ભારતીય હિંદુ દેવાલયોની વિદ્યાપીઠોમાં મફત શિક્ષણની પરંપરા

ઉત્સવ

ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ – ડૉ. રાજેશ ચૌહાણ

પ્રાચીનકાળની શિક્ષણપ્રણાલીએ માનવતા, જ્ઞાન, પરંપરાઓ અને પ્રથાઓને પ્રોત્સાહન આપ્યું હતું. પુરાણોમાં જ્ઞાનને અપ્રતીમ કે અદ્વિતીય માનવામાં આવે છે (બ્રહ્માંડ પુરાણ, ૧/૪/૧૫). ભારતનાં તક્ષશિલા, નાલંદા, વિક્રમશિલા, વલ્લભી, ઉજ્જયિની, કાશી વગેરે વિશ્ર્વવિખ્યાત શિક્ષણ અને સંશોધનનાં મુખ્ય કેન્દ્રો હતાં અને ઘણા દેશોમાંથી અહીં વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવવા આવતા હતા. વૈદિકકાળમાં સ્ત્રીશિક્ષણના ક્ષેત્રમાં નોંધપાત્ર ખ્યાતિ હતી જેમાં મૈત્રેયી, ઋતંભરા, અપાલા, ગાર્ગી અને લોપામુદ્રા જેવાં નામો મુખ્ય હતાં. બોધાયન, કાત્યાયન, આર્યભટ્ટ, ચરક, કણાદ, વરાહમિહિર, નાગાર્જુન, અગસ્ત્ય, ભર્તૃહરિ, શંકરાચાર્ય, સ્વામી વિવેકાનંદ જેવા અનેક મહાપુરુષોએ ભારતની ધરતી પર જન્મ લઈને વિશ્ર્વમાં ભારતીય જ્ઞાન પરંપરાની સમૃદ્ધિમાં અજોડ યોગદાન આપ્યું છે.
ભારતીય શિક્ષણનો ઈતિહાસ ઘણો પ્રાચીન છે. અહીં વિભિન્ન સમયમાં વિભિન્ન પ્રકારની શિક્ષણસંસ્થાઓ મળે છે. પ્રાગૈતિહાસક કાળથી ૧૦૦૦ ઈ. પૂ. સુધીના સાહિત્ય અને વ્યાવસાયિક તમામ પ્રકારના શિક્ષણની વ્યવસ્થા પરિવારમાં જ થતી. શિક્ષણના ક્ષેત્રે જેમ જેમ પ્રશ્ર્નો અને વિશેષ અધ્યયન તરફ લોકોની રુચિ વધતી ગઈ તેમ તેમ પંડિતોએ પોતાની પાઠશાળા બનાવી. પ્રારંભિક સદીઓ સુધી શિક્ષણ તેમના હાથોમાં જ રહ્યું, પછીથી સાર્વજનિક શિક્ષણસંસ્થાઓનો વિકાસ થયો એટલું જ નહીં, શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપ્યું. મંદિરોના મહાવિદ્યાલય કે વિદ્યાપીઠો, મઠ, પાઠશાળાઓ, વિહારોમાંનાં વિશ્ર્વવિદ્યાલય પણ શિક્ષણનાં પ્રસિદ્ધ કેન્દ્રો હતાં.
મીના શ્રીપાલ પોતાના લેખ ‘પ્રાચીન ભારતીય શિક્ષાવ્યવસ્થા’માં જણાવે છે કે વિભિન્ન યુગ અને સંપ્રદાયોમાં આચાર્યોનાં મઠ અથવા મંદિરોમાં વિદ્યા અધ્યયન થતું હતું. આ યુગમાં હિંદુ શિક્ષણ પ્રણાલી અંતર્ગત શિક્ષણના કેન્દ્ર મઠો અથવા મંદિરોના વિકાસની એક નવીન પરંપરાનુ સર્જન થયું. કાશ્મીરના રાજા અવંતિ વર્મા (૯મી સદી)એ વૈષ્ણવ મંદિરનું નિર્માણ કરાવ્યું અને લાયકાત ધરાવતા શિક્ષકોને નિયુક્ત કરી વ્યાકરણ શિક્ષણની વ્યવસ્થા કરી હતી. આ ઉપરાંત યશસ્કર નામના રાજાએ (૧૦મી સદી) મઠનું નિર્માણ કરાવ્યું, જ્યાં આર્યદેશના વિદ્યાર્થીઓ જ્ઞાન માટે આવતા હતા. આ ઉપરાંત કશ્મીરના કશ્મેન્દ્ર અનુસાર કાશ્મીરના મઠોમાં બંગાળના વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રાપ્ત કરવા આવતા હતા. કથાસરિતસાગરમાં પણ મઠોમાં વિભિન્ન બ્રાહ્મણો દ્વારા રહેણાકી અને સંગઠિત જીવન પદ્ધતિના શિક્ષણનો ઉલ્લેખ છે. આચાર્ય હેમચંદ્રાચાર્યે પણ ગુજરાતમાં આવા વિદ્યામઠોનો ઉલ્લેખ કર્યો છે જેને વિદ્યા કેન્દ્રો ઉપરાંત રાજ્યથી ભોજન, વસ્ત્ર, વગેરેનું દાન પ્રાપ્ત થતું.
દશરથ શર્મા અનુસાર વિગ્રહરાજ ચતુર્થ દ્વારા સ્થાપિત સરસ્વતી મંદિરમાં સંભવત: ચાહમાન સામ્રાજ્યના દરેક ક્ષેત્રમાંથી વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રાપ્ત કરવા આવતા હતા. એ જ રીતે પરમાર રાજા ભોજ દ્વારા ભોજનશાળા મંદિર શિક્ષણના પ્રધાન કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ જ રીતે દક્ષિણ ભારતમાં મઠો અને મંદિર શિક્ષણના મહત્ત્વપૂર્ણ કેન્દ્રો બન્યાં.
પ્રો. અનંત સદાશિવ અલ્તેકર પોતાના પુસ્તક પ્રાચીન ભારતીય શિક્ષણ પદ્ધતિમાં લખે છે કે દક્ષિણ ભારતના પ્રાલેખોથી જાણવા મળે છે કે દેવાલયોમાં અનેક પાઠશાળાઓ ચાલતી હતી. સંભવત: મોટા ભાગની વ્યવસ્થા ગામસભાની દેવાલય ઉપસમિતિ કરતી હતી. કેટલીક વિદ્યાપીઠો બૌદ્ધ વિહારોના પથ પર અગ્રેસર રહી કાલાન્તરમાં તે વિદ્યાનાં કેન્દ્રો બન્યાં જે હિંદુ ગુરુકુળોના પ્રતિરૂપ હતી, જ્યાં ગુરુ એક કુળના જ નહીં, પરંતુ સમગ્ર વિહારના પ્રધાન હતા. ગુરુકુળ પરંપરા પછી વિદ્યાનાં કેન્દ્રોના રૂપમાં હિંદુ દેવાલયોમાં આ કાર્યનો સારા પ્રમાણમાં વિકાસ થયો, જેમાં કેટલાંક હિંદુ દેવાલયોની વાત કરીએ.
સાલોત્ગી દેવાલય વિદ્યાપીઠ: બોમ્બે રાજ્યના બિજાપુર જિલ્લાના સાલોત્ગી નામના ગામમાં ૧૦મી અને ૧૧મી સદીમાં વૈદિક શિક્ષણનું પ્રસિદ્ધ કેન્દ્ર હતું. સંસ્કૃતની આ વિદ્યાપીઠ ઘણા સમય સુધી જીવિત રહી, કેમ કે આ સ્થળનું મૂળ નામ પાવિત્તગીને સાલોત્ગીના રૂપમાં પરિવર્તિત કરવામાં આવ્યું જે શાળા અને પાવિત્તગીનું એક સંક્ષિપ્ત અને પ્રાકૃત રૂપ છે. આ વિદ્યાપીઠ એક વિશાળ ભવન સ્થિત જે ત્રયોપુરુષના દેવાલય સંબંધિત હતું. આ દેવાલયનું નિર્માણ રાષ્ટ્રકૂટ રાજા તૃતીય કૃષ્ણના મંત્રી નારાયણે કરાવ્યું હતું. આ વિદ્યાલયની કુશળતા અને પ્રસિદ્ધિને કારણે દૂર દૂરથી વિદ્યાર્થીઓ આવતા હતા. વિદ્યાપીઠમાં કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા તેની કોઈ જાણકારી ઉપલબ્ધ નથી, પરંતુ તેમના રહેઠાણ માટે ૨૭ ભવનની જરૂરિયાત હતી. આ છાત્રાલયોમાં પ્રકાશ માટે નિમિત્ત દીપક (દીવા)ની વ્યવસ્થા માટે ૧૨ નિવર્ત્તન જમીન (સંભવત: ૬૦ એકર) દાનમાં મળી હતી. વિદ્યાર્થીઓ માટે ભોજન અને રહેઠાણ મફત હતું. આ કાર્ય માટે ૫૦૦ નિવર્ત્તન જમીન દાનમાં પ્રાપ્ત થઈ હતી. અનુમાન છે કે આ સંસ્થા તરફથી ૨૦૦ વિદ્યાર્થીઓને
મફત ભોજન, રહેઠાણ અને શિક્ષણ આપવામાં આવતું.
તિરુમુક્કુદલ દેવાલય વિદ્યાપીઠ: ૧૧મી સદીમાં ચિડલપટ જિલ્લાના તિરુમુક્કુદલ નામના સ્થળે વ્યડટેશ પેરુમલ દેવાલય મહત્ત્વપૂર્ણ સંસ્થા હતી. તેના તત્ત્વાધાનમાં એક વિદ્યાપીઠ, એક વિદ્યાર્થીશાળા તથા એક ચિકિત્સાલય ચાલતાં. આ વિદ્યાપીઠ એન્નાયિરમ વિદ્યાપીઠથી નાની હતી, કેમ કે તેમાં ૬૦ વિદ્યાર્થીઓના ભોજન અને રહેઠાણ તથા શિક્ષા -દીક્ષાની વ્યવસ્થા હતી. વિદ્યાર્થીશાળાના ૬૦ સ્થાનમાં ૧૦ ઋગ્વેદ, ૧૦ યજુર્વેદ, ૨૦ વ્યાકરણ, ૧૦ પજ્ચારાત્રપ્રલાણી, ૩ શૈવાગમ અને ૭ વાનપ્રસ્થાન અને સંન્યાસીઓ માટે
સુરક્ષિત હતી.
તિરુવોર્રિયૂર દેવાલય વિદ્યાપીઠ: ચિડલપટ જિલ્લાના તિરુવોર્રિયૂર નામના સ્થળે ૧૩મી સદીમાં વ્યાકરણના શિક્ષણ માટે એક વિશાળ વિદ્યાપીઠ હતી. એક સ્થાનિક શિવાલયની બાજુમાં એક વિશાળ ભવનમાં વિદ્યાપીઠ આવેલી. ઉપરોક્ત સ્થળ માટે લોકોક્તિ છે કે મહાદેવ શિવ ઉક્ત દેવાલયમાં પ્રગટ થઈને પાણિનિ વ્યાકરણનાં ૧૪ સૂત્રોનું શિક્ષણ ૧૪ દિવસમાં આપવામાં આવતું. ગ્રામવાસીઓએ આ સ્મૃતિમાં વ્યાકરણની વિદ્યાપીઠની સ્થાપના કરી, જેમાં ૩૪૦ વિદ્યાર્થીઓના ભોજન-રહેઠાણ માટે ૩૦૦ એકર જમીન પ્રાપ્ત થઈ હતી. આ કાર્ય માટે ૪૦૦ એકર જમીન દાનમાં મળી હતી.
મલકાપુરમ દેવાલય વિદ્યાપીઠ: ઈ. સ. ૧૨૬૮માં મુલ્કાપુરમના એક લેખ અનુસાર એક દેવાલય, એક વિદ્યાપીઠ તથા ચિકિત્સાલયની સ્થિતિની જાણકારી મળે છે. આ વિદ્યાપીઠમાં ૮૮ અધ્યાપક હતા. ૩ વેદાધ્યાન તથા વ્યાકરણ, બાકીના અધ્યાપક સાહિત્ય, ન્યાય અને આગમો જેવા લૌકિક વિષયોનું અધ્યાપન કરે છે. દક્ષિણ ભારતની વિદ્યાપીઠમાં પ્રતિ ૧ અધ્યાપક સામે ૨૦ વિદ્યાર્થીઓની સંખ્યા હતી. એક અનુમાન અનુસાર તેમાં લગભગ ૧૫૦ વિદ્યાર્થીઓ હતા, જેમાં ભોજન, રહેઠાણ, ઔષધિઓ મફત પ્રાપ્ત થતાં હતાં.
ઉપરોક્ત દેવાલયોમાં ચાલતી વિદ્યાપીઠ સિવાય અન્ય વિદ્યાપીઠ ચાલતી હતી જેમાં ધારવાડની ભુજબેશ્ર્વર મંદિર જે ૧૦મી સદીમાં એક મઠ હતું જેમાં વિદ્યાર્થીઓને મફત અધ્યયન અને ભોજન માટે ૨૦૦ એકર જમીન દાનમાં મળેલી. હૈદરાબાદ રાજ્યમાં નગઈ નામના સ્થળે ૧૧મી સદીમાં એક સંસ્કૃત વિદ્યાપીઠ હતી જ્યાં ૨૦૦ વિદ્યાર્થીઓને વૈદિક સાહિત્ય, સ્મૃતિ, મહાકાવ્ય, દર્શનનું શિક્ષણ આપવામાં આવતું. જેમાં ૬ પુસ્તકાલય હતાં. જેમાં ૧૨૦૦ એકર જમીન દાનમાં આપેલી. કર્ણાટકના બેલગાવ નામના સ્થળે દક્ષિણેશ્ર્વર મંદિર તરફથી એક મફત વિદ્યાલય ચાલતું. ઈ. સ. ૧૧૫૮માં શિમોગ જિલ્લાના તાલ્ગુડ સ્થળે પ્રાણેશ્ર્વર દેવાલય તરફથી પાઠશાળા ચાલતી.
ઉપરોક્ત બધી વિદ્યાપીઠ દક્ષિણ ભારતની જ છે. ઉત્તર ભારતમાં મોટા ભાગની દેવાલય વિદ્યાપીઠ મુસ્લિમ આક્રમણને કારણે નષ્ટ-ભ્રષ્ટ થયેલી જોવા મળે છે અથવા તો સંપૂર્ણ નષ્ટ કરેલી. દેવાલયના અધિકારી પોતાનું આ ઉત્તરદાયિત્વનું પાલન કરતા હતા. ઔરંગઝેબે હિંદુ મંદિરોને એટલે નષ્ટ કર્યાં કે તેને સૂચના મળી હતી કે સિંધ, મુલ્તાન અને કાશીના બ્રાહ્મણો મંદિરોમાં પાઠશાળા ચલાવે છે, જેથી સ્પષ્ટ થાય છે કે ઉત્તર ભારતના દેવાલયમાં શિક્ષણનાં મહત્ત્વપૂર્ણ કેન્દ્ર હતાં.
આ ‘મંદિર’ વિદ્યાલયોની વ્યવસ્થા ‘ગ્રામસભાઓ’ દ્વારા થતી. ‘ગ્રામસભા’ એક દેવાર્ચન સમિતિની ચૂંટણી કરતી જે આચાર્યની સલાહ અને સહકાર દ્વારા સમગ્ર કાર્યો પૂર્ણ કરતી. મંદિર વિદ્યાલયોની સાથે જ વિભિન્ન વૈષ્ણવ અને શૈવ સંપ્રદાયોના આચાર્યોના મઠોમાં સ્થાપિત વિદ્યાલયોમાં શિક્ષણનું કાર્ય સંપન્ન કરતા હતા, જે ઉચ્ચ શિક્ષણ કેન્દ્રો હતાં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.