોર્ટ કરવામાં શોભરાજ ખૂબ હોંશિયાર હતો. એમ કહેવાય છે કે વિશ્ર્વની સાતથી આઠ ભાષાઓ પર શોભરાજનું અદ્ભુત પ્રભુત્વ હતું. મનોચિકિત્સકોના કહેવા પ્રમાણે શોભરાજ ‘એન્ટી સોશિયલ પર્સનાલિટી ડીસઓર્ડર’થી પિડાતો હતો. વિશ્ર્વ આખામાં રખડપટ્ટી કરીને આવારા જિંદગી જીવતા હિપ્પીઓ સામે એને ભારે ખુન્નસ હતું. અલગ અલગ ૧૫ જેટલા નામે એની પાસે પાસપોર્ટ હતા, જેને આધારે એ દુનિયામાં ફરતો રહેતો. નેપાળના પોલીસ અધિકારી વિશ્ર્વબાલ શ્રેષ્ઠાએ શોભરાજની બાયોગ્રાફી લખી છે. ‘ચક્રવ્યૂહ: ગુરુમુખ ચાર્લ્સ શોભરાજ’ નામના આ પુસ્તકમાં શોભરાજની ઘણી અંગત વાતો લખવામાં આવી છે. શોભરાજના ભારતીય પિતાનું નામ ભૂતચંદ શોભરાજ હતું. તેઓ વિયેટનામમાં બિઝનેસ કરતા હતા. બાળપણથી જ શોભરાજને પિતા માટે ખુન્નસ હતું. મા-બાપ વચ્ચેનું લગ્ન જીવન સમસ્યા ભર્યું હોવાથી ચાર્લ્સ શોભરાજે યુવાન વયે ઘર છોડી દીધું હતું.
દક્ષિણ એશિયાના દેશોની ભ્રષ્ટ પોલીસનો ફાયદો ઉઠાવીને શોભરાજે કોઈ ડર વગર ગુનાખોરી ચાલુ રાખી હતી. ‘ધ સર્પેન્ટ’નો અર્થ ઝેરીલો સાપ થાય છે. શોભરાજ પણ ઝેરીલા સાપ જેવો હોવાથી એને કેટલાક સર્પેન્ટ તરીકે પણ ઓળખતા હતા. અફઘાનિસ્તાન, તુર્કી અને ગ્રીસ જેવા દેશોની જેલમાંથી પણ એ ભાગી ગયો હતો. થાઇલેન્ડમાં કરેલી ગુનાખોરી બદલ મૃત્યુ દંડની સજાથી બચવા માટે શોભરાજે યુક્તિ કરીને ભારત અને નેપાળની જેલમાં રહેવાનું પસંદ કર્યું હતું.
આઠ હપ્તાની વેબ સિરીઝ ‘ધ સર્પેન્ટ’માં ઉપર જણાવી એમાંથી કેટલીક વાતો વણી લેવામાં આવી છે.
* * *
————–
સી.આઈ.એ. પણ જ્યોતિષશાસ્ત્રનો દુરૂપયોગ કરતું હતું
જર્મન ફિલસૂફ નિત્શે ભલે જ્યોતિષવિદ્યાને ‘આશા વધારનારું જુઠ્ઠું શાસ્ત્ર’, કહેતા પણ અમેરિકાની જાસૂસી સંસ્થા સી.આઇ.એ. પણ જ્યોતિષશાસ્ત્રનો ઉપયોગ કરતી હતી. માઇલ્સ કોપલેન્ડ નામનો જાસૂસ લખે છે કે : ‘સી.આઇ.એ.માં ભરતી થનારા જાસૂસે બીજા વિશ્ર્વયુદ્ધ વખતે જ્યોતિષવિદ્યાનો અભ્યાસ કરવો પડતો હતો. અમારે જ્યોતિષીઓનું લિસ્ટ રાખવું પડતું હતું. પણ અમારા ઇરાદા ખરાબ હતા. જે જે દેશના વડા પ્રધાનો જ્યોતિષીમાં શ્રદ્ધા ધરાવે તેની યાદી પણ બનાવતા હતા. ખાસ કરીને ધાનાના વડા પ્રધાન ઇન્ડોનેશિયાના પ્રમુખ અને અલ્બાનિયાના પ્રમુખ જ્યોતિષીમાં શ્રદ્ધા રાખતા એટલે અમે બનાવટી જ્યોતિષી બનીને કે અમુક જ્યોતિષીઓને ફોડીને આ વડા પ્રધાનોની જન્મકુંડળીઓ જોઈ આપતા. એક વખત સી.આઇ.એ.ના વડાને લાગ્યું કે ધાનાના વડા પ્રધાન ચીનની યાત્રા કરે તો અમેરિકાને ફાવટ આવે. એટલે એક જાસૂસ, જ્યોતિષીનો સ્વાંગ સજીને ગયો અને વડા પ્રધાનને સલાહ આપી કે અત્યારે તમારા ગ્રહો પાંસરા છે, ચીન જાઓ… અમે ઇન્ડોનેશિયાના પ્રમુખને ભવિષ્યની આગાહી આપતું એક સોફટવેર આપ્યું હતું. તે સોફટવેર પ્રમાણે જ પ્રમુખ નિર્ણય કરતા હતા! પણ એક વખત અમેરિકાના વિદેશસચિવ અલાન ડલેસને ખબર પડી કે સી.આઇ.એ.ના જાસૂસો તો જ્યોતિષીના સ્વાંગમાં અમેરિકન વ્હાઇટ હાઉસના અધિકારીને પણ ઉલ્લુ બનાવતા હતા એટલે સી.આઇ.એ.ના વડાને ખખડાવી કાઢ્યા હતા અને ત્યારથી સી.આઇ.એ.ના જાસૂસોને જ્યોતિષીનો કોર્સ કરવો પડતો નથી.