અરવિંદ વેકરિયા
રાજેશ મહેતા સાથે અને સંજીવ શાહ સાથે રાત્રે ફોન ઉપર મારે વાત થઈ ગઈ. રાજેશ મહેતાને તો ‘પેકેજ’ મળી ગયું, અદાકાર, સંગીત દિગ્દર્શક અને સંગીત સંચાલન થ્રી-ઈન-વન. તેઓ તરત તૈયાર થઇ ગયા. આમ જુઓ તો ‘પેકેજ’ ને કારણે પૈસા બાબત પણ નિર્માતાને માફક આવે એ પ્રમાણે નક્કી થયું. કિશોર દવેનો જે ‘મેસેજ’ આવે એ મને રાજેન્દ્ર જણાવવાનો હતો. બન્ને ‘કિશોર ભાઈઓ’ વચ્ચે બેન દેવયાનીનો ચહેરો મને મનમાં ડોકાયા કરતો હતો. રાજેન્દ્રએ ચેતવણી આપી દીધેલી કે ‘ભૂલે-ચુકે દેવયાની બહેનની વાત ઉખેળતો નહિ.’ મારે એ બાબત સાવધ રહેવાનું હતું. સાલું! હું એવા પથ્થરની શોધમાં પડ્યો જે લોકો દિલ પર રાખીને ભૂલી જતા હોય છે. ખેર! પ્રયત્ત્ન તો કરવો જ પડશે જે શરૂ કરતા મારા નાટક માટે પણ ફાયદામાં હતું.
જો કે મનમાં થયા કરતું કે ચાલુ રીહર્સલમાં બન્ને ‘કિશોરો’ કોઈ ખટરાગ તો ઉભો નહીં કરે ને?… અને જો એવું થશે તો?… દુખ ત્યારે થાય જયારે તમને પ્રતીતિ થાય કે તમે જેને મહત્ત્વ આપી રહ્યા છો, એની નજરમાં આપણું કોઈ મહત્ત્વ જ નથી તો….? માંડ કાબૂ મેળવી આવતા આવા વિચારોને અટકાવી દીધા.
બીજે દિવસે સાંજે ફરી ‘રાજેન્દ્ર’ અને હું મળ્યાં. રાજેન્દ્ર શુકલે કિશોર દવેના હા નાં સમાચાર હોશભેર આપ્યા. હવે પાત્રો ઘટતા હતા, કિશોર ભટ્ટની પત્નીના રોલની, ચોર અને કોલગર્લના પાત્રની.
અચાનક રાજેન્દ્રનાં મનમાં કોલગર્લ માટેનું એક નામ ઝબકયું. સુવિખ્યાત અને અદના અદાકાર, ગુજરાતી ચિત્ર જગતમાં જેમનું નામ આદરપૂર્વક લેવાય છે એવો કલાકાર અરવિંદ પંડ્યાની દીકરી, નીલા પંડ્યાનું. અરવિંદ પંડ્યાનાં સુપુત્ર દેવલ પંડ્યા પણ અચ્છો અદાકાર! ભવિષ્યમાં એણે પણ મારા નિર્દેશનમાં કામ કર્યું, જેની વાતો હવે પછી…
રાજેન્દ્ર પાસે ટેલિફોન ડિરેક્ટરી હાથવગી જ હતી. એણે તરત નીલા પંડ્યાનો નંબર કાઢી ઘરે ફોન કર્યો. જે બીજા કોઇ નાટકમાં કમિટેડ નહોતી. રાજેન્દ્રના એક ફોનમાં વાત ફાઈનલ થઇ ગઈ.
હું, શરીરે જાડોભમ, બુદ્ધિ પણ ખરી… પણ રાજેન્દ્ર પાસે શીખવા જેવું… કે શક્તિ અને બુદ્ધિ કરતા સમજદારી વધારે અગત્યની છે. જેમ ઉપવાસ સહેલો પણ સંયમપૂર્વકનો આહાર રાખવો અઘરો એમ મૌન સહેલું છે પણ સંયમપૂર્વકનું બોલવું અઘરું છે. પણ રાજેન્દ્રની ફાવટને કારણે બધું કામ સહેલાઈથી થતું જતું હતું.
અમે થોડા રિલેક્ષ થઈ ગયા. ‘કોલગર્લ’નાં પાત્રની જે ચિંતા હતી એ એક ‘કોલ’માં પૂરી થઇ ગઈ. બસ! હવે બાકી રહ્યા’તા ચોર અને કિશોર ભટ્ટની પત્ની, બે પાત્રો.
કુમુદ બોલે અને દીપક ઘીવાલાની મુખ્ય ભૂમિકાવાળા એક-બે નાટકો જોવાની મને તક મળેલી. અખબારોમાં છપાતી જા.ખ. માં ઘણાં વખતથી કુમુદ બોલેનું નામ કોઈ જા.ખ. માં દેખાતું નહોતું. મને વિચાર આવ્યો એમનો. પણ પછી થયું કે કુમુદ બોલે તો કિશોર ભટ્ટ સામે નાના લાગશે.. છતાં મેં રાજેન્દ્રને એ નામ કહ્યું. બે મિનીટ એ ચુપ રહ્યો. પછી કહે, નામ તો યોગ્ય છે પણ… નાના લાગશે ને? મેં એની શંકા પકડી પાડી.
મને કહે આપણે ફોન કરીએ. જો હા પાડે તો આપણે એમને કિશોર ભટ્ટની બીજીવારની પત્ની બતાવી શકાય. એટલે કે કિશોર ભટ્ટ બીજવર છે એવું આલેખી શકીએ. મેં પૂછ્યું કે એ તારે માટે શક્ય બનશે? તો હસતા-હસતા એ બોલ્યો, એ તો મારા ડાબા હાથનો ખેલ છે. ફોન કરી સંબંધ તો બાંધીએ. આમ પણ ગણતરીના સંબંધો હવે એવા રહી ગયા છે જેમાં હવે સંબંધોની ગણતરી જ રહી નથી. પછી એણે કેલ્કયુલેટર જેવી નાની ટેલીફોન ડિરેક્ટરી કાઢી. એણે એમાં જોયું પછી કહે સોરી..કુમુદ બોલેનો નંબર નથી. મેં નિસાસો નાખ્યો. મને કહે, આવા નિસાસા બંધ કર, અબ્બાસભાઈ ઉપર ઓફિસમાં જ છે, એમની પાસે હશે. એમ કહી એણે અબ્બાસભાઈને ફોન લગાડ્યો. નંબર મળતા, કુમુદ બોલે જોડે વાત રાજેન્દ્રએ જ કરી. મારા આગળના નાટકોની વાત સાથે અને મારું નામ આપી રોલની વાત કરી. કુમુદબેને એક દિવસનો સમય માંગ્યો. એમણે હું વિચારીને સામેથી ફોન કરીશ.
આ વાતો ફોન મુક્યા પછી રાજેન્દ્રએ વિગતે કરી. મારાથી બોલાય ગયું, જો સામેથી ફોન કરવાની વાત કરી છે, એટલે મને નથી લાગતું કે એ ફોન કરે !.
રાજેન્દ્ર કહે, આપણે કાલે ફોન કરવાના નથી. રાહ જોઈશું. ત્રીજા દિવસે આપણે ફોન કરી પૂછી જોઈશું. મારું મન તો ત્યારે જરા ઢીલું પડી ગયું. રાજેન્દ્ર કહે, યાર, આવા અનુભવો તો હજુ થયા જ કરવાના. પ્રેક્ટીકલ બનતા શીખી જા. આ નાટકની દુનિયા કોઈને અભણ નથી રાખતી, અનુભવની ટપલી મારી-મારીને બધું જ શીખવાડી દે છે.
અમે બંનેએ ફાઈનલ થયેલા કલાકારોનું લીસ્ટ એક કાગળ ઉપર ટપકાવ્યું. કુમુદ બોલેનો હા કહેતો ફોન આવ્યો તો ઠીક, નહીતો પછી બીજા અવેલેબલ કલાકારોના નામો ઉપર નજર દોડાવશું એવું નક્કી છુટા પડ્યા.
થયું, જે કલાકારો નક્કી થતા જાય છે એમની સાથે સંબંધો બંધાતા જાય છે, અને જે મારી સાથે કામ નથી કરતા, પરંતુ ફોન ઉપર કે રુબરું વાતો થાય છે એ નવા સંબંધમાં ઉમેરો તો કરે જ છે…મારા જેવા નવા દિગ્દર્શક સાથે કામ કરવાનું અવગણે છે એ વિચાર મારે મારા મનમાં ફરકવા જ ન દેવો એ મેં નક્કી કરી લીધું. કોને ખબર, અમુક સંબધ કપાસના ફૂલ જેવા પણ નીકળે, ભલે કદાચ સુગંધ ન આપે પણ વસ્ત્ર બની આપણી ઈજ્જત તો જરૂર ઢાંકશે.
બાકી રહેલી વાત હવે આગલા સપ્તાહે…..
મીઠાશનાં બે બોલની પણ કમાલ હોય છે,
સાંભળે છે કાન, અને ચહેરો ખીલી જાય છે !
————————-
ઝબલાથેલી બંધ થઇ હોવાથી કોર્પોરેશનવાળા પકડે નહિ એ બીકે આજે સવારે દૂધ લેવા લોટો લઈને નીકળ્યો તો સ્વચ્છતા અભિયાનવાળા પકડીને લઇ ગયા.