Homeઉત્સવવાંકદેખાઓનું વિશ્ર્વ જગત આખું વિરાટ કંપ્લેન-બોક્સ!

વાંકદેખાઓનું વિશ્ર્વ જગત આખું વિરાટ કંપ્લેન-બોક્સ!

મિજાજ મસ્તી -સંજય છેલ

ટાઇટલ્સ: વોટ અને ચોટ, લાગે ત્યારે જ સમજાય! (છેલવાણી)
અરીસાની શોધ કદાચ જાતને જોઇને થપ્પડ મારવા માટે થઇ હશે. મોટા ભાગના લોકો માટે જાતથી લઇને જગત સુધી કંપ્લેન જ કંપ્લેન! આજકાલ લગ્નગાળામાં એવા લોકો પણ જોવા મળે છે જેઓ ૨૦૧નો ચાંદલો આપીને, એમાં ઘરના પાંચ જણ જમીને, ‘વરયાળી કાચી હતી’-જેવી કંપ્લેન કરે જ કરે! ‘વહુનો મેકઅપ ખરાબ હતો’- કહીને પોતાની સેલ્ફી પાડે! ‘બાપ સરકારી ઓફિસર હોવા છતાં જમણવારમાં માત્ર ૧૨૦૦ની રાખી’- એવી ટિપ્પણી કરે!
કંપ્લેન આપણો નેશનલ રોગ છે. અમારા એક સગા સરકાર વિરૂદ્ધ, મ્યુનિસિપાલિટી વિરૂદ્ધ, આખી જિંદગી ફરિયાદો-પત્રો લખતા રહ્યા. એકવાર બીમાર પડ્યા. ડૉકટરોએ બહુ રિપોર્ટસ કઢાવ્યા પણ બીમારીનું કારણ શોધી જ ના શક્યા.
છેવટે ડૉક્ટરે દિનચર્યા પૂછી ત્યારે દર્દીએ કહ્યું,બીજું બધું તો સેઇમ છે પણ ઘણા વખતથી આજકાલ કોઇની વિરૂદ્ધ ફરિયાદ નથી કરી શક્યો!’
ડૉક્ટરે કહ્યું, ‘તમે અમારી દવા-ટ્રીટમેંન્ટ વિરુદ્ધ, હૉસ્પિટલ વિશે જે કંઇ સૂઝે એ લખો.’ પેલા ભાઇએ ફટાફટ ફરિયાદો લખી ને પછી તરત કહ્યું, હાશ, હવે એકદમ સારું લાગે છે!’
– ને ડૉક્ટરે, મનમાં પોતાની પીઠ થાબડી.
અમારા બીજા એક વૃદ્ધ કાકાના કાન નબળા પડી ગયેલા. એમને નિંભર નેતાઓની જેમ કામની વાત સંભળાતી જ નહીં. કાકાના પ્રાઇવેટ કંપનીવાળા એમની બહેરાશને લીધે એમને નોકરીએથી કાઢી મૂકશે એવું લાગતું હતું પણ કંપનીવાળાઓએ બુદ્ધિ વાપરીને એમને ‘કંમ્પલેઇન ડિપાર્ટમેંટ’માં મૂકી દીધા. ત્યાં ઘરાકો આવે, કાકાનાં બહેરા કાને ફરિયાદ કરે ને જતા રહે. આમાંને આમાં વરસો સુધી એમની નોકરી ટકી ગઇ! આ દેશમાં સરકારો અને સિસ્ટમ્સ પણ લગભગ આ જ સિદ્ધાંત પર ચાલે છે. વરસોથી પ્રજાઓ ફરિયાદ કરી કરીને મરી જાય છે અને સરકારો બનતી રહે છે, બદલાતી રહે છે અને પોતાની કાલ્પનિક સિદ્ધિઓ પર સતત પોરસાતી રહે છે!
ઇન્ટરવલ:
જબ હમ જવાં હોંગે, તુઝે યાદ કરેંગે
ફરિયાદ કરેંગે, (બેતાબ-ફિલ્મ)
આપણા દેશમાં અમુક લોકો જન્મથી જ ફરિયાદી હોય છે. સાહિત્યમાં લોકો વરસોથી ફરિયાદ કરતા રહે છે કે અમર સાહિત્ય રચાતું નથી, ભાષા મરવા પડી છે, પણ આવું લખનારા પોતે ક્યારનાંયે મરી ગયા હોય છે કે પછી ફિલ્મો પહેલાં જેવી બનતી નથી, કે પછી ઘણાંને તો જન્મ પહેલાની ઘટનાઓ વિશે પણ ફરિયાદ હોય છે. અમુક ફરિયાદીઓને લાગે છે કે મા-બાપની ભૂલને કારણે એમણે ધરતી પર અવતરવું પડ્યું.
એમનાં મા-બાપ કોઇક બીજાં જ હોત..જેમ કે- ટાટા-અંબાણી તો આજે લાઇફ બેટર હોત! ઘણાં લોકો અચૂક કહેતા હોય છે કે આ દેશમાં રહેવા જેવું નથી. ઓકે! તો સોમાલિયા જઇને ટ્રાઇ કરો! બીજું શું થાય? વસ્તીવધારાની જેમ છેક આઝાદી બાદથી આજની ગવર્મેંટ સુધી ફરિયાદની યાદી લંબાતી જ જાય છે.
શાસ્ત્રો કહે છે માણસની ઇચ્છાઓ અનંત છે. પણ ના લોકોની ફરિયાદો પણ અનંત હોય છે. ઋષિકેશ મુખર્જીની એક ફિલ્મમાં ખીચોખીચ ભરેલી બસ, રોડ પર રોકાયા વિના જતી રહે છે ત્યારે બસસ્ટેંડ પરનો એક યાત્રી કહે છે, આ સરકાર લાંબી નહીં
ચાલે! આવા લોકોને ઘઉંમાં કાંકરા વધુ આવે તો પણ સરકારનો વાંક દેખાય છે! જાણે પી.એમ. કે સી.એમ.એમનાં ઘઉં વીણવાના હોય!
જોકે સામાન્ય માણસ પાસે જો ફરિયાદ ના હોત તો મોટા ભાગની પ્રાર્થના પણ ના હોત, પ્રાર્થના ના હોત તો કદાર ઇશ્ર્વરની ડિમાન્ડ ના હોત. એમાંયે ભારતમાં જન્મતો દરેક માણસ એક જીવતોજાગતો ફરિયાદી છે જેને દેશ સામે, સરકાર સામે, સમાજ સામે, કલાકારો સામે, પૈસાવાળા સામે, બુદ્ધિજીવીઓ સામે, ટૂંકમાં લગભગ બધાંને બધાં સામે સતત ફરિયાદો રહ્યા જ કરે છે. હવે જ્યારે ૫ રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે ત્યારે હંમેશ મુજબ પત્રકારો-સમીક્ષકોની કંપ્લેન દેખાય છે કે અપેક્ષા હતી એવું કાંઇ સરકારે કરી બતાવ્યું નથી! આ વાત દરેક સરકાર ને દરેક ચૂંટણી વખતે આવે જ આવે!
વળી બીજું કાંઈ ના મળે તો લોકો ફરી ફરીને કહે છે કે, ‘હાય રે ભાવવધારો!’ ભૈ, એ તો હોય જ ને હશે! સહન કરો અથવા ના જમો. શાકભાજી કે અનાજના ભાવ વધુ થઇ ગયા તો શું હવે આપણે કરી લઇશું? કે શું કરી શક્યા છીએં આજ સુધી? તો એમાં હવે કકળાટ કરીને શું? ચૂપચાપ જે મળે કે ના મળે એ જમી લો ને સૂઇ જાવ! એ જ તમારી નિયતિ છે! તમને લોકશાહીમાં મતનો અધિકાર મળ્યો છે એ ઓછો છે કે સવાલો પૂછો છો? ઇન શોર્ટ, જે રીતે આપણી પ્રજા, પીઠ પર કંપ્લેનનાં ચાબખા મારીને ખુશ છે. સરકારો, હંમેશાં પોતાની પીઠ પર થાબડીને હરખાયા કરે છે! આપણાથી બીજું કૈં થઇ પણ શું કેમ છે?
સો કેરી ઓન કંપ્લેનિંગ એંડ એંજોય!
એંડ ટાઇટલ્સ:
ઇવ: એક ફરિયાદ કરું?
આદમ: નવી છે?!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular