વિવાહ ઉદ્યોગ રાજકુમારીની જેમ રાતદિવસ વધી રહ્યો છે

વીક એન્ડ

ફોકસ-અનંત મામતોરા

એ તકિયા કલામ કે જોડીઓ તો સ્વર્ગમાં બને છે, હવે જૂનો થઈ ગયો. હવે તો લગ્નોમાં લોકો સ્વર્ગને જમીન પર ઉતારે છે! લોકોની આ અભિલાષાને કારણે વિવાહ ઉદ્યોગમાં જાત જાતના કરિયર વિકલ્પો મળી રહ્યા છે.
ભારતીય લગ્નોની ખાસ વાત એટલે જાજરમાન લગ્ન સમારંભો. અમીર-ગરીબ સહુ કોઈ પોતાની હેસિયત અને બજેટ મુજબ લગ્નમાં દિલ ખોલીને ખર્ચ કરે છે. ત્રણ-ચાર દાયકા પહેલાં ભારતમાં લગ્ન પ્રસંગ એક પારિવારિક અને ધાર્મિક પ્રસંગ રહેતો હતો. પંડિતજી કુંડળી મેળવીને ઉત્તમ મુહૂર્ત કાઢી આપે, કંકોતરી અને નિમંત્રણો અપાય, ઘરનાં રંગરોગાન થાય, ઘરના લોકોના પણ પગના નખથી વાળ સુધીના સૌંદર્ય પર ક્યારેય ન અપાયું હોય એવું ધ્યાન દેવાય, પ્રસંગને અનુરૂપ અને પરિવાર કે જ્ઞાતિની પરંપરા મુજબનાં કપડાંની ખરીદી, લગ્નના હોલ અને રસોઈયા અને જમણવાર, બેન્ડ-વાજાં આવે, લગ્ન થાય, વિદાય થાય ને સૌ સૌના ઘરભેગા! પણ હવે તેવું નથી થતું. લગ્નનું નક્કી થતાં જ બધી જફા વેડિંગ પ્લાનરને આપી દેવાય છે. વેડિંગ પ્લાનર ડઝનબંધ કલાકારોની સેવા લે ત્યારે એક ભવ્ય લગ્ન સમારંભનું સર્જન થાય! આવાં લગ્નોમાં પાંચ લાખથી લઈને પાંચ કરોડ સુધીનો ખર્ચ કરવામાં આવે છે. તેનું જ કારણ છે કે વિવાહ ઉદ્યોગનો કારોબાર વાર્ષિક એક લાખ કરોડને આંબી ગયો તે પછી પણ તેમાં દર વર્ષે ૩૦ ટકાના દરે ઉછાળ આવે છે. અત્યારે દેશમાં દર વર્ષે એક કરોડ લગ્નો થાય છે અને આ વિવાહ ઉદ્યોગના અલગ અલગ વિભાગમાં લગભગ ૨૦ કરોડ લોકો જોડાયેલા છે!
મેચ મેકર્સ
ચોકઠાં ગોઠવી આપનારા!! અર્થાત્ કે મેચ મેકર્સનું કામ બધી પૂછપરછ કરીને જોડી મેળવી આપવાનું છે. સમાજ વિજ્ઞાન, મનોવિજ્ઞાન અથવા ઇવેન્ટ મેનેજમેન્ટમાં શિક્ષિત વ્યવહારકુશળ મેચ મેકર્સને વેડિંગ કંપનીઓ લાખો રૂપિયાનો પગાર આપવા તૈયાર થઇ જાય છે. એક જનસંપર્ક અધિકારી કહે છે, ‘ન્યુક્લિયર ફેમિલીમાં રહેતા લોકો વર કે વહુ શોધવાથી લઈને લગ્ન સુધીની બધી જવાબદારી વેડિંગ કંપનીઓને આપી દે છે. આ કામ માટે વેડિંગ કંપનીઓ જાત જાતના વ્યાવસાયિકોને પોતાને ત્યાં નિયુક્ત કરે છે.’ જેમના સારા સામાજિક સંબંધો હોય અને પ્રસાર માધ્યમોની સમજ હોય તે આસાનીથી મેચ મેકર બની શકે છે.
વેડિંગ આર્કિટેક્ટ અથવા વેડિંગ પ્લાનર
વેડિંગ આર્કિટેક્ટ અથવા વેડિંગ પ્લાનરનું કામ છે ગ્રાહકના બજેટ અનુસાર બહેતરીન લગ્ન સમારંભનું આયોજન કરવું. સારા વેડિંગ પ્લાનરને આ માટે કુલ બજેટના લગભગ દસ ટકા રકમ મળે છે. વેડિંગ પ્લાનર બનવા ઇવેન્ટ મેનેજમેન્ટમાં ડિપ્લોમા, બેચલર અથવા માસ્ટર્સ ડિગ્રી હોવી જરૂરી છે, પણ સૌથી જરૂરી છે તેમનું વ્યવહારકુશળ હોવું. વેડિંગ પ્લાનરનું કામ ખૂબ વ્યાપક અને જવાબદારીવાળું હોય છે. વિવાહ સ્થળ, તેનો થીમ, ડેકોરેશન, વેન્ડર્સ સાથે તાલમેલ, કેટરર, ડીજે અથવા બેન્ડની વ્યવસ્થા બધું જ તેને માથે હોય છે. એક ઉમદા વેડિંગ પ્લાનરને જાણ હોવી જોઈએ કે કોઈ કોર્પોરેટ ઇવેન્ટ કરતાં લગ્ન સમારંભ ઘણો અલગ હોય છે. અહીં બધી જ વસ્તુ સાથે લોકોની ભાવના જોડાયેલી હોય છે. ઘરના અને વરના લોકોની ભાવનાઓ કોઈ રીતે દુભાય નહીં તેની ખૂબ તકેદારી પણ લેવી પડે.
વેડિંગ ફોટોગ્રાફર
સમારંભ કોઈ પણ પ્રકારનો હોય, ફોટોગ્રાફર અને વીડિયો એડિટર વિના ન ચાલે. કેન્ડિડ ફોટોગ્રાફીના શરૂઆતના સમયમાં નવાસવા ફોટોગ્રાફરને પણ એક કાર્યક્રમના દોઢ-બે હજાર આસાનીથી મળી જાય. પ્રોફેશનલ ફોટોગ્રાફર તો એક પ્રસંગના લાખ-દોઢ લાખ પણ ચાર્જ કરે છે. વેડિંગ ફોટોગ્રાફર બનવા ફોટોગ્રાફી કોર્સ બહુ જરૂરી છે. ઉપરાંત નવી નવી ફેશન પ્રત્યે જાગૃત પણ રહેવું જરૂરી છે. હવે તો લગ્નનાં પણ ટીઝર બનવા માંડ્યાં છે.
બ્રાઇડલ જ્વેલરી ડિઝાઇનર
લગ્નોમાં અલંકાર વિના શોભા ક્યાંથી હોય? જોધાબાઈ જેવો હાર, પદ્માવતી જેવાં કર્ણફૂલ, રેખાએ ‘ઉત્સવ’માં પહેરેલો તેવો કંદોરો અને ‘રઝિયા સુલતાન’માં હેમા માલિનીએ પહેરેલી તેવી નથણી! આવી જાત જાતની ફરમાઈશો સાથે વિશેષ જ્વેલરી ડિઝાઇનરની માગ વધતી રહી છે. ભારતમાં સોના અને હીરાનું માર્કેટ સાઠ હજાર કરોડ રૂપિયાનું છે અને ડ્યુરેબલ ગોલ્ડનું ત્રીસ હજાર કરોડનું છે. લગ્નસરાંમાં દેશમાં ચારસો ટન સોનાની ખપત થાય છે. ડિઝાઇનિંગમાં રસ ધરાવનારા માટે આ બહુ સારી કરિયર સાબિત થાય તેમ છે.
બ્રાઇડલ મેંદી આર્ટિસ્ટ
મેંદીનું ધાર્મિક અને સામાજિક દૃષ્ટિકોણથી મહિલાઓમાં ખાસ આકર્ષણ છે, કેટલાક પ્રદેશોમાં પુરુષો પણ મેંદી લગાડે છે. કહે છે કે મેંદીનો રંગ જેટલો ગાઢ, તેટલું ગાઢ પ્રેમાળ લગ્નજીવન હોય. એટલે જ લગ્નોમાં અલગ મેંદીનું ફંક્શન હોય છે. નામી મેંદી આર્ટિસ્ટને એક પ્રસંગના પચીસ-ત્રીસ હજાર રૂપિયા મળી રહે છે.
વેડિંગ ડ્રેસ ડિઝાઇનર
સબ્યસાચી, મનીષ મલ્હોત્રા, તરુણ તાહિલિયાની, અનિતા ડોંગરે લગ્નનાં વસ્ત્રો માટે અતિપ્રસિદ્ધ છે. ફેશનની સમજણ રાખનારા અને શીખેલા લોકો સારી કરિયર બનાવી શકે. ભારતમાં લગ્નનાં વસ્ત્રોનો કારોબાર દસ હજાર કરોડ પર પહોંચી ગયો છે. આના પરથી અંદાજ માંડો કે કેટલી તક છે.
ફ્લોરિસ્ટ
ફૂલો વિના લગ્નમાં શું મજા? લગ્ન મંડપથી લઈને માથાની વેણી સુધી અનેક જગ્યાએ ફૂલો તો હોય જ. ગુલદસ્તા પણ ખરા. ફૂલોની સજાવટ મહેમાનોને પ્રભાવિત કરવા માટે અત્યંત મહત્ત્વની છે.
કાર્ડ ડિઝાઇનર
નિમંત્રણ પત્રિકા વિવાહની શાન કેવી હશે તેની પહેલી ઝલક સમાન હોય છે. પહેલાંના પરંપરાગત કાર્ડની સરખામણીમાં હવે અનેક પ્રયોગો થાય છે. હવે ખાસ ડિઝાઇનર, લેખક વગેરેની સેવા લઈને વિશેષ કાર્ડ ડિઝાઇન થાય છે.
ફેશન એસ્ટ્રોલોજર
હવે તો લગ્નમાં વર-વહુના પોશાકમાં પણ જ્યોતિષના આધારે રંગો, ડિઝાઇન અને કપડું પસંદ કરાય છે. આ વ્યવસાય માટે ફેશન અને જ્યોતિષ બંનેનું સારું જ્ઞાન હોવું જરૂરી છે.
ડેસ્ટિનેશન મેનેજર
ડેસ્ટિનેશન મેનેજર અથવા પ્લાનર સ્વતંત્ર રીતે અથવા વેડિંગ પ્લાનર સાથે મળીને કામ કરે છે. ટૂરિઝમનું જ્ઞાન હોય તે સારા ડેસ્ટિનેશન પ્લાનર બની શકે. મોસમનો મિજાજ જોઈને વર-વહુ માટે હનીમૂનનું પ્લાનિંગ, સ્થળ, હોટેલ, રિસોર્ટ, બધાંનાં બુકિંગ વગેરે તેના કામનો હિસ્સો હોય છે.
ઇવેન્ટ ઓર્ગેનાઇઝર
એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝર કહે છે કે ‘લગ્નમાં સૌથી મહત્ત્વની ભૂમિકા ઇવેન્ટ ઓર્ગેનાઇઝરની હોય છે. મથુરા કે વારાણસીમાં રહેવાવાળા પરંપરામાં માનનારા પરિવારના એનઆરઆઈ દીકરાનાં લગ્ન જો ગોવામાં હોય તો પરંપરા અને આધુનિકતાનો સુમેળ હોવો અત્યંત જરૂરી છે. આજકાલ દેશમાં ગોવા, જયપુર, ઉદયપુર, તો વિદેશમાં સિંગાપોર, દુબઈ અને બાલીમાં ભારતીય લગ્નોનું ચલણ છે.’ પોતપોતાની પસંદ અનુસાર હવેલી, મહેલ, કિલ્લા, કોઈ વિલાની લોન, બીચ રિસોર્ટ, આલીશાન ક્લબ અથવા કોઈ મંદિરમાં લગ્નને પ્રાથમિકતા આપે છે. હાથી, ઘોડા, પાલખી સાથે મિકા સિંહ અથવા સુખવિન્દરની સંગીત સંધ્યા અથવા ફિલ્મ સ્ટાર્સની હાજરી હોય તો બધાને આનંદ-મંગળ થાય! વિવાહ સ્થળને અનુરૂપ યોગ્ય ઇવેન્ટ મેનેજરની બધી વેડિંગ કંપનીઓને ખોજ હોય છે. ઇવેન્ટ મેનેજરને સેલરી ઉપરાંત સારું એવું કમિશન પણ મળે છે.
સ્ટાઇલિસ્ટ, ડીજે અને કેટરર્સ
મેકઅપ આર્ટિસ્ટ, હેર સ્ટાઇલિસ્ટ, ડીજે અને કેટરર્સ માટે વેડિંગ ઇન્ડસ્ટ્રીમાં ઘણી તક છે. દેશની અડધાથી વધુ વસ્તી ત્રીસ વર્ષથી નાની વયની છે. તે જોતાં આગામી પાંચ વર્ષ વેડિંગ ઇન્ડસ્ટ્રી માટે સુવર્ણકાળ સાબિત થશે.
મેરેજ થેરપિસ્ટ
આજકાલ લગ્ન પહેલાં બાળકોનું પ્લાનિંગ, તેમની દેખભાળ, આર્થિક જવાબદારીઓ, ઘર-પરિવારની જવાબદારીઓ વગેરે માટે મેરેજ થેરપિસ્ટની સેવા લેવાનું ચલણ વધ્યું છે. દંપતીની શારીરિક-માનસિક સમસ્યાઓનું સંધાન કરવામાં તેઓ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.