દાવોસ: સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ એન્ટોનિયો ગટ્રેસે બુધવારે જણાવ્યું હતું કે આજે દુનિયામાં એક સમસ્યાની પાછળ બીજી સમસ્યાની સાંકળ રચાઈ રહી છે. કાર અકસ્માતમાં એક કારની ઉપર બીજી કાર ચડી જાય એ રીતે કોરોના રોગચાળો, પર્યાવરણમાં ફેરફારો અને રશિયા-યુક્રેનના યુદ્ધની સાથે અન્ય સમસ્યાઓની વણઝાર જોડાઈ રહી છે. પરસ્પર સંકળાયેલી સમસ્યાઓને કારણે સમગ્ર વિશ્ર્વ ખેદજનક સ્થિતિમાં મુકાયું છે.
સ્વિત્ઝર્લૅન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમના વાર્ષિક સંમેલનના બીજા દિવસે વિશ્ર્વના નેતાઓ અને કૉર્પોરેટ ક્ષેત્રના મહારથીઓને સંબોધતાં એન્ટોનિયો ગટ્રેસે જણાવ્યું હતું કે ભૌગોલિક અને રાજકીય વિખવાદોમાં દુનિયાના દેશો વિભાજિત થઈ ગયા છે. ભાવિ પેઢીઓમાં ફેલાતો અવિશ્ર્વાસ વૈશ્ર્વિક સમસ્યાઓના ઉકેલના પ્રયાસોને નબળા પાડી રહ્યો છે. કેટલાંક ઇંધણો વર્ષ ૧૯૭૦થી પર્યાવરણને નુકસાનકારક પ્રવૃત્તિ કરી રહ્યાં છે. અનેક દેશોમાં કોરોના રોગચાળાની વિદાય પછી અર્થતંત્ર પર અસર થઈ છે. આ રીતે એકની ઉપર બીજી સમસ્યાઓનો ખડકલો થઈ રહ્યો છે.
બુધવારે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં યુક્રેનની હેલિકૉપ્ટર દુર્ઘટનામાં ત્યાંના ગૃહ પ્રધાન સહિત ૧૬ જણનાં મૃત્યુ બાબતે શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના પ્રમુખ બોર્જ બ્રેન્ડેએ શોક પ્રસ્તાવના અનુસંધાનમાં ૧૫ સેક્ધડ મૌન પાળવાનો અનુરોધ કર્યો ત્યારે યુક્રેનના પ્રતિનિધિમંડળનાં આગેવાન ઓલેના ઝેલેન્સ્કા (પ્રમુખ વોલોદીમિર ઝેલિન્સ્કિીનાં પત્ની)ની આંખોમાંથી આંસુ વહેવા માંડ્યા હતા. એ પ્રતિનિધિમંડળ યુક્રેનને વધુ સહાય અને વધુ શસ્ત્રો આપવાની માગણી સાથે દાવોસ પહોંચ્યું છે. ફોરમના કાર્યક્રમોમાં જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્ઝ અને યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલિન્સ્કિી (વીડિયો લિન્ક દ્વારા)ના સંબોધનો પણ સામેલ છે. (એજન્સી)
સમસ્યાઓના ખડકલા વચ્ચે વિશ્ર્વ ખેદજનક સ્થિતિમાં: સંયુક્ત રાષ્ટ્રસંઘ
RELATED ARTICLES