પ્રવાસ શોખીન કરિયાણાની દુકાનદાર મહિલાએ કરી છે ૧૧ દેશની યાત્રા

લાડકી

સાંપ્રત – અનંત મામતોરા

કહેવાય છે કે ‘સમગ્ર વિશ્ર્વના પ્રવાસની શરૂઆત એક ડગલાથી થાય છે.’ વાત સાચી છે. ક્યારેક, કોઈક ક્ષણે આપણે નક્કી કરવું પડે કે બસ, હવે નીકળી પડીએ. બાકી જિંદગીની જંજાળ આપણને ક્યારે નવરા પાડવા દેશે? મનગમતી પ્રવૃત્તિ માટે સમય ચોરવો પડે છે. પ્રવાસ કરવા પહેલું ડગલું માંડવું પડે છે. આપણે ત્યાં તો કહેવત છે, ‘જીવ્યા કરતાં જોયું ભલું.’
કેરળમાં રહેતી મૌલી જોય કરિયાણાની દુકાન ચલાવે છે. તેણે પોતાના નાના બિઝનેસમાંથી થોડી બચત કરીને ૧૧ દેશની યાત્રા કરી છે. મૌલી જોયને નાનપણથી જ દુનિયા ફરવાનો શોખ હતો, પરંતુ એર્નાકુલમના તિરુવનકુલમમાં ઓછી આવક ધરાવતા પરિવારમાં જન્મેલી મૌલી ક્યારેય સ્કૂલ ટ્રિપ માટે પણ જઈ શકી નહોતી. દસમા ધોરણ પછી પણ તેણે પોતાનો અભ્યાસ છોડવો પડ્યો અને થોડા સમય બાદ તેણે ચિત્રપુઝાના રહેવાસી જોય સાથે લગ્ન કરી લીધાં.
૧૯૯૬માં બંનેએ જીવનમાં કંઈક આર્થિક પ્રગતિ થાય તે માટે કરિયાણાની દુકાન ખોલી. મૌલીની જેમ જોયને પણ ફરવાનો ખૂબ શોખ હતો, તેથી જ તે દક્ષિણ ભારતમાં સમયાંતરે ટૂંકી યાત્રાઓ કરતો હતો.
નાનપણથી પ્રવાસનો શોખ ધરાવતી મૌલી કહે છે કે તે ઘણી વાર તેની દુકાન પર વેચાતું ટ્રાવેલોગ મેગેઝિન વાંચતી હતી. તે કહે છે, ‘તેણે મારી પ્રવાસની ઈચ્છાને જીવંત રાખી છે અને ઘણાં દૂરનાં સ્થળો વિશે સારી માહિતી પૂરી પાડી છે.’
વર્ષ ૨૦૦૪માં જોયનું અચાનક અવસાન થયું અને તે પછી મૌલી માટે સમય જાણે થંભી ગયો. તે સમયે તેનાં બે સંતાનો ૨૦ વર્ષ અને ૧૮ વર્ષનાં હતાં. બંને સંતાન હજુ ભણતાં હતાં. મૌલી એકલી દુકાન સંભાળતી હતી, જેથી પરિવારનું ગુજરાન ચાલી શકે. જોકે તેના પુત્રને વિદેશમાં નોકરી મળી ગઈ અને પુત્રીનાં લગ્ન થઈ ગયા પછી આખરે તેને પોતાના માટે વધુ સમય મળ્યો.
યુરોપની તેની પ્રથમ સફર પહેલાં, મૌલી અને તેની નજીકની મિત્ર મેરીએ દક્ષિણ ભારતમાં પલાની, મદુરાઈ, ઊટી, કોડાઈકેનાલ, મૈસુર અને કોવલમ સહિત અનેક સ્થળોએ પ્રવાસ કર્યો હતો. મૌલી કહે છે કે તેની મિત્ર મેરીએ જ સૌથી પહેલાં તેને વિદેશ પ્રવાસ માટે આમંત્રિત કરી હતી.
મેરીએ તેની સાથે યુરોપની મુસાફરી વિશે વાત કરી હતી. મૌલી કહે છે, ‘મને ખર્ચની થોડી ચિંતા હતી, પણ મુસાફરી કરવાની ઈચ્છા તેનાથી વધુ બળકટ હતી. મારાં પુત્ર અને પુત્રીએ સંપૂર્ણ ટેકો આપ્યો અને મને મુસાફરી માટે તેમની બચતનો ઉપયોગ કરવા કહ્યું. તે પછી મેં ૧૫ દિવસમાં ઇટાલી, ફ્રાન્સ, સ્વિટ્ઝર્લેન્ડ અને જર્મનીના પ્રવાસ માટે મારો પાસપોર્ટ તૈયાર કરી લીધો.’ વિવિધ રાજ્યોનાં વૃદ્ધ યુગલો વચ્ચે મૌલી એકમાત્ર મહિલા હતી. તે કહે છે કે તેણે એ સફરનો સંપૂર્ણ આનંદ માણ્યો અને નવા મિત્રો બનાવ્યા. તેણે કહ્યું, ‘મિત્ર બનાવવા એ કોઈ પણ પ્રવાસનો શ્રેષ્ઠ ભાગ છે. મારા અંગ્રેજીના આછાપાતળા જ્ઞાને પણ પ્રવાસ દરમિયાન મદદ કરી.’ મૌલીએ છેલ્લાં દસ વર્ષમાં ૧૦ લાખ રૂપિયા બચાવ્યા છે અને ૧૧ દેશનો પ્રવાસ કર્યો છે. મૌલીની પહેલી સફર ૨૦૧૨માં થઈ હતી. આ ટ્રિપમાં ૧.૫ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. તે પછી તેણે વધુ પૈસા જમા કરવામાં થોડો સમય લીધો. તે કહે છે, ‘મેં વધારાના પૈસા કમાવા માટે શનિ-રવિ અને રજાઓમાં પણ દુકાન ખોલી હતી. ઉપરાંત, હું ચિટ ફંડમાં ભાગ લઉં છું અને કેટલીક વાર પૈસા માટે સોનું ગિરવે રાખું છું, જે મુસાફરી પછી સેટલ થઈ જાય છે.’
૨૦૧૭માં મૌલી મલેશિયા અને સિંગાપોર ગઈ હતી. તે પછીના વર્ષે તેણે ઉત્તર ભારતની મુલાકાત લીધી. તે ઉમેરે છે, ‘ભારતમાં એવાં ઘણાં રાજ્યો છે જે મારે હજુ ફરવાનાં બાકી છે, જેમ કે પંજાબ અને હિમાચલ પ્રદેશ. હું વિદેશ પ્રવાસો વચ્ચે આ ટૂંકા અંતરને આવરી લેવાનું વિચારી રહી છું.’
વર્ષ ૨૦૧૯માં મૌલી બીજી વખત યુરોપ ગઈ હતી અને તે તેની પ્રિય સફર હતી. જોકે આ વખતે તેણે લંડન, નેધરલેન્ડ, બેલ્જિયમ અને ફ્રાન્સની મુલાકાત પણ લીધી હતી. મૌલી કહે છે કે યુરોપનો પ્રવાસ તેને ક્યારેય કંટાળો નથી આપતો અને તે ફરી એક વાર ત્યાં જવા માગે છે. કોરોનાના રોગચાળાને કારણે દેશવ્યાપી લોકડાઉન અને આંતરરાષ્ટ્રીય મુસાફરી પરના પ્રતિબંધોને લીધે મૌલીને મુસાફરીમાંથી વધુ એક વિરામ લેવો પડ્યો. ગયા વર્ષે તેની રાહનો અંત આવ્યો અને નવેમ્બરમાં તે યુએસ ગઈ. તેણે ૧૫ દિવસમાં ન્યુ યોર્ક, વોશિંગ્ટન, ફિલાડેલ્ફિયા, પેન્સિલ્વેનિયા અને ન્યુ જર્સીની મુલાકાત લીધી.
મૌલી કહે છે, ‘મને લાસ વેગાસમાં મંત્રમુગ્ધ કરતો નાયગરા ધોધ અને યુનિવર્સલ સ્ટુડિયો ગમ્યો, પરંતુ આ પ્રવાસમાં ધાર્યા કરતાં વધુ ખર્ચ થયો, તેથી મારે મારી મુસાફરીને થોડો સમય રોકવી પડી હતી.’
મૌલી યાદ કરતાં કહે છે, ‘જ્યારે હું શાળામાં હતી ત્યારે મારાં માતા-પિતા પૈસાની અછતને કારણે મને ફિલ્ડ ટ્રિપ પર મોકલી શકતાં નહોતાં. ભલે મારી પાસે હજુ પણ મોટી આવક નથી, પણ હું જે કમાઉં છું તેનો મેં તે વસ્તુ માટે ખર્ચ કર્યો છે જે મને સૌથી વધુ આનંદ આપે છે.’
તમામ પ્રવાસોમાં મૌલી સૌથી સક્રિય પ્રવાસીઓમાંની એક હોય છે. જ્યારે મોટા ભાગના વડીલો સાહસિક પ્રવૃત્તિઓથી દૂર રહે છે ત્યારે મૌલી બધામાં ઉત્સાહપૂર્વક સામેલ થાય છે. તે કહે છે, ‘આ પ્રવાસ મને સ્વતંત્રતા, હિંમત અને આત્મનિર્ભરતાનો અદ્ભુત અહેસાસ આપે છે.’
મૌલી કહે છે કે ‘દરેક સફર પછી થાક અનુભવવાને બદલે જાણે મારા પુનર્જન્મ જેવું લાગે છે. હું આતુરતાપૂર્વક આગામી પ્રવાસની રાહ જોઉં છું. મારી પાસે મારા મનપસંદ સહ-પ્રવાસીઓના ફોટાઓથી ભરેલું એક આલબમ છે અને અમે વોટ્સએપ ગ્રુપ દ્વારા સંપર્કમાં રહીએ છીએ.’
પોતાની આગામી સફર વિશે વાત કરતાં મૌલી કહે છે કે તે આ વર્ષે કેટલાંક વણજોયેલાં ભારતીય રાજ્યોની મુલાકાત લેવા આતુર છે. હકીકતમાં, તેણે કેટલાક નાણાકીય અવરોધોને કારણે ભારતમાં પ્રવાસ કરવાનું આયોજન કર્યું છે, પરંતુ તે કહે છે, ‘કોઈ પણ કારણ મને મુસાફરી કરતાં રોકી શકતું નથી. હું મારા મૃત્યુ સુધી મુસાફરી કરતી રહીશ.’

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.