વિશ્ર્વનો રેલવેનો સૌથી મોટો આર્ક પુલ ખુલ્લો મુકાયો

દેશ વિદેશ

સુરેશ એસ. ડુગ્ગર

જમ્મુ: દુનિયાના સૌથી ઊંચા સિંગલ આર્ક પુલનું શનિવારે લૉન્ચિંગ થયું. એ દરમ્યાન આઝાદીના અમૃત મહોત્સવમાં સામેલ થતાં તિરંગા ધ્વજ પણ લહેરાવવામાં આવ્યા. આ પુલ બનવાથી શ્રીનગર હવે બાકીના ભારતથી રેલમાર્ગે જોડાઇ જશે. એક વર્ષની અંદર આ પુલ પર રેલવેના પાટા બિછાવવાનું કામ પણ પૂરું થઇ જશે. આ પુલ પર સુરક્ષા બાબતે ઘણું ધ્યાન અપાયું છે.
જમ્મુ સંભાગના રિયાસી જિલ્લામાં ચિનાબ નદી પર આવેલા આ પુલની ઊંચાઇ જળસ્તરથી ૩૫૯ મીટર જેટલી છે. જે એફિલ ટાવરથી પણ ૩૫ મીટર વધું છે. ૧.૩૧૫ કિમી લાંબો આ આ પુલ સલાલ-એ અને ડુગા રેલવે સ્ટેશનોને આપસમાં જોડશે.
રેલવેના ઉધમપુર-બારામુલા લિન્કના મુખ્ય પ્રશાસનિક અધિકારી સુરેન્દ્ર માહીએ આ પ્રસંગે ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે હવે શ્રીનગર સુધી ટ્રેન પહોંચવામાં વધુ સમય નહીં લાગે.
આ પુલ બાંધવામાં અત્યાર સુધી ૧૪૮૦ કરોડ રૂપિયાનો ખર્ચ થઇ ચૂક્યો છે. આ પુલ પરથી જ્યારે ટ્રેન પસાર થશે ત્યારે પવનની ગતિ ૧૨૦ કિમી. પ્રતિ કલાક હશે, પરંતુ રેલવેએ ૨૬૦ કિમી પ્રતિ કલાકની ગતિ સહન કરવાની ક્ષમતા રાખી છે.
આ પુલમાં ૧૭ થાંભલાઓ છે. પુલમાં કુલ ૨૮,૬૬૦ મેટ્રિક ટન લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ લોખંડ માઇનસ ૧૦થી માઇનસ ૪૦ ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાન સુધી ઉપયુક્ત છે. આ પૂર્ણ આર્ક પુલનું વજન ૧૦.૬૧૯ મેટ્રિક ટન છે જેના પર ૧૦૦ કિમી ના વેગથી ટ્રેનો દોડી શકશે. પુલનું ઓછામાં ઓછું આયુષ્ય ૧૨૦ વર્ષ આંકવામાં આવ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.