જિનદર્શન -મહેન્દ્ર પુનાતર
મુશ્કેલી આવે, દુ:ખ આવે, કષ્ટ પડે ત્યારે ભગવાનનું સ્મરણ થાય છે. બે અંતિમો પર પ્રભુ યાદ આવે છે. એક દુ:ખમાં અને એક અતિ સુખમાં. માણસ સુખમાં હોય ત્યારે અજ્ઞાત ભયો તેને સતાવતા હોય છે. આ સુખ ચાલ્યું તો નહીં જાય ને એવી ભીતિ પણ મનમાં રહે છે. સુખ પણ એક યા બીજી ચિંતા અને અજંપો લઈને આવતું હોય છે. ધન, દૌલત, ઐશ્ર્વર્ય અને સુખ સગવડના સાધનો સાથે સંયમ ન હોય તો જેટલું સુખ આપે છે તેના કરતાં વધુ દુ:ખ ઊભું કરે છે. આભાસી સુખો પાછળ આ દુ:ખ દેખાતું નથી. બહારના સુખો જેટલા વધારે તેટલો ભય વધારે, તેટલી ચિંતા વધારે. સુખમાં સૌ કોઈ મિત્ર હોય છે. દુ:ખ આવે ત્યારે કોઈ પાસે ઊભું રહેતું નથી. સંબંધો લેણદેણના હોય છે. એમાં કોઈ આપણું નથી અને કોઈ પરાયું નથી એમ સમજવું. માત્ર સમ્યગ દૃષ્ટિ જ સુખ અને દુ:ખમાં સ્થિર રાખી સાચો માર્ગ બતાવે છે. જીવનમાં જ્યારે મુશ્કેલી આવે અને બીજો કોઈ માર્ગ ન રહે ત્યારે બધું ઉપરવાળા પર છોડી દેવું જોઈએ. શ્રદ્ધા અને અંતરના ભાવથી કરેલી પ્રાર્થના એળે જતી નથી. હકીકતમાં સુખમાં પ્રભુનું સ્મરણ થવું જોઈએ. સુખમાં શાંતિ અને સ્થિરતાની વધુ જરૂર રહે છે.
માણસો દુ:ખના ડુંગરો ખડકાઈ જાય ત્યારે પ્રભુને યાદ કરવા બેસે છે. પ્રભુ તું મને આમાંથી ઉગારી લે. આમાં માણસની સ્વાર્થ વૃત્તિનાં દર્શન થાય છે. માણસ ભગવાન પાસે પણ સોદો કરતા અચકાતો નથી. તેની પ્રાર્થના અને ભક્તિ પણ શરતી હોય છે. પ્રભુ તું મને આમાંથી ઉગારી લે. હું શ્રીફળ વધેરીશ, જાત્રાએ જઈશ, વ્રત કરીશ વગેરે વગેરે. આવી બધી માનતા લોકો કરતા હોય છે. કોઈ સુખ માટે તો કોઈ આવી પડેલા દુ:ખને દૂર કરવા માટે પ્રભુ સમક્ષ હાથ જોડીને ઊભા રહી જાય છે. સુખ તો આમ કરતા કરતા ઘણા લોકોના હાથમાં આવી જાય છે, પણ પ્રભુનું સ્મરણ ચાલુ રહેતું નથી. અને કદીક પ્રભુ યાદ આવે તો પણ એટલા માટે કે આ બધું જે પ્રાપ્ત કર્યું છે તે ચાલ્યું તો નહીં જાય ને એવા ભયના કારણે. પ્રાર્થના અને ભક્તિ તો કોઈ પણ જાતની અપેક્ષા વગરની હોવી જોઈએ. માણસ પ્રભુને સમર્પિત થઈ જાય અને સત્ય અને સદાચારના માર્ગે ચાલે તો તેને જીવનમાં સુખ મળવાનું જ છે. સુખને આપણે સાધનો સાથે જકડી રાખ્યું છે અંતરના આનંદ સાથે નહીં. તેના કારણે માણસના ચહેરાઓ મુરઝાઈ ગયા છે. સુખ ભોગવા છતાં આનંદ ઉલ્લાસ રહ્યો નથી.
ગમે તે માર્ગે, ગમે તે સાધનો દ્વારા જે કાંઈ મળે તે મેળવી લેવું અને માણી લેવું એ લક્ષ્ય બની ગયું છે. કાંઈ છોડવું નથી. કાંઈ છોડે તેમાં પણ વધું મેળવવાની તેમાં અપેક્ષા હોય છે. વ્રતો અને માનતાઓ પાછળ આવી જ વૃત્તિ કામ કરી રહી હોય છે. કેટલાક માણસો માનતા ફળે તો પણ જે કરવાનું છે તે ભૂલી જતા હોય છે. અથવા તેનું પોતાની રીતે અર્થઘટન કરતાં હોય છે. સ્વાર્થ અને લોભ આવે ત્યારે માણસ પ્રભુને આપેલું વચન પણ સિફતથી ભૂલી જાય છે. અને છટકબારી શોધી કાઢે છે.
આ અંગે મુલ્લા નસરુદ્દીનની એક દૃષ્ટાંત કથા જાણીતી છે. તેણે ઈશ્ર્વરને પ્રાર્થના કરી કે હે દયાવાન જો મને એક સોનાની ગીની મળશે તો તેમાંથી પચીશ ટકા ભાગ તારો. જોગાનુજોગ તેને રસ્તા પરથી સોનાની ગીની મળી. આ ગીની થોડી ઘસાયેલી હતી એટલે સોનીએ તેની ૭૫ ટકા કિંમત આપી. નસરૂદ્દીને પૈસા હાથમાં લીધાં અને આકાશ તરફ જોઈને કહ્યું; હે ભગવાન તું પણ પાકો નીકળ્યો. પહેલેથી જ ૨૫ ટકા ભાગ કાપી લીધો.
આ રીતે માણસો ભગવાનને પણ ઠગતા હોય છે. તેની સાથે પણ ચાલબાજી કરતા હોય છે. પ્રભુ કૃપાથી પ્રાપ્ત કર્યા પછી પણ જેને કશું આપવું નથી તેને હજાર બહાના મળી રહે છે. સામાન્ય વ્યવહારમાં પણ આવું જ જોવાં મળે છે. માણસ મોટી મોટી વાતો કરે છે, પણ કરવાનું આવે ત્યારે પાણીમાં બેસી જાય છે. કાંઈ કામ હોય તો અરધી રાતે કહેજો એવું કહેનારા કામ પડે ત્યારે મોઢું બતાવતા નથી.
પ્રભુએ જ્યારે સૃષ્ટિની રચના કરી ત્યારે સૌને જોઈએ તેટલું પર્યાપ્ત તેમણે આપ્યું હતું, પરંતુ માણસો એકબીજા પાસેથી છીનવી લેવા માંડ્યા અને સમતુલા ડગી ગઈ. એક બાજુ માણસોને ખાવા માટે અન્ન નથી પહેરવા માટે વસ્ત્રો નથી. જ્યારે બીજી બાજુ માણસોને પૈસા ક્યાં ખર્ચવા તે પ્રશ્ર્ન છે. પૈસાથી જે કંઈ ખરીદી શકાય છે તે તેઓ ખરીદી ચૂક્યા હોય છે. ભૂખ લાગી હોય ત્યારે ભોજન સારું લાગે પેટ ભરેલું હોય ત્યારે ભોજન પણ અકારું લાગે છે. અમુક હદ સુધી ધન સુખ આપી શકે છે. પછી પૈસાથી પણ સુખ અનુભવી શકાતું નથી. માણસ ધર્મના સિદ્ધાંતો મુજબ જીવે અને કોઈના પ્રત્યે રાગ દ્વેષ ન રાખે તો તે શાંતિ અનુભવી શકે. દુ:ખ આવે, ભીડ પડે ત્યારે ગમે તેવો નાસ્તિક માણસ હોય તો પણ પ્રભુને યાદ કરવા માંડે. જીવનમાં સારું કામ કરીએ તો દુ:ખી થવાનો વારો ન આવે. સમય સારો હોય ત્યારે જેટલું ભલાઈનું કામ થઈ શકે તેટલું કરી લેવું જોઈએ. બધો જ સમય સારો હોતો નથી. સંત સૂરદાસજીએ ગાયું છે કે…
“અવસર બાર બાર નહીં આવે
જાના તો કુછ કરના ભલાઈ
જનમ મરણ છૂટ જાવે
પ્રભુ સ્મરણ અને સત્કાર્યો માટે આજે જે સમય છે તે કદાચ કાલે ન પણ હોય. આ માટે આજની તક મહત્વની છે. ધન, સંપત્તિ, શક્તિ જે કંઈ હોય તેનાથી જેટલું થઈ શકે તેટલું સારું ભલાઈનું કાર્ય કરતા રહેવું જોઈએ.
સૂરદાસજી પણ કહે છે..
” વો સંસાર ઓસકા પાની,
પલકનમેં ઉડ જાવે
સૂરદાસ કહે હરિ મિલનકી,
હરિકે ગુણ ગાવે
અહીં કશું કાયમી નથી. ઝાકળના પાણીની જેમ બધુ એક ન એક દિન બધું ઊડી જવાનું છે. આજે આ દેહ છે કાલે તે ન પણ હોય. સમયની સાથે બધું બદલાવાનું છે. તેથી સમયનો સદુપયોગ કરી લેવો જરૂરી છે. સારું ભલું કરવાની ઈચ્છા અને ભાવ ઊભો થાય તો રાહ જોવાની જરૂર નથી. અવસર વાર વાર મળતો નથી. નહિતર મનની ઈચ્છા મનમાં રહી જશે. તડકો છાંયડો જીવનમાં આવવાના છે. આ કુદરતનો ક્રમ છે.
સ્વાર્થ અને લોભ ન રહે તેમ જ સંચય અને પરિગ્રહ ઓછો થતો જાય તો કશું દુ:ખ અને વિટંબણા રહે નહીં. પાણી બંધિયાર રહે તો નકામું બની જાય છે તેમ ધન પણ બૅન્કો અને તિજોરીમાં પૂરાયેલું રહે તો કશા કામમાં આવતું નથી. ચોકીદાર બનીને રૂપિયા જ ગણવાના હોય તો તે હોય કે ન હોય શું ફરક પડે છે ? છેવટે રૂપિયાના ઢગલામાં દટાઈ જવાનું છે. આપણી પાસે ગમે તેટલું હોય છેવટે બધું અહીં પડી રહેવાનું છે. કોઈ સાથે લઈ જઈ શક્યું નથી. સારા ભલાઈના કાર્યોમાં જેટલું વાપરીએ તેટલું આપણું છે. જાણીતાં શાયર નાઝીર સાહેબે કહ્યું છે તેમ…
“હૈ બહારે બાગ દુનિયા ચંદરોજ
દેખલો ઉસકા તમાશા ચંદરોજ
ઓ મુસાફર કૂચકા સામાન કર
ઈસ જહામેં બસેરા ચંદરોજ.