ગણેશ મંડળો માટે સારા સમાચાર! BMC એ મંડપની પરવાનગી આપવાની મર્યાદામાં કર્યો વધારો

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મુંબઈમાં ગણેશ મંડળોએ મંડપની પરવાનગી લેવા માટેની અંતિમ તારીખ 23 ઓગસ્ટ મંગળવાર સુધી નક્કી કરવામાં આવી હતી. જોકે ગણેશ ભક્તો અને મંડળોએ તેને લંબાવવાની વિનંતી કર્યા પછી, BMC એ શુક્રવાર સુધી સમય મર્યાદા લંબાવી છે, એવું ડેપ્યુટી કમિશનર અને સાર્વજનિક ગણેશોત્સવ સંયોજક હર્ષદ કાલેએ ગુરુવારે જણાવ્યું હતું. હવે ગણેશ મંડળો શુક્રવાર, 26 ઓગસ્ટ 2022ના સાંજે 5:30 વાગ્યા સુધી મંડપ માટેની અરજી કરી શકશે.

કોરોનાના બે વર્ષ બાદ તહેવારોની મોસમમાં લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષે મુંબઈમાં ગણેશોત્સવની તૈયારીઓ ઉત્સાહભેર ચાલી રહી છે. દરમિયાન આ વર્ષે મહાનગરપાલિકાને રસ્તા પર મંડપ બાંધવા માટે 2732 અરજીઓ મળી છે, જેમાંથી 1947 મંડળોને પરવાનગી આપવામાં આવી છે અને 415 મંડળોને પરવાનગી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.

દરમિયાન, BMC એ મંડપ ઊભા કરવા માટેના નિયમોમાં કોઈ ફેરફાર કર્યો નથી. મંડપની ઊંચાઈ 30 ફૂટથી વધુ ન હોવી જોઈએ. મંડપ 25 ફૂટથી વધુની ઊંચાઈ ધરાવતા હોય તો મંડળે બાંહેધરી આપવી પડશે કે તે મંડપ અને તેનું બાંધકામ મજબૂત હશે. નવા મંડળને ગણેશોત્સવ માટે જગ્યા જોઈતી હોય તો તેણે સ્થાનિક પોલીસ સ્ટેશન, આસિસ્ટન્ટ પોલીસ કમિશનર અને મુંબઈ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરની પરવાનગી લેવી પડશે. પાલિકાએ રસ્તા પર મંડપ માટે ખાડા ન ખોદવાની સલાહ આપી છે અને જો ગણેશ મંડળોએ મંડપ માટે ખાડા ખોદ્યા હોવાનું જણાયું, તો ખાડા દીઠ 2,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે, એવી ચેતવણી પણ પાલિકાએ આપી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.