(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાતા ગોરેગાંવ-મુલુંડ લિંક રોડને આડે આવનારા ૮૭ બાંધકામને પાલિકાના પી-ઉત્તર વોર્ડ દ્વારા બુધવાર, ૨૯ માર્ચના તોડી પાડવામાં આવ્યા હતા. મુંબઈના પૂર્વ અને પશ્ચિમ ઉપનગરમાં જોડતા રસ્તા પરની ટ્રાફિકની તાણ ઓછી કરવા માટે ગોરેગામ-મુંલુંડ રોડ મહત્ત્વનો છે. દિંડોશી સેશન્સ કોર્ટથી ફિલ્મ સિટી માર્ગ જંકશન પર ૭૦૦ મીટરના તબક્કામાં રોડના બાંધકામમાં આડે આવનારા ૮૭ બાંધકામને હટાવવાની કાર્યવાહી પાલિકાના પી-ઉત્તર વોર્ડે કરી હતી. પી-ઉત્તર વોર્ડના હદમાં આવતા લિંક રોડને આડે આવતા મોટાભાગના તમામ અવરોધ હવે દૂર કરવામાં આવ્યા છે.
ગોરેગાંવ-મુલુંડ લિંક એ કુલ ૧૨ કિલોમીટરના અંતરનો પાલિકાનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. પી-ઉત્તર વોર્ડની હદમાં ૨.૮ કિલોમીટરનો લિંક રોડ આવે છે. લિંક રોડને લગભગ ૪૫.૭૦ મીટર પહોળો કરવાનું પ્રસ્તાવિત હોવાથી પી-ઉત્તર વોર્ડની હદની અંતરમાં કુલ ૨૩૭ બાંધકામો લિંક રોડના બાંધકામને અડચણરૂપ હતા. આ બાંધકામમાંથી ૧૬૧ બાંધકામ કાયદેસર સાબિત થયા હતા, જેમાં ૧૫૪ કર્મશિયલ અને સાત રહેવાસી બાંધકામનો સમાવેશ થાય છે. લગભગ દોઢ વર્ષ પહેલા ૭૫ બાંધકામના માલિકોએ હાઈ કોર્ટમાં અરજી કરી હતી.
હાઈ કોર્ટે અરજદારોનું સાંભળ્યા બાદ ૧૪ માર્ચ, ૨૦૨૩ના આ અરજી ફગાવી દીધી હતી અને ૨૮ માર્ચ, ૨૦૨૩ની અંદર સુપ્રીમ કોર્ટમાં દાદ માગવાની મુદત પણ આપી હતી. અરજદારોએ સુપ્રીમમાં અરજી દાખલ કરી હતી. તેના પર સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે પણ આ અરજી ફગાવી દીધી હતી અને મુંબઈ મહાનગરપાલિકાની તરફેણમાં નિકાલ આપ્યો હતો. તેથી આ પ્રોજેક્ટને અડચણરૂપ રહેલા ૮૭ બાંધકામને તાત્કાલિક હટાવવાનો આદેશ ઝોન-ચારના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશ્વાસ શંકરવારે આપ્યો હતો. તે મુજબ બુધવાર, ૨૯ માર્ચના પી-ઉત્તર વોર્ડ દ્વારા ૧૦ ઍન્જિનિયર, ૮૦ કર્મચારી સહિત બે પોકલેન મશીન, પાંચ જેસીબી મશીન અને બે ડંપરની મદદથી આ બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.